- દિક્ષા એપ મુજબ પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોએ 5.37 કરોડ મોડ્યુલમાં ટ્રેનિંગ લીધી
છેલ્લા સાત મહિનામાં રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના 6 લાખથી વધુ શિક્ષકે ઓનલાઇન ટીચિંગ માટેની ટ્રેનિંગ લીધી. એનસીઇઆરટીના ઓનલાઇન પ્લેટફોર્મ દિક્ષા એપ્લિકેશને જાહેર કરેલા આંકડા પ્રમાણે શિક્ષકોની ઓનલાઇન ટ્રેનિંગ મુદ્દે ગુજરાત દેશમાં ત્રીજો ક્રમે રહ્યુ હતુ. જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગુજરાતથી આગળ રહ્યા છે.
1 એપ્રિલથી 14 ઓક્ટોબર સુધીમાં દેશના વિદ્યાર્થીઓએ જોયેલા કન્ટેન્ટ અને શિક્ષકોની ઓનલાઇન ટ્રેનિંગને આધારે રેટિંગ જાહેર કરાયું હતું. શિક્ષકોએ 5.37 કરોડ મોડ્યુલમાં ટ્રેનિંગ લીધી હતી. ઓનલાઇન ટીચિંગના વિવિધ મોડ્યુલમાં ટીચિંગ મેથડ, કન્ટેન્ટ પ્રેઝન્ટેશન, હોમ લર્નિંગ જેવા મોડ્યુલ છે. એક શિક્ષકે અંદાજે 25 મોડ્યુઅલની ટ્રેનિંગ લેવાની હોય છે. ઓનલાઇન ટ્રેનિંગ બાદ એક નાની ટેસ્ટ પણ આપવાની હોય છે.
રાજ્યમાં પાઠ્યપુસ્તકના ક્યુઆર કોડ 1.08 કરોડ વખત સ્કેન થયા
દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા ક્યુઆર કોડને મોબાઇલથી સ્કેન કરવાથી સમગ્ર પ્રકરણનો વિડીયો ખૂલે છે. જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાંથી 1.08 કરોડ વાર ક્યુઆર કોડ સ્કેન કરાયા હતા. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો ક્રમ પાંચમા નંબર પર રહ્યો હતો.
બાળકોને કોરોનાથી કઈ રીતે બચવું તેનો પણ ઓનલાઈન ટ્રેનિંગમાં સમાવેશ
ઓનલાઇન એજ્યુકેશન માટેની ટ્રેનિંગમાં કોરોનાની ટ્રેનિંગનો પણ સમાવેશ કરાયો છે. જેથી શિક્ષકો બાળકોને શીખવી શકે કે કોરોનાથી કેવી રીતે બચી શકાય, હાથ કેવી રીતે ધોવા જોઇએ, સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કઇ રીતે કરી શકાય. ઉપરાંત સ્કૂલો શરૂ થાય અને કોરોના કે કોઈ અન્ય બીમારીને કારણે બાળકોની હેલ્થ ખરાબ થાય તે સંજોગોમાં કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેની ટ્રેનિંગ પણ શિક્ષકોને ઓનલાઈન લર્નિંગમાં આપવામાં આવી હતી.