લલિત રાદડિયાની પણ રાજકારણમાં એન્ટ્રી; ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણી લડશે

  0
  429

  કાલથી ફોર્મ વિતરણ શરૂ, ચૂંટણી બિનહરિફ કરવા પ્રયાસો


  રાજકોટ જિલ્લા સહકારી બેંકની 17 બેઠકોની આગામી તા.26ના રોજ યોજાનાર ચૂંટણી માટે આવતીકાલ તા.7થી ઉમેદવારીપત્રકો ભરવાનું શરૂ થનાર છે તે પૂર્વે બેંકના વર્તમાન ચેરમેન અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા જૂથ દ્વારા બેંકની ચૂંટણી બીનહરીફ કરવા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
  છેલ્લા 25 વર્ષથી ડીસ્ટ્રીકટ બેંક ઉપર રાદડીયા પરીવારનો દબદબો હોય આગામી ચૂંટણીમાં રાદડિયા પરિવારના વધુ એક સભ્યની સહકારી રાજકારણમાં એન્ટ્રી થનાર છે. સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નાના પૂત્ર અને વર્તમાન ચેરમેન જયેશ રાદડિયાના નાનાભાઈ લલિત રાદડીયા ખેતી વિભાગની જામકંડોરણા બેઠક ઉપરથી ચૂંટણી લડનાર હોવાનું જાણવા મળ્યુ છે જયારે વર્તમાન ચેરમેન જયેશ રાદડીયા રૂપાંતર વિભાગની બેઠક ઉપર ચૂંટણી લડનાર છે.


  અત્રે એ ઉલ્લેખનીય છે કે, લોકસભાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં પણ લલીત રાદડિયા તેના પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની પોરબંદર બેઠક ઉપર સબળ દાવેદાર મનાતા હતા. પરંતુ એક પરિવારમાં બે સભ્યોને ટિકિટ નહીં આપવાના ભાજપના નિયમના તેમને ટિકિટ મળી શકેલ નહીં પરંતુ હવે તેના પિતાની પરંપરાગત જામકંડોરણા મંડળીમાંથી લલિત રાદડિયા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં એન્ટ્રી કરનાર છે. ડીસ્ટ્રીકટ બેંકની કુલ 17 બેઠકમાંથી શરાફી વિભાગની શહેર અને જિલ્લાની બે બેઠકો સિવાયની 15 બેઠક બિનહરિફ ફાઈનલ મનાય છે. જયારે સહકારી વિભાગની બન્ને બેઠકો પણ બિનહરિફ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.
  બેંના ચેરમેન જયેશ રાદડિયાએ આશાવાદ વ્યકત કર્યો હતો કે તમામ 17 બેઠકો બિનહરિફ થઈ જશે અને બેંકની ચૂંટણી યોજવાની જરૂર જ પડશે નહીં જરૂર પડે તો અમારી પેનલ ગુરૂવારે ફોર્મ ભરશે.