- મોટાભાગની બેઠકો પર કોંગ્રેસના વોટતોડે તેવા અપક્ષો-અન્ય પક્ષના ઉમેદવાર
વિધાનસભાની 8 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે 81 ઉમેદવારો ચૂંટણીજંગમાં રહ્યા છે. તે પૈકી 53 ઉમેદવારો અપક્ષ છે જ્યારે ભાજપ-કોંગ્રેસના દરેક બેઠક પરના એક-એક ઉમેદવાર તથા અન્ય પાર્ટીઓના મળીને રાજકીય પક્ષ સાથે જોડાયેલાં 28 ઉમેદવારો છે.
અબડાસા બેઠક પર અગાઉ નોંધાયેલાં 14માંથી 9 અપક્ષોએ ફોર્મ પાછા ખેંચ્યા અને હવે 10 ઉમેદવારો મેદાનમાં છે. 9 અપક્ષોએ ફોર્મ પાછું ખેંચવાને કારણે કોંગ્રેસની વોટબેંક તૂટતા થોડી અટકી, પરંતુ હજુ 3 દલિત, 3 મુસ્લિમ ઉમેદવારો છે જે કોંગ્રેસના ઉમેદવાર માટે ચિંતાનો વિષય બની શકે. લીંબડી બેઠક પર 14 ઉમેદવારો પૈકી ભાજપ, કોંગ્રેસ ઉપરાંત એક અન્ય રાજકીય પાર્ટી તથા 11 અપક્ષો છે. એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી તથા અપક્ષોમાં મોટાભાગના કોળી જ્ઞાતિના ઉમેદવારો છે, જે ઊભયપક્ષે ચિંતા કરાવે છે કારણ કે આ બેઠક પર કોળી મતદારોની બહુમતી છે.
મોરબી બેઠક હવે કુલ 12 ઉમેદવાર રહ્યાં અને તે પૈકી 9 અપક્ષ છે. આ અપક્ષોમાં છ મુસ્લિમ ઉમેદવારો છે જે કોંગ્રેસની વોટબેંક તોડશે. ધારી બેઠક પર 11 ઉમેદવારો રહ્યા છે, જેમાંથી છ અપક્ષ છે. અગાઉ નોંધાયેલા માત્ર એક અપક્ષે ફોર્મ પાછું ખેંચ્યું છે, અહીં કોંગ્રેસના જ મતો તૂટી રહ્યા છે. ગઢડા બેઠક પર 10 ઉમેદવારો રહ્યા છે. અગાઉ નોંધાયેલા ત્રણ અપક્ષોએ ફોર્મ પાછું ખેંચતા હવે 7 અપક્ષ ઉમેદવારો છે. આ બેઠક અનુસૂચિત જાતિ અનામત છે.
કરજણ બેઠક પર હવે 9માંથી 5 અપક્ષો છે. 9માંથી 3 મુસ્લિમ ઉમેદવાર ઉપરાંત બીટીપી અને અપક્ષ મળીને બે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે જે કોંગ્રેસના મતો તોડે તેવી શક્યતા છે. ડાંગ બેઠક પર નવ તથા કપરાડા બેઠક પર ચાર ઉમેદવારો છે.