101 કોરોના વોરિયર્સને છૂટા કરી દેવાયા: પગાર ન ચૂકવાતાં ભારે દેકારો

0
159

’ગરજ સરી અને વૈદ વેરી’ની માફક કોરોનાના કપરા સમયગાળામાં નોકરીમાં રાખવામાં આવેલા અને કોરોના વોરિયર્સ જેવા બિરુદ આપીને જેમની અત્યાર સુધી વાહ વાહ કરવામાં આવતી હતી તેવા 101 કોરોના વોરિયર્સને કોઈપણ જાતની નોટીસ કે આગોતરી જાણ કયર્િ વગર નોકરીમાંથી છૂટા કરી દેવાતા ભારે દેકારો બોલી ગયો છે. આજે આ તમામ યુવા કોરોના વોરિયર્સ કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા અને પોતાની સાથે થયેલા અન્યાયના વિરોધમાં સૂત્રોચાર કરી અધિક કલેકટર પરિમલ પંડ્યાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમને છૂટા કરવામાં આવ્યા છે તે તમામ યુનિવર્સિટી કેમ્પસ પર આવેલ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં માસિક રૂપિયા 12000 થી રૂપિયા 15000 માં એટેન્ડન્ટ અને હાઉસકીપિંગ જેવી ફરજ બજાવતા હતા. સમરસમાં 590 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તે પૈકી આજે માત્ર 43 બેડ ભરાયેલા છે અને 517 બેડ ખાલી છે. ખાલી બેડની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોવાના કારણે 146 માંથી 101 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.


અધિક કલેકટર સમક્ષ રજૂઆતમાં કોરોના વોરિયર્સે જણાવ્યું હતું કે અમને છેલ્લા દોઢ મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર પણ મળ્યો નથી અને રાતોરાત છૂટા કરી દેવાયા છે.
એક એવી પણ વાત બહાર આવી રહી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા પગાર બીલ રજુ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં કવેરી નીકળતા પગાર અટકી ગયો છે.

  • તાત્કાલિક પગાર ચૂકવવા અને તબક્કાવાર છૂટા કરવા કોન્ટ્રાક્ટરને આદેશ

છુટા કરવામાં આવેલા કર્મચારીઓની રજૂઆત સાંભળ્યા બાદ અધિક કલેકટર પરિમલ પંડ્યાએ સમગ્ર સેન્ટરની મુખ્ય જવાબદારી સંભાળતા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને સુચના તમામનો પગાર આજે જ થઈ જાય એવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.સાથોસાથ આટલી મોટી સંખ્યામાં એકસાથે કર્મચારીઓને છૂટા કરવાના બદલે તબક્કાવાર છુટા કરવા જણાવ્યું હતું. અધિક કલેક્ટરે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરના માણસો છે અને તેમને 60 દિવસ માટે નોકરીમાં રાખવામાં આવ્યા હતા. આ સમયગાળો પૂરો થઈ ગયો છે.

  • બીજી લહેર આવશે તો શું કરાશે?

જો કોરોનાની બીજી લહેર નવેમ્બર-ડિસેમ્બરમાં આવશે અને કેસની સંખ્યા વધી જશે તો આ તમામને ફરી નોકરીએ રાખવા પડશે. હાલનું કોઈ ઇન્ફાસ્ટ્રકચર વિખેરી નાખવામાં નહીં આવે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરે તેનાથી વિરુદ્ધ પગલા લીધા હોવા છતાં તેની સામે શું કાર્યવાહી થશે એ અંગે કોઈ કશું ખુલીને બોલવા તૈયાર નથી.

  • કલેકટર તંત્રની સૂચનાથી છૂટા કરાયા અને હવે કોન્ટ્રાક્ટર પર ઠીકરું ફોડાયું
  • પગારનું બિલ પણ અટકાવાયું છે અને હવે નાટક કરતું તંત્ર


કોન્ટ્રાક્ટર આવું કરી જ કેમ શકે ? તેવા હાકલા પડકારા કરી કલેકટર તંત્ર દ્વારા પોતાનો બચાવ કરવાના નાટક થઇ રહ્યા છે. પરંતુ ટોચના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અને પુરાવા મુજબ ગત 16 ના રોજ કલેકટર તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટને પત્ર પાઠવીને સમરસ હોસ્ટેલના સ્ટાફને છૂટો કરવા માટે સુચના આપવામાં આવી હતી.


કલેકટર તંત્ર દ્વારા તારીખ 16 ના રોજ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સ્ટાફને છૂટા કરવાની પ્રક્રિયા તારીખ 17 ના રોજ પૂરી થઈ જવી જોઈએ. એટલે કે 24 કલાકની મહેતલ આ કામ માટે આપવામાં આવી હતી.


146 માંથી 101 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કોન્ટ્રાક્ટરે પોતાની રીતે લીધો નથી પરંતુ કલેકટર કચેરીના સત્તાવાર સાધનોની સહી સાથે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને જે પત્ર પાઠવવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે 45 એટેન્ડન્ટ અને 20 હાઉસકિપીગ સ્ટાફની જરુર છે.તે સિવાય તમામને છુટા કરવાના રહેશે. આવું જ પગારના મામલે છે. કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કર્મચારીઓના નામ અને પગારની રકમ સાથેનું બિલ તૈયાર કરીને લાંબા સમયથી આપી દેવામાં આવ્યું છે. પરંતુ એક યા બીજા કારણોસર તેમાં કવેરી કાઢીને બિલ અટકાવામાં આવ્યું છે.હવે જ્યારે પગ નીચે રેલો આવતા કોન્ટ્રાક્ટરને આજે ને આજે પૈસા ચૂકવી દેવા દબાણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here