રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંકની ચૂંટણી
શહેરની બેઠક ઉપર યજ્ઞેશ જોશીની ઉમેદવારી, તેની સામે રાદડીયા પેનલમાંથી અરવિંદ તાળા ઉતરશે
જયેશ રાદડિયાની પેનલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યા : ૧૫ બેઠકમાં બિનહરીફ થવાનો દાવો રાજકોટ તાલુકા બેઠક ઉપર સખીયા બંધુઓ વચ્ચે ખેંચતાણ બાદ અંતે શૈલેષ ગઢિયાનું નામ ફાઇનલ કરાયું
રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ તમામ ૧૭ બેઠકો માટે વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો કે શહેરી બેઠકમાં યજ્ઞેશ જોશીએ ઉમેદવારી નોંધાવતા જયેશ રાદડિયાનો વિજય વિશ્વાસ તૂટશે કે નહીં તે અંગે ચર્ચા જાગી છે. વધુમાં જયેશ રાદડિયાની પેનલે ૧૫ બેઠકો બિન હરીફ જાહેર થાય તેવો દાવો પણ કર્યો છે. પરંતુ ઉમેદવારી ફોર્મ નોંધવવાનો આવતીકાલે અંતિમ દિવસ હોય ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટિવ બેંક લી.ની ચૂંટણી અંગે ગત તા. ૧ જુલાઈના રોજ ધોરાજી પ્રાંતએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં ખેતી વિષયક અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ૧૩, બિનખેતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓની ૨, માર્કેટિંગ અને પ્રોસેસિંગ મંડળીની ૧ તથા ઈતર મંડળી ૧ મળી કુલ ૧૭ બેઠકો માટે મતદાન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ગત તા. ૬ જુલાઈના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. અને બાદમાં તા. ૭થી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. જેની અંતિમ તારીખ ૧૦ રાખવામાં આવી છે.
બાદમાં તા.૧૧ના રોજ ઉમેદવારી પત્ર ચકાસવામાં આવનાર છે. અને તા.૧૩ના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો દિવસ જાહેર કરાયો છે. તા.૧૬ના રોજ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કર્યા બાદ તા. ૨૬ના રોજ મતદાન જાહેર કરવામાં આવ્યું છે. અને તા.૨૭ના રોજ મતગણતરી અને પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ચૂંટણીને લગતા દાવપેંચ શરૂ થઈ ગયા છે. રાજકોટ તાલુકાની બેઠક માટે ડી.કે.સખીયા અને વિજય સખીયા માટે ખેંચતાણ ચાલી રહી હતી. જો કે અંતે આ બેઠક ઉપર શૈલેષ ગઢિયાનું નામ ફાઇનલ થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ જયેશ રાદડિયા પેનલ દ્વારા ૧૭ પૈકી ૧૫ બેઠકો બિન હરીફ જીતવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
જ્યારે જિલ્લા બેઠક પર ધનજી કુંડલિયા સામે હજુ સુધી કોઇ ફોર્મ ભરવા મેદાનમાં આવ્યું નથી. જામકંડોરણા બેઠક પર લલિત રાદડિયા અને ઇતર બેઠક પર જયેશ રાદડિયા ફોર્મ ભરશે. મોરબીમાંથી મગન વડાવિયા, પડધરીમાંથી ડાયાભાઇ પીપળિયા, જસદણમાં અરવિંદ તોગડિયા, ગોંડલમાંથી પ્રવીણ રૈયાણી, જેતપુરમાં ગોરધન ધામેલિયા, ધોરાજીમાં વિનુ વૈષ્ણવ, ઉપલેટામાં હરિ ઠુંમર, માળિયામાંથી અમૃત વિડજા અને વાંકાનેરમાંથી જાવેદ પીરજાદા, લોધિકામાંથી વિરભદ્રસિંહ જાડેજા, ટંકારા બેઠક પરથી વાઘજી બોડાના પુત્ર દલસુખ બોડાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં બન્ને રાદડિયા બંધુ સહિત તેમની પેનલના ૧૭ ઉમેદવારે આજે વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ૧૭ બેઠકોમાંથી હાલની સ્થિતિ પ્રમાણે જિલ્લા અને શહેરની બેઠકમાં ચૂંટણી યોજાઇ તેવી શકયતા સેવાઇ રહી છે.રાજકોટ શહેરની બેઠકમાં અરવિંદ તાળાની સામે યજ્ઞેશ જોશીએ ગઇકાલે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. માટે આ બેઠકમાં તો ચૂંટણી નક્કી છે. વધુમાં યજ્ઞેશ જોશી રાદડિયાનો ૧૭ બેઠકનો વિજય વિશ્વાસ તોડશે કે કેમ તેવી ચર્ચાએ જોર પકડયું છે.