મહાપાલિકા ઈ-ઓકશનથી જમીનના પ્લોટની દિવાળી પછી હરાજી કરશે

0
105
  • બોલી બોલવાની પ્રક્રિયા પણ ઓનલાઈન થશે: દેશ-દુનિયામાંથી લોકો હરાજીમાં ભાગ લઈ શકશે


લોકડાઉન, કોરોના, મંદી સહિતના કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકારની માફક રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં પણ મોટા ગાબડાં પડયા છે. કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ રાજકોટ મહાનગરપાલિકા પણ જમીનનું વેચાણ કરીને આવક મેળવવાની દિશામાં પ્રયત્નશીલ બની ગયું છે.


આ બાબતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો બાદ કોમર્શિયલ પ્લોટનું વેચાણ કરીને આવક ઉભી કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ ટીમ જ્યારે ફાઈનલ થતી હોય છે ત્યારે કોમર્શિયલ હેતુના પ્લોટ વેચાણ માટે અલગથી રાખવામાં આવતા હોય છે અને તે મુજબ અલગ રાખવામાં આવેલા જમીનના વાણિજ્યના હેતુ માટેના પ્લોટની દિવાળીના તહેવારો બાદ હરાજી કરવામાં આવશે.


કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે મહાનગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર ઈ-ઓકશન રાખવામાં આવશે. જમીનના જે પ્લોટનું વેચાણ કરવામાં આવનાર છે તેની સંપૂર્ણ વિગતો મહાનગરપાલિકાની વેબસાઈટ પર મુકવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા માગતા લોકો ઓનલાઈન રજિસ્ટર્ડ થઈ શકશે અને જ્યારે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે બોલી પણ ઓનલાઈન બોલવાની રહેશે. પેમેન્ટની પ્રક્રિયા પણ ઓનલાઈન રાખવામાં આવી છે.


અત્યાર સુધી મહાનગરપાલિકા જે જમીનનું વેચાણ કરવાનું હોય ત્યાં મંડપ નાખીને હરાજી કરતી હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શકય નથી અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ઈ-ઓકશન માટેની તૈયારીઓ મહાનગરપાલિકાએ શ કરી દીધી છે. કયા ઝોનના કેટલા કોમર્શિયલ પ્લોટનું વેચાણ થવાનું છે અને કેટલી આવકની અપેક્ષા છે તે બાબતે હજુ કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વેસ્ટ ઝોનમાં સૌથી વધુ પ્લોટ હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમાં પણ ઘણા કોમર્શિયલ પ્લોટ ખાલી થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here