એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબી બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ, ભાજપે આયાતી ઉમેદવાર ઉભા રાખ્યા, લોકો વિકાસ ઝંખે છે

0
106

મોરબી શહેરના લોકો વિકાસ ઝંખે છે

  • વર્ષ 2012ની ચૂંણીમાં ભાજપના કાંતિ અમૃતિયાએ કોંગ્રેસના બ્રિજેશ મેરજાને હાર અપાવી હતી
  • રોડ, રસ્તા , શુદ્ધ પાણી, સાફ સફાઇ, શિક્ષણ, બાગ બગીચા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ

આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. 8 પૈકી 1 બેઠક સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી-માળીયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ સમાન મોરબી-માળીયા વિધાનસભા બેઠક પર ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસમાંથી જયંતી પટેલ વચ્ચે સીધો જંગ જામશે. 2017માં વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા બની બ્રિજેશ મેરજા મોરબી-માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે અઢી વર્ષ બાદ થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણી સમયે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આથી મોરબી બેઠક પર ફરી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

મોરબી-માળિયા બેઠક પર 2,70,906 મતદારો નોંધાયા
ભાજપે અગાઉની જેમ ફરી આયાતી ઉમેદવારને મોરબીમાં ઉભા રાખ્યા છે, આથી જૂની રણનીતિ ફરી કામે લગાડી છે. કોંગ્રેસમાંથી કમિટમેન્ટ કરી બ્રિજેશ મેરજા ભાજપમાં જ આવ્યા છે અને તરત ટિકિટ આપી છે. આગામી દિવસોમાં જીતશે તો મંત્રી પદ પણ આપવામાં આવે તેવી પણ એક શરત રાખી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. 65 મોરબી- માળિયા વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને આ બેઠક ભાજપના ગઢ સમાન માનવામાં આવે છે. આ બેઠકમાં કુલ મળીને 2,70,906 મતદારો નોંધાયા છે. જેમાં 1,41,583 પુરુષ અને 1,29,322 સ્ત્રી તેમજ 2 અન્ય મતદારો નોંધાયા છે.

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ (ફાઈલ તસવીર)

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ (ફાઈલ તસવીર)

ક્યાં સમાજમાથી કેટલા મતદારો
1.70000 પટેલ
2.40000 લઘુમતી
3.20000 સતવારા
4.25000 દલિત-કોળી
5.7000 જૈન
6.8000 લોહાણા
7.9000 બ્રાહ્મણ
8.10000 આહીર
9.11000 લુહાર, સુથાર અને દરજી
10.8000 ભરવાડ રબારી
11.8000 ક્ષત્રિય
12.8000 વ્યાસ, મોચી અને સિંધી
13.5000 સોની અને પ્રજાપતિ

2012ની ચૂંટણીમાં બ્રિજેશ મેરજાની હાર થઈ હતી
આ ઉપરાંત મહેશ્વરી, વાંજા, નાગર, મહારાષ્ટ્રીયન, પરપ્રાંતીય લોકો કે જે મોરબીમાં સ્થાયી થયેલા છે તે મતદારોનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાને હાર અપાવી હતી. જ્યારે વર્ષ 2012ની ચૂંણીમાં ભાજપના કાંતિ અમૃતિયાએ કોંગ્રેસના બ્રિજેશ મેરજાને હાર અપાવી હતી.

બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પેટાચૂંટણી યોજશે

બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પેટાચૂંટણી યોજશે

કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલની રાજકીય સફર
મોરબી-માળીયા બેઠક પર જયંતભાઈ જેરાજભાઇ પટેલ એટલે કે જેન્તીભાઇ જેરાજભાઈ પટેલને કોંગ્રેસ પક્ષે મેદાને ઉતાર્યા છે. જેન્તીભાઇ પટેલનો જન્મ 16-08-1956ના રોજ મોરબી જિલ્લાના બરવાળા ગામે થયો હતો જે પોતે હાલમાં મોરબીના એક નામી ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવી રહ્યા છે અને હાલમાં તેઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. જેન્તીભાઇ ચુસ્ત કોંગ્રેસી તરીકે છાપ ધરાવે છે અને તેઓ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. અત્યાર સુધી જેન્તીભાઇ પટેલ 5 વખત મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી છે. જેમાં એક વખત અપક્ષ અને ચાર વખત કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી ચુક્યા છે. જો કે તમામ વખતે તેઓને હાર મળી છે. વર્ષ 1990, 1995, 2002 અને 2007માં કોંગ્રેસ પક્ષમાંથી તેમજ વર્ષ 1997માં થયેલ ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારી કરી હાર મેળવી હતી.

