જસદણ યાર્ડમાં મગફળીના ઢગલા, છતાં માત્ર 4 કલાક જ થાય છે ખરીદી

0
79
  • 12,000 મણ મગફળી સ્ટોક હજુ પણ ખુલ્લા પટમાં, જ્યારે ખરીદાયેલી મગફળી ઓકશન શેડમાં સલામત
  • વેપારીઓએ અંદરખાને સમજુતી કરી બે ટાઈમના બદલે એક ટાઈમ હરાજી કરતા હોવાથી ખેડૂતો મૂંઝવણમાં

જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં ગત બુધવારે યાર્ડના ગેટ ખોલવામાં આવ્યા હતા અને 25 હજાર મણ જેટલી મગફળીની આવક થતા યાર્ડ મગફળીથી ઉભરાઈ ગયું હતું. કારણ કે જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં અઠવાડીયામાં બે દિવસ બુધવાર અને રવિવારે જ ખેડૂતોનો માલ ઉતારવામાં આવતો હોવાથી ખેડૂતોનો ભારે ધસારો જોવા મળે છે. વેપારીઓ દ્વારા સવારના 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી એટલે કે માત્ર 4 કલાક જ ગોકળગાયની ગતિએ મગફળીની ખરીદી કરવામાં આવતી હોવાથી યાર્ડમાં મગફળીના ઢગલા ખડકાયેલા જ રહે છે.

હાલ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે જસદણ યાર્ડમાં ગત બુધવારે ઉતરેલી 25 મણ પૈકી 12 હજાર મણ જેટલી મગફળી ખુલ્લા પટમાં પડી હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. જ્યારે વેપારીઓએ ખરીદેલી મગફળી ઓકશન શેડમાં સલામત રીતે રાખવામાં આવી છે.

લોકડાઉનમાં હરાજીનો સમય વધુ હતો
મગફળીની આવકની સાથોસાથ ખેડૂતોની સમસ્યામાં પણ વધારો થતો હોવાથી ખેડૂત બિચારો બની ગયો છે. કારણ કે યાર્ડમાં લોકડાઉન સમયે જણસની હરરાજીનો સમય વધુ હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી જસદણ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક જણાતા વેપારીઓએ અંદરખાને સમજુતી કરી બે ટાઈમના બદલે એક જ ટાઈમ હરાજી કરતા હોવાથી ખેડૂતો ભારે મુંજવણમાં મુકાઈ ગયા છે.

અગાઉ બે ટાઈમ ખરીદી કરાતી હતી, હવે એકવાર થાય છે
હું ગયા બુધવારે મગફળી લઈને જસદણ નવા યાર્ડમાં આવ્યો છું. પણ હજુ સુધી મારો વારો આવ્યો નથી. વેપારીઓ બપોર સુધી જ ખરીદી કરે છે. અગાઉ બે ટાઈમ ખરીદી કરાતી હતી અને હવે એક જ ટાઈમ જ થાય છે. મારી 100 મણ જેટલી મગફળી હાલ ખુલ્લા મેદાનમાં પડી છે. અને ક્યારે વારો આવશે તેની રાહ જોઉં છું. > દાનાભાઈ, કડુકા ગામના ખેડૂત

વેપારીઓએ સમય ફિક્સ કર્યો છે તે મુજબ હરાજી કરાય છે
જસદણ યાર્ડમાં આજે હરાજી થતા અંદાજે 10 થી 12 હજાર મણ મગફળી યાર્ડમાં પેન્ડીંગ પડી છે. હરરાજીનો સમય સવારે 9 થી બપોરના 1-30 કલાક સુધીનો છે. લોકડાઉનમાં અમે ઉભા રહી હરાજી કરતા હતા ત્યારે હરરાજીનો સમય વધુ હતો. અત્યારે તમામ વેપારીઓએ જે સમય ફિક્સ કર્યો છે તે મુજબ હરાજી થાય છે. > બળવંતભાઈ ચોહલીયા, યાર્ડના સેક્રેટરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here