તંત્રે આંકડા ઘટાડવા ખેલ નાખ્યો, બધા મોતમાં ડેથ ઓડિટ કમિટી રિપોર્ટ ન આપે ત્યાં સુધી કુલ મૃતાંક જાહેર ન કરવા આદેશ

0
288

રાજકોટ શહેરમાં કુલ 16 મોત થયા તેમાંથી 3 મોત બુધવારે થયા પણ મનપાએ 1 જ જાહેર કર્યું જ્યારે બાકીના બે મૃત હોવા છતાં મનપાની વેબસાઈટ અને પ્રેસ રિલીઝમાં એક્ટિવ કેસ એટલે કે જીવિત બતાવીને મૃતકોના પરિવારજનો સાથે ક્રૂર મજાક કરી છે.

  • ગાંધીનગરની યાદીમાં રાજકોટમાં 3 મોત પણ મ્યુનિસિપલ કમિશનર કહે છે બુધવારે 1 જ મોત થયું
  • મનપા અને જિલ્લાએ પ્રેસ રિલીઝમાંથી મોતના આંકડા હટાવી નાખ્યા, બંને અધિકારીઓએ કહ્યું ઉપરથી સૂચના છે

રાજકોટ. રાજ્ય સરકાર હવે કોરોનાનાં મોતના આંકડા રાતોરાત ઘટાડવા માગતી હોય તે માટે નવો દાવ ખેલ્યો છે. અત્યાર સુધીના જે મોત થયા છે તેમાં ફરીથી ડેથ ઓડિટ કમિટી પાસે રિપોર્ટ કરાવીને નવા આંકડા જાહેર કરાશે. રાજકોટ આરોગ્ય વિભાગ અને મનપાની આરોગ્ય શાખા દરરોજ કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જની વિગતો જાહેર કરે છે. રાજકોટ મનપાએ બુધવારે માત્ર 1 જ મોત જાહેર કર્યું તેમજ કુલ મોતની વિગત જ કાઢી નાખી. કુલ મોતના આંક એકાએક ન જાહેર કરવા મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરીએ જણાવ્યું છે કે, ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ આવે અને તેમાં કોવિડથી જ મોત છે એવા કેટલા કેસ છે તે આપે ત્યારે મૂકવામાં આવશે જેમા બે દિવસ વીતી જશે.

રાજ્યના યાદીમાં 3 મોત છતાં મ્યુનિ. કમિશનરનું એક જ મોતનું રટણ
બીજી તરફ મનપાના આરોગ્ય અધિકારી ડો. રિંકલ વિરડિયા કહે છે કે, હવે ડેથ ઓડિટ કમિટી કન્ફર્મ કરશે તે જ કેસ ચોપડે ચડશે બીજા નહીં ચઢે. બીજી તરફ ગાંધીનગરથી જે આખા રાજ્યની યાદી આવી તેમાં રાજકોટ મહાનગરપાલિકામાં 3 મોત બતાવ્યા છે આમ છતાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક જ મોત છે તેમ કહી રહ્યા છે. તેથી આરોગ્ય વિભાગ અને મ્યુ. કમિશનરના આંકમાં વિરોધાભાસ ઊભો થયો છે. આ આખી કવાયતથી એ સ્પષ્ટ થયું છે કે કોવિડ પોઝિટિવ હોય અને મોત થાય તે કોવિડથી ગણવા કે નહીં તેમજ જાહેર કરવા કે નહીં તે હવેથી જે તે તંત્રની મનસૂફી પર જ આધાર રાખશે સાચા આંક હંમેશા છુપાયેલા રહેશે. 

આ રીતે સમજો મોત છુપાવવાનો ખેલ
એક તરફ તા. 7ની અખબાર યાદી જ્યારે બીજી તરફ તા.8ની અખબાર યાદી છે. 7મી તારીખની યાદીમાં શહેરમાં કુલ 13 મોત અને જિલ્લાના 6 તેમજ અન્ય જિલ્લાના 14 મોત એવું બતાવ્યુ છે. 8મી તારીખની યાદીમાં રાજકોટ શહેરમાં 3 નવા મોત અને જિલ્લામાં 2 નવા મોત થયા તેવું વાક્ય લખ્યું છે પણ કુલ મોતની સંખ્યા 16 અને 9 કરવાને બદલે કુલ મોત લખ્યા છે તે કોલમ જ કાઢી નાખી છે. 

બે દર્દીનાં મોત, મનપાના ચોપડે જીવિત
જ્યાં સુધી ડેથ ઓડિટ કમિટી રિપોર્ટ ન આપે ત્યાં સુધી મોત જાહેર નહીં થાય તેવી હઠ મ્યુનિસિપલ કમિશનર તેમજ આરોગ્ય અધિકારીએ લીધી છે. રાજકોટ શહેરમાં કુલ 16 મોત થયા તેમાંથી 3 મોત બુધવારે થયા પણ મનપાએ 1 જ જાહેર કર્યું જ્યારે બાકીના બે મૃત હોવા છતાં મનપાની વેબસાઈટ અને પ્રેસ રિલીઝમાં એક્ટિવ કેસ એટલે કે જીવિત બતાવીને મૃતકોના પરિવારજનો સાથે ક્રૂર મજાક કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here