મોરબીમાં સ્થાનિક લોકો વિકાસ ઝંખે છે
રોડ, રસ્તા , શુદ્ધ પાણી, સાફ સફાઇ, શિક્ષણ, બાગ બગીચા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકો નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. ચૂંટણી સમયે મત માગવા આવે છે બાદમાં કોઈ નેતા પ્રજાની સ્થિતિ જાણવા આવી શકતા નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મોરબીને પેરિસની ઓળખ આપવામાં આવે છે પણ મોરબી શહેરના રસ્તા ગામડાથી પણ ખરાબ સ્થિતિમાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ભૂગર્ભ ગટરની સુવિધાના અભાવથી દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરમાં અને રસ્તા પર પાણી ભરાય જવાની સમસ્યા અને રોડ રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોની વેદના અને પીડા ઘણી છે જે પીડા અને આક્રોશ આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં.

મોરબીને પેરિસની ઓળખ પાછી લાવીશઃ બ્રિજેશ મેરજા
બ્રિજેશ મેરજાનું કહેવું છે કે ,વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં તેઓએ રાજ્ય સરકારની ગ્રાન્ટ મારફત કરોડો રૂપિયાના રોડ રસ્તા બનાવ્યા છે. મેડિકલ કોલેજ માટે સરકાર પાસેથી જમીનની ફાળવણી કરાવી છે. પરંતુ બીજી બાજુ કોંગી ઉમેદવાર અને સ્થાનિકો કહી રહ્યા છે. મોરબીમાં સારા રોડ-રસ્તા એક પણ વિસ્તારમાં જોવા મળતા નથી. ભાજપમાંથી ચૂંટાય અને મોરબીનો હજુ મજબૂત વિકાસની ખાતરી મતદારોને બ્રિજેશ મેરજાએ આપી છે તો બીજી બાજુ કોંગી ઉમેદવાર જેન્તીભાઇ પટેલ પોતાનો ધારાસભ્ય તરીકેનો તમામ પગાર જનતાના કામોમાં વાપરવા અને મોરબીને પેરિસની ઓળખ પાછી લઇ આવી આપવા ખાતરી આપી છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત
મોરબીનો સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ સમગ્ર દેશ અને દુનિયામાં પ્રચલિત છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે 154 દેશમાં પોતાનો માલ સપ્લાય કરે છે. આ સિરામિક ઉદ્યોગની પણ કેટલીક આશા-અપેક્ષા સરકાર પાસે અને આવનાર ધારાસભ્ય પાસે રહી છે. સિરામિક ઉદ્યોગ વિસ્તારમાં સારા રસ્તા, શુદ્ધ પાણી, ફિલ્ટર પ્લાન્ટ અને ગેસના ભાવમાં થોડો ઘટાડો કરી આપવા માંગ કરવામા આવી છે. જેથી તેઓ મોરબીના આ ઉદ્યોગને વર્લ્ડના બીજા નંબરના ઉદ્યોગમાંથી પ્રથમ નંબરનો ઉદ્યોગ બનાવી શકે અને ગુજરાત અને ભારતનું નામ રોશન કરી શકે. હાલમાં કુલ 900 જેટલા નાના-મોટા સિરામિક ઉદ્યોગ કાર્યરત છે અને દિવાળી સુધી નવા 80થી 100 ઉદ્યોગ શરૂ થવાની શક્યતા જોવામાં આવી રહી છે..

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ પણ વિશ્વભરમાં પ્રખ્યાત

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ પણ વિશ્વભરમાં પ્રખ્યાત

મોરબીમાં ઘડિયાળનો ઉદ્યોગ પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે
બીજી બાજુ ઘડિયાળ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓની પણ આશા અને અપેક્ષા સરકાર અને આવનાર ધારાસભ્ય પાસે રહી છે. જેમાં નજર કરીએ તો ઘડિયાળ ઉદ્યોગનો લાતી પ્લોટ વિસ્તાર કે જેમાં લાખો લોકોને રોજીરોટી આપવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ આ વિસ્તારના ઉદ્યોગકારો ચૂકવતા હોવાનું સામે આવ્યું છે. ત્યાં પણ રોડ રસ્તા, પીવાનું પાણી, શુદ્ધ પાણી, વીજ પુરવઠો રેગ્યુલર અને GSTના સ્લેબમાં 18ના બદલે 12 ટકા માટે માંગ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here