- દીવથી ઓખા અને માંડવીથી જખૌના દરિયામાં જોરદાર કરંટ :આજે પણ માવઠાની આગાહી
અરબી સમુદ્રમાં ઉદભવેલી સિસ્ટમે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ કણર્ટિક ઓડિશા સહિતના રાજ્યોને ધમરોળ્યા બાદ ગઈકાલ સાંજથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 59 સ્થળે સામાન્ય ઝાપટાથી 1 ઈંચ વરસાદ પડ્યો
સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના બાવળા, રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી, સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પોણોથી એક ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના ભચાઉ, મહીસાગર જિલ્લાના લુણાવાડા, દાહોદ જિલ્લાના ગરબડા, અમદાવાદ જિલ્લાના ધોળકા, દ્વારકા જિલ્લાના ભાણવડ, રાજકોટ જિલ્લામાં ગોંડલ અને ખેડા જિલ્લામાં માતર ખાતે અડધો ઈંચ વરસાદ થયો છે.
સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહીસાગર, જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે અને હજુ આજે પણ દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક સ્થળે માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે તોફાની પવન સાથે માવઠાંની સંભાવના હોવાના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. દિવથી ઓખા અને માંડવીથી જખૌના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. 2.6 થી ચાર મીટર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગુજરાતના તમામ બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આવતીકાલથી માવઠાનું જોર ઘટશે પરંતુ આમ છતાં છુટ્ટાછવાયા ઝાપટા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે તેમ હવામાન ખાતાના જાણકારો કહી રહ્યા છે. તારીખ 19 ના સોમવારે નવું લો પ્રેસર બંગાળની ખાડી માં ઉદ્ભવશે અને તેના કારણે માવઠાનો વધુ એક રાઉન્ડ આગામી દિવસોમાં આવે તેવી શક્યતા છે.