આજે બપોરે 1.25 વાગ્યાના સુમારે રાજકોટમાં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ લાગણી ફેલાવા પામી છે. રાજકોટ થી 27 કિલોમીટર દૂર ગુંદાળા નજીક બામણબોર પાસેના જાલીડી અને જેપુર ગામ વચ્ચે પ્રભુ ફાર્મ પાસે આ ભૂકંપ્નું એપી સેન્ટર હોવાનું સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહનના જણાવ્યા મુજબ 01:25 વાગ્યે ધરતીકંપ્ના આચકાની નોંધ થઈ છે અને તેનું એપિસેન્ટર રાજકોટ થી 27 કિલોમીટર દૂર પ્રભુ ફાર્મ પાસે છે. ભૂકંપ્ની તીવ્રતા બેની નોંધાઇ છે. તીવ્રતા ઓછી હોવાના કારણે સદ્નસીબે જાનમાલની કોઈ નુકસાન થઈ નથી.
ઓછી તીવ્રતા અને એપી સેન્ટર રાજકોટથી 27 કિલોમીટર દૂર હોવાના કારણે રાજકોટના લોકોને તો ભૂકંપ આવ્યો છે તેવી કોઈ અનુભૂતિ ઓછી થઈ હતી. રાજકોટમાં ભૂકંપ હોવાની જાણ થતાં ગાંધીનગરથી એ અંગેની પૂછપરછ પણ શરૂ થઈ ગઈ છે. જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ અમે સમગ્ર વિસ્તારમાં મામલતદારો અને ડેપ્યુટી કલેક્ટરને આ અંગેની જાણ કરવા અને જાનમાલની નુકસાની હોય તો તાત્કાલિક રિપોર્ટ કરી કામગીરીમાં લાગી જવા સૂચના આપી છે.
થોડા સમય અગાઉ પણ રાજકોટમાં ભૂકંપ્નો આંચકો અનુભવાયો હતો અને તેનું એપિસેન્ટર લોઠડા નજીક હતું. ત્યારે તિવ્રતા ત્રણથી વધુ હોવાના કારણે રાજકોટવાસીઓએ પણ આચકા અનુભવ્યા હતા અને ગભરાટનો માહોલ ફેલાયો હતો. આ વખતે તીવ્રતા ઓછી હોવાના કારણે રાજકોટવાસીઓને અસર થઇ નથી પરંતુ શહેરીજનોમાં ભય અને ગભરાટનુ વાતાવરણ ફેલાવા પામ્યુ છે. ગયા વખતે જે ભૂકંપ આવ્યો હતો ત્યારે વરસાદ ચાલુ હતો અને આ વખતે વરસાદની આગાહી છે. એક બાજુ કોરોનાના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી અને બીજી બાજુ ભૂકંપ્ના કારણે ઘરમાં રહેવામાં બીકની લાગણી અનુભવે છે. અધૂરામાં પૂરું વરસાદની પણ આગાહી હોવાના કારણે લોકો માટે હવે શું કરવું તે મોટો પ્રશ્ન બની ગયો છે.