અમદાવાદમાં જન્મેલું આ બાળક ગર્ભમાં નહીં, આંતરડા પર વિકસિત થયું, લાખોમાં એક જોવા મળતા એબ્ડોમિનલ પ્રેગ્નન્સીના આ અનોખા કિસ્સાને મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ કરાશે

0
146

આ દુર્લભ કિસ્સામાં બાળકનો વિકાસ ગર્ભાશયમાં થવાને બદલે માતાના પેટના મોટા આંતરડાં ઉપર થયો હતો.

  • અમદાવાદમાં ગર્ભાશયને બદલે સાડાસાત મહિના સુધી મોટા આંતરડા પર વિકસેલા બાળકનો જન્મ

અમદાવાદના તબીબોએ અત્યંત દુર્લભ કહી શકાય એવા કિસ્સામાં માતાના પેટમાં રહેલા બાળકનો સુરક્ષિત જન્મ કરાવ્યો છે. સામાન્ય સંજોગોમાં સ્ત્રીબીજ અને શુક્રાણુ બંને અંડવાહિની (ફેલોપિયન) ટ્યૂબમાં ભેગાં મળી ગર્ભ બનાવે છે. એ ગર્ભ 2થી 5 દિવસે ગર્ભાશય સુધી પહોંચે છે અને ત્યાર બાદ ગર્ભાશયમાં 9 મહિના સુધી તબક્કાવાર બાળકનો વિકાસ થાય છે, જ્યારે આ દુર્લભ કિસ્સામાં બાળકનો વિકાસ ગર્ભાશયમાં થવાને બદલે માતાના પેટના મોટા આંતરડા ઉપર થયો હતો. આવો અનોખો કિસ્સો લાખોમાં એક જોવા મળતો હોય છે. આ કેસ સ્ટડી મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ કરાશે.

ઓપરેશન થિયેટરમાં પેટના ભાગે ચીરો મૂક્યો ત્યારે ખ્યાલ આવ્યો
ખેડા જિલ્લામાં રહેતા 30 વર્ષીય શ્વેતાબેનના ઘરે દુર્લભ બાળકનો જન્મ થયો છે. સાડાસાત મહિના સુધી આ બાળકનો વિકાસ મોટા આંતરડામાંથી પોષણ મેળવીને થયો છે. 15 ઓક્ટોબરે અમદાવાદના સિનિયર ગાયનેક તબીબ ડૉ. તેજસ દવે અને ડૉ. જિજ્ઞા દવેએ સિઝેરિયન માટે શ્વેતાબેનને ઓપરેશન થિયેટરમાં લઈ પેટના ભાગે ચીરો મૂક્યો ત્યારે ખ્યાલ આવ્યો કે સંપૂર્ણ પ્લાસેન્ટા (મેલી-ઓળ) પેટમાં, ગર્ભાશયની બહાર આવેલી હતી અને બાળક પણ ગર્ભાશયની બહાર વિકસિત થયેલું હતું. મેડિકલ સાયન્સ મુજબ આવી સ્થિતિ બાળક અને માતા બંને માટે જોખમરૂપ હોય છે ત્યારે આ બંને ડૉક્ટરોએ અનુભવના આધારે હાઈ રિસ્ક ડિલિવરી કરાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં, માતાના ગર્ભાશયને પણ સુરક્ષિત રાખ્યું હતું.

ડિલિવરીમાં ત્રણ કલાકનો સમય લાગ્યો
આ અંગે ડૉ. તેજસ દવેએ કહ્યું હતું કે સામાન્ય સંજોગોમાં પ્લાસેન્ટા અને બાળક ગર્ભાશયની અંદર હોય છે, જ્યારે આ કિસ્સામાં પ્લાસેન્ટા અને બાળક બંને ગર્ભાશયની બહાર મોટા આંતરડા સાથે જોડાયેલાં હતાં. આવી સ્થિતિમાં બાળકનો જન્મ થવો રેર છે. ડૉ. જિજ્ઞા દવેએ કહ્યું હતું કે સિઝેરિયન કરી ડિલિવરી કરાવતાં લગભગ 20 મિનિટનો સમય લાગતો હોય છે, પરંતુ આ ડિલિવરીમાં ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. એનેસ્થેટિસ ડૉ. સંજય પાંડેના સહયોગથી માતા અને બાળક બંનેને બચાવવા મદદ મળી હતી.
એબ્ડોમિનલ પ્રેગ્નન્સીનો માતા મૃત્યુદર 40 ટકા છે તેમજ નવજાતનો મૃત્યુદર 70 ટકા છે. ખૂબ રેર કિસ્સામાં ડિલિવરી બાદ બાળક સ્વસ્થ અને જીવિત રહે છે.

સિવિલ હોસ્પિટલ ગાયનેક વિભાગના વડા ડૉ. એ.યુ.મહેતાએ કહ્યું હતું કે સિવિલમાં વર્ષે સાતથી આઠ હજાર નોર્મલ અથવા સિઝેરિયન ડિલિવરી થાય છે. મારાં ત્રીસ વર્ષના અનુભવમાં અત્યારસુધીમાં એબ્ડોમિનલ પ્રેગ્નન્સીના 2થી 3 કેસ જોયા છે. આ ખૂબ જ રેર જોવા મળતી ડિલિવરી છે.

ગર્ભાશયની દીવાલ તોડી ગર્ભ મોટા આંતરડા સાથે ચોંટ્યો
સ્ત્રીઓમાં બે ફેલોપિયન ટ્યૂબ હોય છે અને બેમાંથી કોઈપણ એક જ ટ્યૂબમાં સ્ત્રીબીજ બેઠું હોય છે. શુક્રાણુ તે બીજ સાથે ટ્યૂબમાં પ્રવેશે છે અને અંડબીજને ફલિત કરવાની રેસમાં આગળ વધે છે. આ કિસ્સામાં ફલિત થયેલો ગર્ભ ગર્ભાશયની દીવાલ તોડીને મોટા આંતરડા પર આવીને ચોંટી ગયો હતો. ફિટલ મેડિસિન એક્સપર્ટ પાસે તપાસ કરાવતાં સેન્ટ્રલ પ્લાસેન્ટા પ્રિવિયા હોવાનું નિદાન થયું હતું અને તેની સાથે ગર્ભાશયમાં સાત સે.મી.ની લોહીની ગાંઠ હતી. આ દર્દીને 7.5 મહિને પેટમાં દુખાવો ઊપડતાં ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

આવા કેસમાં આ કારણોની સંભાવના હોઈ શકે છે

  • આઈ પિલ અથવા ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્શન પિલ (ગર્ભનિરોધક ગોળી) લેવાના કારણે.
  • ફેલોપિયન ટ્યૂબમાં ટીબીનો ચેપ અથવા પેટના નીચેના ભાગમાં ઈન્ફેક્શન થયું હોય તો.
  • ફેલોપિયન ટ્યૂબમાં પહેલાં ક્યારેક સર્જરી થઈ હોય તો.
  • અગાઉ પણ આવી એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ હોય તો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here