આગામી તા.૧૧મીએ ખોડલધામ “નરેશ”નો ૫૬મો જન્મદિન: રાજકોટમાં ત્રણ સ્થળે મેગા રક્તદાન કેમ્પનું આયોજન

0
628

શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલનાં ૫૬માં જન્મદિન નિમિતે સોશિયલ ડીસ્ટન્સ સાથે રાજકોટમાં ત્રણ સ્થળે મહારકતદાન કેમ્પ યોજાશે: સૌરાષ્ટ્રભરમાંથી રક્તદાતાઓ રક્તદાન કરવા માટે ઉત્સુક

નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતા સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 11 જુલાઈ,૨૦૨૦ અને શનિવારનાં રોજ નરેશભાઈના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામોમાંથી સોશિયલ ડીસ્ટન્સ જાળવીને લોકો રક્તદાન કરવા ઉમટી પડશે.

સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ૨૧ વર્ષથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ થકી લોકઉપયોગી કાર્યો કરી રહ્યું છે. વર્ષ 2000થી વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રક્તનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યું છે. ૨૧ વર્ષથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી ચૂક્યા છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. ત્યારે નરેશભાઈ પટેલના ૫૬ માં જન્મદિવસ નિમિત્તે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 11 જુલાઈના રોજ સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી રાજકોટના અલગ -અલગ ત્રણ ઝોનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નોર્થ ઝોન અને વેસ્ટ ઝોન વિસ્તારમાં શ્રી સરદાર પટેલ ભવન, ચંદ્રેશનગર પાણીના ટાંકીના સામે, ન્યુ માયાણીનગર તથા ઇસ્ત્ઝોન વિસ્તારમાં પટેલ વાડી, બેડીપરા અને સાઉથ ઝોનમાં પટેલ વાડી, દયાનંદ નગર (વાણીયાવાડી) ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્ન દ્રષ્ટા એવા નરેશભાઈ પટેલ વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં અનેક વખત નરેશભાઈ પટેલની રક્તતુલા કરાઈ છે. આ રક્તતુલા બાદ તમામ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. નરેશભાઈના જીવનનો ધ્યેય જરૂરિયાત મંદ દર્દીઓને મદદ કરવાનો હંમેશા રહ્યો છે અને રક્તદાનને મહાદાન ગણી નરેશભાઈ પટેલના જન્મદિવસે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ વર્ષે પણ કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં સ્વયંભૂ રક્તદાતાઓ રક્તદાન કરી નરેશભાઈ પટેલના આ સેવાકીય કાર્યમાં સહભાગી થશે.

નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે છે ત્યારે આ વર્ષે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં ત્રણ સ્થળોએ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોરોના સમયમાં રક્તદાન કેમ્પ યોજાવાનો હોવાથી સાવચેતી પણ રખાશે…

હાલમાં સમગ્ર ભારતમાં કોરોનારૂપી વિકટ મહામારી ચાલી રહી છે ત્યારે રક્તદાન કરવા માટે આવનાર રક્તદાતાઓને તકલીફ ન પડે તે માટે બહોળી સંખ્યામાં સ્વયં સેવકો તૈનાત રહેશે તથા રક્તદાન કરવા માટે આવનાર દરેક વ્યક્તિને સેનેટાઈઝ તથા થર્મલ સ્ક્રીનીગ કરાવવાનું રહેશે ઉપરાંત રકતદાતાઓ વચ્ચે યોગ્ય ડીસ્ટન્સ જળવાઈ રહે તે પણ કાળજી રાખવામાં આવશે.