ભારત સહિત વિશ્વભરમાં કોરોનાવાયરસ ની મહામારી હજુ પણ પડકારજનક બનેલી છે ત્યારે આઈએમએફ દ્વારા તેમજ યુનોની એક પેનલ દ્વારા એશિયાના અર્થ તંત્ર વિશે અભ્યાસ કરીને રિપોર્ટ જારી કરવામાં આવી છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે એશિયાનું અર્થતંત્ર ચાલુ વર્ષે અટકશે અને ઘણા બધા પડકારો સામે આવશે. એ જ રીતે યુનોની પેનલ દ્વારા પણ એવી આગાહી થઈ છે કે વૈશ્વિક વ્યાપાર માં પણ મોટો ઘટાડો રહેશે.
રિપોર્ટમાં એવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે એશિયામાં આર્થિક વૃદ્ધિ ધીમી પડી જશે અને 2.2 ટકા જેટલી ઘટી જશે તેવું અનુમાન છે. કોરોનાવાયરસ ની મહામારી હજુ પણ વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર ને અને ખાસ કરીને એશિયાના અર્થતંત્રને ગંભીર નુકસાન કરી રહી છે. એશિયાના ભારત સહિતના દેશોમાં વધુ પડકારોનો સામનો કરવાનો ખતરો છે અને નુકશાનીનું લેવલ વધી જશે.
જ્યાં સુધી કોરોનાવાયરસ વિરુદ્ધ ની રસી ઉપલબ્ધ બને ત્યાં સુધી બિઝનેસની પ્રગતિમાં તેજી આવવાની નથી અને ગ્રાહકો નો ડર દૂર થવાનો નથી. લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં બહાર નીકળશે નહીં તેવું દેખાય છે અને એટલા માટે ઉત્પાદનના ક્ષેત્રમાં પણ ઘટાડો થશે અને એકંદરે એશિયા ના વૃદ્ધિદરમાં ચાલુ વર્ષે ઘટાડો થશે તે લગભગ નિશ્ચિત છે.
તે જ રીતે યુનોની પેનલ દ્વારા પણ એવો અહેવાલ આપવામાં આવ્યો છે કે એશિયા તેમજ અન્ય દેશોમાં એફડીઆઈ નો પ્રવાહ અટકી જશે અને 40 ટકા જેટલો ઘટાડો થવાનું જોખમ રહેલું છે. આમ સરવાળે વૈશ્વિક વ્યાપાર માં મોટો ઘટાડો થવાનું જોખમ દેખાઈ રહ્યું છે.
યુનોની પેનલ દ્વારા એવી આગાહી પણ કરવામાં આવી છે કે બધા જ પડકારોની વચ્ચે અને ઘટી રહેલા વ્યાપાર અને વૃદ્ધિ દર ને પગલે રેમિટન્સ માં પણ 100 અબજ ડોલર જેટલો ઘટાડો થવાનો ખતરો તોળાઇ રહ્યો છે.