નીટ, જેઇઇમાં મુશ્કેલી ન પડે તે પ્રકારે સિલેબસમાં ફેરફાર માટે નિષ્ણાતોને જવાબદારી સોંપાઇ
રાજકોટ. કોરોના મહામારીને કારણે આ વર્ષે અભ્યાસના કલાકોમાં મોટું નુકસાન થતા આઇસીએસઇ અને સીબીએસઇએ સિલેબસમાં 25 તથા 30 ટકાનો ઘટાડો કર્યા બાદ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9 થી 12ના સિલેબસમાં 30 ટકાનો ઘટાડો કરવા કવાયત શરૂ કરવામાં આવી છે અને તેની બે-ચાર દિવસમાં જાહેરાત કરાશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તેવી રીતે સિલેબસ તૈયાર થશે
શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે અભ્યાસ બગડતા સિલેબસમાં કાપ મૂકવાનો નિર્ણય કરાયો છે અને આ ફેરફાર શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતો જ લાગુ પડશે. ગુજરાત બોર્ડના ધો.9 થી 12માં અભ્યાસક્રમમાં શું ફેરફાર કરવો, ક્યાં ચેપ્ટર કાઢી નાખવા અને ક્યાં ભણાવવા તે બાબતે દરરોજ વિષય નિષ્ણાતો સાથે વેબિનાર ચાલી રહ્યો છે અને તેમના માર્ગદર્શન અને સૂચનો મુજબ ધો.9 થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે ધો.9નો સિલેબસ ધો.10માં ઉપયોગી થાય અને ધો.11નો સિલેબસ ધો.12માં ઉપયોગી થાય તેથી વિદ્યાર્થીઓને આવતા વર્ષે પરિસ્થિતિ સામાન્ય થઇ જાય તો નેકસ્ટ યરનો અભ્યાસક્રમ ભણવામાં મુશ્કેલી ન પડે. તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ‘નીટ’ અને ‘જેઇઇ’ની પરીક્ષામાં મુશ્કેલી ન પડે તે પ્રકારનો અભ્યાસમાં ઘટાડો કરાશે.