- આ નિર્ણય માત્ર તે વિદ્યાર્થીઓને લાગુ થશે જેમના દરેક ક્લાસ ઓનલાઈન કરવામાં આવ્યા છે
- F-1 અને M-1 વીઝા કેટેગરી વાળા સ્ટૂડન્ટ આ નિર્ણયથી પ્રભાવિત થશ
અમેરિકામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ ટ્રમ્પ પ્રશાસનના એક નિર્ણયના કારણે મુશ્કેલીમાં મુકાવાના છે. અમેરિકન સરકારે કહ્યું છે કે, જે વિદ્યાર્થીઓના દરેક ક્લાસ ઓનલાઈન ચાલી રહ્યા છે તેમણે તેમના દેશ પરત ફરવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી કુલ 10 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે. તેમા 2 લાખથી વધારે ભારતીય છે. અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનથી આવે છે. ત્યારપછી બીજા ક્રમે ભારતીયો છે. ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટૂડન્ટ્સ માટે F-1 અને M-1 કેટેગરીના વિઝા આપવામાં આવે છે.
ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટનો નિર્ણય
યુએસ ઈમિગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસના કારણે ઉભી થયેલી સ્થિતિના કારણે તેમને આ પગલું લેવુ પડ્યું છે. ડિપાર્ટમેન્ટે તેમના નિવેદનમાં કહ્યું છે કે, એવા વિદ્યાર્થીઓ કે જેમના દરેક ક્લાસ ઓનલાઈન થઈ ગયા છે, તેઓ હાલ અમેરિકામાં નહીં રહી શકે. જો તેઓ એવું કરશે તો તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
નવા વિઝા પણ હમણાં નહીં અપાય
નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અમેરિકન વિદેશ વિભાગ તે વિદ્યાર્થીઓને હાલ વિઝા નહીં આપે જેમના ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન પરમિટ પણ આ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં નહીં આવે. F-1 સ્ટૂડન્ટ એકેડેમિક કોર્સ વર્ક જ્યારે M-1 વોકેશનલ ફોર્સ વર્ક વાળા ક્લાસ એટેન્ડ કરે છે.
યુનિવર્સિટીએ કોઈ પ્લાન જાહેર નથી કર્યો
મહામારીના કારણે અત્યારસુધી અમેરિકન કોલેજ અને યુનિવર્સિટીએ સેમિસ્ટર પ્લાન જાહેર નથી કર્યો. જોકે અભ્યાસ માટે તેઓ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. હાવર્ડ યુનિવર્સિટીએ તેમના દરેક ક્લાસ ઓનલાઈન કરી દીધા છે. યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું છે કે, 40 ટકા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કેમ્પસમાં આવવાની મંજૂરી અપાશે, પરંતુ તે માટે પણ ઓનલાઈન માહિતી આપવામાં આવશે.
કેટલા વિદેશી વિદ્યાર્થીઓ
2018-19માં અમેરિકામાં કુલ 10 લાખ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે. તે અમેરિકામાં હાયર સ્ટડિઝ કરનારમાં 5.5% છે. 2018માં અમેરિકાને વિદેશી વિદ્યાર્થીઓથી 44.7 કરોડ ડોલરની કમાણી થઈ હતી. સૌથી વધારે વિદ્યાર્થીઓ ચીનના છે. ત્યારપછી ભારત, સાઉથ કોરિયા, સાઉદી અરબ અને કેનેડાનો નંબર છે. 2018-19માં ભારતમાંથી બે લાખથી વધારે વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. ચીનથી 3,69,548 વિદ્યાર્થીઓ અમેરિકા આવ્યા.