અમૂલ ડેરીની ચૂંટણીમાં સરકારના 3 પ્રતિનિધિઓ બંધ કવરમાં મતદાન કરશે, કવરને કોર્ટમાં ખોલવામાં આવશે

0
120
  • હાલમાં અમૂલના ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર છે
  • રાજ્ય સરકાર દ્વારા અમૂલની સત્તા હસ્તગત કરવા માટે ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂક કરવાનો પ્રસ્તાવ કરાયો

અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત માટેની ચૂંટણી આવતી કાલે શુક્રવારે અમૂલના સભાખંડમાં યોજવાનું વિધિવત જાહેરનામું બહાર પડાયું છે, ત્યારે એક તરફ રાજ્ય સરકાર દ્વારા પોતાના 3 પ્રતિનિધિઓને નિમણૂંક નિયામક મંડળમાં મુકવાનો પ્રસ્તાવ રજુ કરી દેવામાં આવ્યો છે. આ બાબતની સુનાવણી દરમિયાન બુધવારે હાઈકોર્ટે નોટ બી ફોર મી કહ્યું હતું, જ્યારે આજની વધુ એક સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર દ્વારા નિમણૂંક કરાયેલ 3 પ્રતિનિધિઓ બંધ કવરમાં મતદાન કરશે તેવો હૂકમ કર્યો છે.

મતદાન કરેલા કવર કોર્ટમાં લઈ જઈ ખોલાશે
હાઈકોર્ટે અમૂલની ચૂંટણીમાં રાજ્ય સરકાર તરફથી નિમણૂંક નિયામક મંડળમાં 3 પ્રતિનિધિઓને મુકવાના પ્રસ્તાવ પર હાઈકોર્ટે હૂકમ કર્યો છે કે સરકારી પ્રતિનિધિઓ બંધ કવરમાં મતદાન કરશે અને મતદાન કરેલા કવર કોર્ટમાં લઈ જઈને ખોલાશે.

શુક્રવારે થશે મતદાન
આવતી કાલે 23 ઓકટોબરે અમૂલના ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે સભાસદો સહિત સરકારી પ્રતિનિધિઓ મતદાન કરશે. ત્યાર આ ચૂંટણીના મતદાન બાદ અમૂલમાં સત્તા પરિવર્તનના એંધાણ હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં અમૂલના ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર છે.

શું છે સમગ્ર મામલો
ગત 14 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા અમૂલના નિયામક મંડળની ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ નંબર 80 હેઠળ ત્રણ પ્રતિનિધિઓ ભરતભાઈ પટેલ, પ્રભાતભાઈ ઝાલા,દિનેશભાઈ પટેલનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને લઇને ગુજરાત રજિસ્ટ્રારે ચૂંટાયેલા 15 ડિરેકટરોને કારણદર્શક નોટિસ જારી કરીને આ પ્રતિનિધિઓની નિમણૂક પહેલા રજૂઆત કરી હોય તો તે તમામ આધાર પુરાવા સાથે તા.20મી ઓક્ટોબરના રોજ ના રોજ સવારના 11:00 ગાંધીનગર સ્ટેટ રજીસ્ટ્રારની કચેરી ખાતે સુનાવણી રાખી હતી.તે દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેમાં આગામી 23મી ઓકટોબરના રોજ સવારે 11:00 અમૂલના સભાખંડમાં ચૂંટણી યોજાશે.

બિનહરીફ વરણી થવાની શક્યતા ધૂંધળી
આ ચૂંટણીમાં સૂત્રોના જણાવ્યા અનુસાર જો સરકારના ત્રણ પ્રતિનિધિઓનો અમુલ નિયામક મંડળમાં સમાવેશ થાય અને તેઓને મત આપવાનો અધિકાર આપવામાં આવે તો અમૂલમાં કુલ 18 ડિરેક્ટરો થઈ જાય એ સંજોગોમાં બિનહરીફ વરણી થવાની શક્યતા ધૂંધળી બને છે.

કોંગ્રેસ સમર્થિત 7 ડિરેક્ટર છે
અમુલ ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર લગભગ નક્કી જ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અમૂલની સત્તા હસ્તગત કરવા માટે ત્રણ સરકારી પ્રતિનિધિની નિમણૂક કરવાનો પ્રસ્તાવ કરી દેવાયો છે. આ સાથે સાથે ફેડરેશનમાંથી એમડીને બદલે ચેરમેનના નામનો ઠરાવ મત આપવા માટે કર્યો છે. આ ચૂંટાયેલા ત્રણ ભાજપના સભ્યો ત્રણ સરકારી પ્રતિનિધિઓ અને બે કાયદાની જોગવાઈ અનુસાર નીમવામાં આવેલ પ્રતિનિધિઓએ મળીને કુલ સંખ્યા 8 પહોંચી જવા પામી છે. જ્યારે કોંગ્રેસ સમર્પિત 7 ડિરેક્ટર છે. રામસિહ પરમાર આમ તો ભાજપના નેતા ગણાય છે અને તેમની પાસે પોતાના વફાદાર એવા બે ડિરેક્ટરો છે. જો રામસિંહ પરમાર કોંગ્રેસ બાજુ ઢળે તો કોંગ્રેસ સમર્પિત ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાય અને જો ભાજપ તરફ ઢળે તો ભાજપ સમર્પિત ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાઇ તેવી પરિસ્થિતિનું નિર્માણ અમૂલમાં થવા પામ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here