બ્રિજેશ મેરજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે
- પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અડધી રાત્રે પણ મતદારોને સાંભળતા- સ્થાનિકો
વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે મોરબી માળીયા વિસ્તારમાં મત માંગવા નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સ્થાનિકો ઉધડા લેતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન ન ઉપાડતા હોવાનું કહીને ખખડાવ્યા હતાં.
અમારે કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો ફોન ઉપાડતા નથી- સ્થાનિક
વીડિયોમાં જોઈ શકાય છે કે મોરબી-માળીયા વિસ્તારમાં પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિકોએ ઉઘડા લીધા હતા. કામ ન કરતા હોવાનું અને ફોન ન ઉપાડતા હોવાનું કહીને સ્થાનિકોએ ઉધડા લીધા હતા. વીડિયોમાં સ્થાનિક કહે છે કે અમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમારો ફોન નથી ઉપાડતા, તમને ફોન કરીએ તો તમે બહાર હોય, તો અમારે રજૂઆત ક્યાં કરવી. અમે કાંતિભાઈને રાતે 2 વાગ્યે પણ ફોન કરીને તો એ રાતે 2 વાગ્યે હાજર થઈ જાય અને અમારી રજૂઆત સાંભળતા હતાં.
તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવું કહીને સ્થાનિકોને આશ્વાસન આપ્યું
પાણી મુદ્દે સ્થાનિકે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે પાણી તો આવતું નથી. અમારે કોને કહેવું, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. અન્ય સ્થાનિક વીડિયોમાં કહે છે કે છેલ્લા કેટલાય વર્ષથી DDO કચેરીમાં હું ધક્કા ખાવ છું. છતા પણ મારૂ કામ થતું નથી. ત્યારે બ્રિજેશ મેરજાએ ઉભા થઈને સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી બેઠક પર ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી છે. બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.