એચ.જે.દોશી, સ્ટર્લિંગ સહિત પાંચ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 250 બેડ ઘટાડાશે

0
113

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં અને મૃત્યુઆંકમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો હોવાથી ખાનગીક્ષેત્રની સુવિધા ઘટાડવાની દિશામાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે એચ.જે. દોશી અને સ્ટર્લીંગ હોસ્પિટલ સહિત ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત પાંચ હોસ્પિટલોના 250 બેડ ઘટાડવાનું નક્કી કરાયું છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે હાલ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે પરંતુ ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે 24 કલાકમાં ફરી તમામ બેડ ઉપલબ્ધ કરાવવાની શરતે આ મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી આપતા પહેલા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિગ પણ કરી દેવામાં આવ્યું છે.


ખાનગી હોસ્પિટલોએ ખાનગી હોટલ સાથે ટાઈઅપ કરીને કોવિડ કેર સેન્ટર શરૂ કયર્િ છે તેવી હોટેલોને પણ મુક્તિ આપવાનું નક્કી કરાયું છે. પરંતુ આ માટે જે તે હોસ્પિટલના સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવાની રહેશે.


એક સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની 10 હોસ્પિટલે કોરોનાની કામગીરીમાંથી મુક્તિ માટે અરજી કરી છે.
હાલ તુરત પાંચ હોસ્પિટલોને આ માટે મંજૂરી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિની સમીક્ષા કયર્િ પછી બાકીની અરજીઓ બાબતે નિર્ણય લેવામાં આવશે.
કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે નવું પ્રિમાઈસીસ હોય અને કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હોય તેમને મુક્તિ આપવામાં નહીં આવે. આવી જ રીતે સરકારી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થા પણ યથાવત ચાલુ રહેશે.

  • 10 ખાનગી હોસ્પિટલે મુક્તિમાટે અરજી કરી છે

કોરોના દર્દીઓની સંખ્યા ઘટી ગઈ છે અને કોરોનાની સારવાર માટે થોડા ઘણા દર્દી હોવાના કારણે બીજા રોગના દર્દીઓ હોસ્પિટલમાં આવતા ન હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ખરાબ બની ગઈ છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે દસ જેટલી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ પોતાને કોરોના દર્દીઓની સારવારમાંથી મુક્તિ આપવાની માગણી કરતી દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં કોર કમિટીની બેઠક મળશે અને તેમાં આ અંગે નિર્ણય લેવાશે.

  • ઈમરજન્સી માટે 200 બેડની કાયમી વ્યવસ્થા સાથેની હોસ્પિટલ તૈયાર કરાશે

રાજકોટ શહેર અને જિલ્લામાં પ્રથમ વખત કોરોના એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.કોરોનાની અથવા તો ભવિષ્યમાં તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો તેને તાત્કાલિક પહોંચી વળવા માટે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં અથવા તો કેન્સર હોસ્પિટલ કે અન્ય કોઇ સ્થળે 200 બેડની વ્યવસ્થા ઇમરજન્સી સારવાર માટેની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે એવી જાહેરાત જિલ્લા કલેક્ટરે કરી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કે તેવા પ્રકારના કોઈ રોગ કે વાયરસ એકાએક આક્રમણ કરે તો થોડી ઘણી પ્રાથમિક તૈયારી હોય તે માટે 200 બેડની અલગ વ્યવસ્થા સાથેની હોસ્પિટલ કોરોના કાબૂમાં આવ્યા બાદ પણ ચાલુ રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here