આજી ડેમ પાસે પાણીની પાઇપ લાઇન ફાટી: વિતરણ ઠપ્પ

0
87

રાજકોટ મહાપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના ભાવનગર રોડ પર આજીડેમ નજીક પોલિટેકનિક કોલેજ પાસે પીવાના પાણીની મુખ્ય પાઈપ લાઈન આજે ધડાકાભેર ફાટતાં સામાકાંઠા વિસ્તારના બે વોર્ડમાં છ કલાક મોડું પણ વિતરણ થયું હોવાનું જાણવા મળે છે. દરમિયાન આજે બપોરથી રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જો રીપેરીંગ પૂર્ણ થવામાં સાંજ પડી જશે તો આવતીકાલે પણ વોર્ડ નં.6 અને 15ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજી ડેમ પાસે આવેલી એસી પાઇપલાઇન આજે પ્રેશરના કારણે ધડાકાભેર ફાટી હતી.


બનાવની જાણ થતાં શાસક પક્ષના નેતા દલસુખભાઇ જગાણી સ્થળ પર દોડી ગયા હતા અને તંત્ર વાહકોને જાણ કરી રીપેરીંગ માટે ટીમ બોલાવી હતી.વોટર વર્કસ બ્રાન્ચના ઇજનેરોની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને બપોરથી યુદ્ધના ધોરણે રીપેરીંગ શરૂ કર્યું હતું. જો આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રીપેરીંગ પૂર્ણ થઇ જશે તો આવતીકાલે રાબેતા મુજબ પાણી વિતરણ થઇ શકશે અન્યથા આવતીકાલે પણ વોર્ડ નં.6 અને 15 હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ વહેલા મોડું થાય અથવા તો ન થાય તેવી શક્યતા રહેશે.


આજી ડેમ પાસે પાણીની પાઈપલાઈન ધડાકાભેર ફાટતાં સંત કબીર રોડ, પેડક રોડ, કુવાડવા રોડ,ભાવનગર રોડ દૂધસાગર માર્ગ, માંડા ડુંગર વિસ્તાર અને થોરાળા સહિતના વિસ્તારોમાં આજે પાણી વિતરણ છ કલાક મોડું થયું હતું. જોકે આજે તો ટાંકામાં સ્ટોરેજ કરાયેલા પાણીમાંથી વિતરણ કરી દેવાયું હતું પરંતુ હવે લાઇન રીપેરીંગ માટે પાઇપ લાઇન બંધ કરવામાં આવતાં આવતીકાલે વિતરણ વહેલા મોડું થાય અથવા ન થાય તેવી સંભાવના છે. પાઇપ લાઇન રીપેરીંગ પૂર્ણ થયા બાદ નવેસરથી લાઈન ચાર્જ કરવામાં આવે અને ફરીથી પાણીના ટાંકા ભરવામાં આવે તેમાં અંદાજે 12 કલાક જેવો સમય લાગી જાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here