જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામનો વિદ્યાર્થી ટ્યુશન વગર NEETમાં ગુજરાતમાં બે નંબર પર, દિલ્હી એઈમ્સમાં પ્રવેશ મેળવનાર ગુજરાતી મીડિયમનો પ્રથમ વિદ્યાર્થી બનશે

0
266

જામકંડોરણાના ખાટલી ગામના રાજ ગજેરાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું (રાજ ગજેરા પોતાના પરિવાર સાથે)

  • રાજે સ્કૂલના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ NEET પરીક્ષાની તૈયારી કરી હતી
  • રાજે લોકડાઉનમાં પણ તૈયારી ચાલુ રાખી રોજ 7થી 8 કલાક વાંચન કરતો હતો

બે દિવસ પહેલા જ NEETનું પરિણામ જાહેર થયું હતું. પરંતુ જામકંડોરણાના ખોબા જેવડા ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યુશન રાખ્યુ નહોતું. રાજ NEETના પરિણામમાં ગુજરાત આખામાં બે નંબરે અને દેશમાં 36માં નંબરે ઉતિર્ણ થયો છે. રાજે 720માંથી 705 માર્ક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાતી મીડિયમમાં રાજ પહેલો વિદ્યાર્થી હશે કે તે દિલ્હી એઈમ્સમાં પ્રવેશ મેળવશે.

રાજના પરિણામમાં નામ સામે રાજ્યમાં ભૂલથી ગુજરાતના બદલે દિલ્હી લખાઈ ગયું હતું
રાજે રાજકોટની તપોવન સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં 12 સાયન્સનો અભ્યાસ કર્યો છે. કોઈ પણ પ્રકારના કોચિંગ વગર માતૃભાષામાં ભણેલા રાજે અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પુરી પાડી છે. રાજના પરિણામમાં નામ સામે રાજ્યમાં ભૂલથી ગુજરાતના બદલે દિલ્હી લખાઈ ગયું હતું. ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી બહુ આગળ ન વધી શકે એવું માનનારા લોકો માટે રાજે દાખલો બેસાડ્યો છે. રાજ દેશની ટોચની મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા એઇમ્સ-દિલ્હીમાં એડમિશન મેળવવા માટે લાયક બની ગયો છે. ​રાજે અત્યાર સુધી સ્કૂલમાં રહીને જ અભ્યાસ કર્યો છે. NEETની તૈયારી માટે તેણે મોંઘાદાટ કોચિંગ રાખવાને બદલે શાળાના શિક્ષકોના માર્ગદર્શન મુજબ જ તૈયારી કરીને આવું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યુ છે.

રાજ ગજેરા રોજ 7થી 8 કલાક વાંચન કરતો

રાજ ગજેરા રોજ 7થી 8 કલાક વાંચન કરતો

ગુજરાતી મીડિયમમાં હાઈએસ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો
રાજ ગજેરાએ જણાવ્યું હતું કે, મેં ધો.11-12 સાયન્સ રાજકોટની તપોવન સ્કૂલમાં જ ગુજરાતી માધ્યમમાં કર્યુ છે. NEETની પરીક્ષામાં ગુજરાતમાં બીજો નંબર અને દેશમાં 36મો નંબર મેળવ્યો છે. ગુજરાતી મીડિયમમાં મારો હાઈએસ્ટ રેન્ક છે. દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મને એડમિશન મળવા પાત્ર છે. કોઈ પણ જાતના કોચિંગ ક્લાસમાં ગયા વિના NEET 2019-20ની પરીક્ષામાં 720માંથી 705 માર્ક મેળવ્યા છે.

રાજ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો

રાજ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો

લોકડાઉનમાં તૈયારી ચાલુ જ રાખી, રોજ 7થી 8 કલાકનું વાંચન
રાજે વધુમાં જણાવ્યું હતું કે, મારી આ સિદ્ધી પાછળ મારી સ્કૂલના શિક્ષકોનો સહયોગ રહ્યો છે. હું રોજ 7થી 8 કલાક વાંચન કરતો હતો. લોકડાઉનમાં પણ મેં તૈયારી ચાલુ જ રાખી હતી અને કોઈ ક્વેરી હોય તો હું વોટ્સઅપ અને ફોન કરી શિક્ષકોને પૂછી લેતો હતો. હું એઈમ્સ દિલ્હીમાં એડમિશન મેળવનારો ગુજરાતી માધ્યમનો કદાચ પહેલો વિદ્યાર્થી હોઈશ. હું અન્ય વિદ્યાર્થીઓને પણ કહી રહ્યો છું કે, ગુજરાતી માધ્યમમાં રહીને પણ NEETનું આટલું સારૂ પરિણામ મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here