જામનગર યાર્ડમાં 3 કલાકમાં મગફળીની 20100 ગુણીની આવક થઈ

0
82

ટેકાના ભાવ રૂા.1055 સામે હરાજીમાં 20 કિલો મગફળીના રૂ.800 થી 1315 ઉપજ્યા

જામનગરમાં મગફળીના ટેકાના ભાવ કોરાણે મૂકી ખેડૂતો હરાજીમાં મગફળી વેંચવા ઉમટી પડતા યાર્ડમાં ગુરૂવારે ફકત 3 કલાકમાં નવી મગફળીની 20100 ગુણીની આવક થઇ હતી. ટેકાના ભાવ રૂ.1055 સામે હરાજીમાં 20 કીલો મગફળીના રૂ.800 થી 1315 ઉપજયા હતાં. યાર્ડની બહાર વાહનોની કતારો લાગી હતી તો મગફળીની ધૂમ આવકથી યાર્ડમાં જગ્યા ખૂટી પડી હતી. હરાજીમાં 10700 મગફળીની ગુણી વેંચાઇ હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થઇ રહી છે. આ સ્થિતિમાં વરસાદની આગાહીના પગલે યાર્ડમાં જણસોની આવક બંધ કરવામાં આવી હતી. મગફળીની મબલખ આવકના પગલે ગુરૂવારથી ફકત સવારે 6 થી 9 વાગ્યા સુધી મગફળીની આવક ચાલુ રાખવાનો નિર્ણય યાર્ડના સતાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જેના પગલે ગુરૂવારે સવારથી જામનગર યાર્ડમાં મગફળી વેંચવા ખેડૂતો ઉમટી પડતા યાર્ડની બહાર વાહનોની કતારો લાગી હતી.

યાર્ડમાં ફકત ત્રણ કલાકમાં 20100 ગુણી મગફળીની આવક થતાં યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી. રાજય સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવ રૂ.1055 નકકી કરવામાં આવ્યા છે ત્યારે ગુરૂવારે યાર્ડમાં હરાજીમાં 20 કીલો મગફળીના રૂ.800 થી 1315 ઉપજયા હતાં. હરાજીમાં 10700 ગુણીનું વેંચાણ થયું હતું.

એક દી’માં જુદી-જુદી જણસોની 58,736 મણની આવક

જામનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે એક દિવસમાં જુદી જુદી જણસોની 58736 મણની આવક થઇ હતી. જેમાં ધઉંની 4236, અડદની 4746, ચણાની 1860, એરંડાની 2828, તલની 2279, લસણની 2934, કપાસની 1800, જીરૂની 2136 મણની આવકનો સમાવેશ થાય છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here