સુરેન્દ્રનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 3700 જગ્યા માટે આજે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા માટે ગુજરાતભરમાંથી 10.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે સુરેન્દ્રનગરની એમપી શાહ કોલેજમાં પેપર ફૂટ્યાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. ઉમેદવારોએ જણાવ્યું આરોપ કરતા કહ્યું હતું કે, કોલેજમાં પેપરના સીલ તૂટેલા હતા. ઉત્તર ગુજરાતમાં પણ દાંતાની પીપળીવાળી વાવમાં છાત્રાને પેપર લખાવવાની બાબતને લઇને ઉમેદવારો તથા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
ગેરરીતિ કરવા માટે પેપરના સીલ તોડ્યા: ઉમેદવારો
ઉમેદવારોએ હોબાળો મચાવતા કહ્યું કે, સામાન્ય રીતે ક્લાસમાં પેપરનું પેકેટ આવે છે તે સીલબંધ આવે છે પરંતુ પેકેટ ખુલ્લું આવ્યું હતું. આ ઉપરાંત સીલબંધ પેપર ફાઇલમાં વિદ્યાર્થીની સહી લેવામાં આવે છે તે જગ્યા પણ ખાલી હતી. વિદ્યાર્થીની સહી પછી આ પેકેટને ખોલવામાં આવે છે પરંતુ આ પેકેટ ખુલ્લું હતું અને કોઇની સહી પણ ન હતી. ઉમેદવારોનો આરોપ છે કે ગેરરીતિ કરવા માટે પેપરના સીલ તોડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
પેપરના કવર ખુલેલા હતા તે અંગે ગૌણ સેવા પસંદગી મંડળ તપાસ કરશે
સુરેન્દ્રનગર ડીવાયએસપી એ બી વાળંદે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેપરના ઉપરના કવર ખુલેલા હતા જેથી ત્રણ બ્લોકના વિદ્યાર્થીઓ પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે નીચે આવી ગયા હતાં. ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓની સમજાવટ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમજાવ્યા હતા. જેમાં 30 મિનિટનો સમય બગડ્યો હતો. ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓએ આ ઉમેદવારો પરીક્ષા આપી શકે અને ભવિષ્ય ન બગડે તે માટે તેઓને વધુ સમય આપી પરીક્ષા આપવા દેવામાં આવી હતી. તેઓને વધારાનો સમય ફાળવવામાં આવ્યો હતો. પેપરના કવર ખુલેલા હતા તે અંગે લાગેલા સીસીટીવી કેમેરાની ગૌણ સેવા પસંદગી મંડળ તપાસ કરશે.
દાંતાની પીપળીવાળી વાવમાં છાત્રાને પેપર લખાવવાની બાબતને લઇ હોબાળો
બિનસચિવાલયની પરીક્ષામાં દાંતાની પીપળીવાળી વાવમાં છાત્રાને એક વ્યક્તિ દ્વારા રૂમમાં આવી પેપર લખાવી જતો રહ્યો હતો. ત્યારે પેપર પુરું થયા બાદ બધા છાત્રો અને વાલીઓ ભેગા થઇ હોબાળો મચાવ્યો હતો. આ અંગે બનાસકાંઠા જિલ્લા એનએસયુઆઇ મંત્રી દિપકભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ‘હું મારા મોટાભાઇનો નંબર પીપળીવાળી વાવમાં આવ્યો એટલે ત્યાં સ્કૂલની બહાર બેઠો હતો. પેપર પુરું થયા પછી બધા વિદ્યાર્થીઓ આવી કહેવા લાગેલા કે રૂમ નંબર-1 માં એક વ્યક્તિ આવી એક છોકરીને પેપર લખાવી જતો રહ્યો હતો. ત્યારે અમે બધા ભેગા થઇ પ્રિન્સીપાલ અને સુપરવાઇઝરને આ અંગે પૂછવા જતાં તેઓ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. જો કે વિદ્યાર્થીઓએ અને વાલીઓ હોબાળો મચાવતાં પ્રિન્સીપાલએ કહ્યું કે, અમે આ વિદ્યાર્થીનીનું પેપર કેન્સલ કરીએ છીએ.’