પીએચડી પરીક્ષાના પરિણામમાં કોઈ ફેરફાર નહીં થાય: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાહેરાત

0
84

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા શનિવારે લેવામાં આવેલી પીએચડી એન્ટ્રન્સ પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે અને તેથી ફેર પરીક્ષા લેવાવી જોઇએ તેવી માગણી વિદ્યાર્થીઓએ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે ગ્રિવનસીસ સેલ દ્વારા સાંભળવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સાંભળવાની પ્રક્રિયા પૂરી થયા બાદ તેમની ફરિયાદમાં કેટલું તથ્ય છે તેની ચકાસણી કરવામાં આવી હતી અને બાદમાં ગઇકાલે મોડી સાંજે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પરીક્ષામાં કોઈ પ્રકારના ગરબડ ગોટાળા નથી. પરિણામ યથાવત રહેશે અને તેમાં કોઇ ફેરફાર નહીં થાય.


સેલના વડા ડો. ગીરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમ બહારનું કશું પૂછ્યું નથી, ભાષાતર બરાબર ન હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એક્સપર્ટનો અભિપ્રાય લેવામાં આવતા તેમણે આ બાબતમાં કોઈ ભૂલ ન હોવાનું જણાવ્યું છે.અભ્યાસક્રમ બહારનું કશું પૂછ્યું નથી અને તેથી ફેર પરીક્ષા લેવાની કે અન્ય કોઇ પ્રકારની માગણી સ્વીકારી શકાય તેમ નથી.ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વધુ માર્ક અપાયા છે અને ઓફલાઇનમાં ઓછા અપાયા છે તેવી ફરિયાદના જવાબમાં ભીમાણીએ કહ્યું હતું કે જ્યારે પરીક્ષાના ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ માટે બંને વિકલ્પો ખુલ્લા હતા. તેમણે નક્કી કરવાનું હતું અને તેમાં યુનિવર્સિટીની કોઈ ભૂમિકા રહેતી નથી.


ઓનલાઇન પરીક્ષા આપનાર એક વિદ્યાર્થીને ૫૭ માર્કસ સ્ક્રીન પર જોવા મળ્યા હતા અને બાદમાં વેબસાઈટ પર પરિણામ મુકાતા તે ૨૮ માર્ક થઈ ગયા હતા. આ ફરિયાદ બાબતે સની ગોહેલ નામના વિદ્યાર્થીને તેમના કોમ્પ્યુટરના સ્ક્રીન શોટ બતાવવામાં આવ્યા હતા અને તેમાં ક્યાંય ૫૭ માર્કવાળી વાત જોવા મળી નથી.દરેક પરીક્ષાર્થીને સમાન પ્રશ્ન પૂછવા જોઈએ તેવી વિદ્યાર્થીઓની માગણીનો પણ સ્વીકાર થઈ શકે તેમ નથી. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે હજારો પ્રશ્નોની ક્વેશ્ચન બેંક છે અને તેમાંથી ક્રમાનુસાર પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીને કેવા પ્રશ્નો પૂછવા તે યુનિવર્સિટીએ નક્કી કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here