ગિરનાર ટેમ્પલ રોપવેની 18% GST સાથે રૂ.826 ટિકિટ, લોકોએ-કહ્યું રોપવે લૂંટવે ન બની જાય, કોંગી MLA બોલ્યા-રૂ.300 રાખવા CMને પત્ર લખ્યો

0
627
  • 14 નવેમ્બર પછી ટિકિટના દર 700+18% GST સાથે 826 થશે, સામાન્ય લોકો માટે આટલી ટિકિટ અશક્ય
  • પાવાગઢ રોપવે કરતાં ગિરનાર રોપવેની લંબાઈ 3 ગણી, પણ ટિકિટના દર 6 ગણા વધારે, સુવિધાના નામે મીંડું

એશિયાના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું રવિવારે PM મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક તરફ અંબાજી દર્શનને લઈને લોકોમાં ઉત્સાહ છે અને બીજી તરફ ઉષા બ્રેકો કંપનીના ટિકિટના ઉંચા ભાવને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે રોપવે યોજના સાકાર થાય. પરંતુ રોપવેની ટિકિટનો ભાવ વધારે હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે. હાલની ટિકિટના દર 600+18% GST છે. જ્યારે 14 નવેમ્બર પછી ટિકિના દર 700+18% GST સાથે 826 થશે. જેને લઈને સ્થાનિકોમાં વિરોધનો સૂર ઉઠયો છે. આ અંગં જુનાગઢ વોર્ડ નં.4ના કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેનપણસારાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, રોપવે લૂંટવે ન જાય. તેમજ જુનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું કે, રોપવેની ટિકિટ 300 રૂપિયા રાખવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ટેમ્પલ રોપવેનું રવિવારે PM મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ટેમ્પલ રોપવેનું રવિવારે PM મોદી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું

CMને પણ પત્ર લખીને ભાવ ઓછો કરવા માટે રજુઆત કરાઈ છેઃ MLA
જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ટિકિટ મુદ્દે જણાવ્યું હતું કે, જુનાગઢમાં રોપવે ચાલુ થતા ઉષા બ્રેકો કંપનીએ 750 ભાવ રાખ્યો છે. આથી એક જુનાગઢના ધારાસભ્ય તરીકે કહું છું કે 750 રૂપિયા ભાવ ગરીબવર્ગ કે મજૂરવર્ગને પોષાય તેમ નથી. આજે પાવાગઢ રોપવેના 150 રૂપિયા ભાવ છે. એના કરતા ગિરનારની લંબાઈ 3 ગણી છે અને ભાવ 6 ગણો છે. જેથી ભાવ ગેરવ્યાજબી છે. અમે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે કે ભાવ 300 રૂપિયા કરવામાં આવે. જેથી ગરીબવર્ગના લોકોને પણ લાભ મળી શકે અને કંપનીને પણ આ ભાવ પોષાય તેમ છે. કારણે કે જેટલી ટ્રોલી ખાલી રહે છે તે ભરાય જશે અને લોકોને પણ લાભ મળે.

લલિતભાઈ પણસારા અને અરવિંદ રાબડિયા- જૂનાગઢના સ્થાનિક

લલિતભાઈ પણસારા અને અરવિંદ રાબડિયા- જૂનાગઢના સ્થાનિક

આ ભાડું મધ્યમ કે ગરીબ વર્ગના લોકોને પોષાય તેમ નથીઃ સ્થાનિક
જુનાગઢમાં રહેતા લલિતભાઈ પણસારાએ જણાવ્યું હતું કે, આજે અમે ગિરનાર રોપવે પર જવા માટે અમે અહીંયા આવ્યા હતા. પણ અહીંયા આવીને ભાડું જોયું તો એવું લાગે છે કે ભાડું પોષાય તેમ જ નથી. આ ભાડું મધ્યમ અને ગરીબવર્ગને પોષાય તેમ જ નથી. ઘરે 5 મહેમાન આવ્યા હોય અને ઘરના 4 સભ્ય હોય તો 9-10 વ્યક્તિ થઈ જાય. એક વ્યક્તિના 800 રૂપિયા થાય તો 7-8 હજારનો ખર્ચ થઈ જાય. એટલે એક મહિનાનો આખો પગાર જતો રહે. એટલે નકારાત્મકતા એ ઉભી થાય કે મહેમાનોને ઘરે આવવા દેવા કે નહીં. જેથી સરકારે વિચારીને ટિકિટના ભાવ નક્કી કરવા જોઈએ.

સરકારે વિચારીને ટિકિટના ભાવ નક્કી કરવા જોઈએ- સ્થાનિકો

સરકારે વિચારીને ટિકિટના ભાવ નક્કી કરવા જોઈએ- સ્થાનિકો

પ્રોજેક્ટ સામાન્ય માણસ માટે હોય તો ટિકિટ પણ સામાન્ય હોવી જોઈએઃ સ્થાનિક
સ્થાનિક અરવિંદ રાબડિયાએ જણાવ્યું હતું કે 2 દિવસ પહેલા રોપવે શરૂ કરવામાં આવ્યો છે. જે ખૂબ જ આનંદની વાત છે. આપણું સપનું સાકાર થયું છે. પરંતુ આ ટિકિટને લઈને પ્રશ્ન ઉભો થયો છે. 700-800 રૂપિયા ટિકિટ છે. તો સામાન્ય લોકો કેવી રીતે જઈ શકે. આજે માણસોની આવક તૂટી ગઈ છે. પહેલા કમાણી કરતા એટલી કમાણી પણ હાલ નથી થતી. જો આ પ્રોજેક્ટ સામાન્ય માણસ માટે હોય તો ટિકિટ પણ સામાન્ય હોવી જોઈએ. આ ટિકિટના ભાવ ખૂબ ઉંચા છે. એક ઘરમાં 5-6 સભ્ય હોય તો માણસ 4-5 હજાર ટિકિટમાં કેવી રીતે ખરીદી શકશે. તો શું તેને જોઈને જ આવી જવાનું છે.

ઉષા બ્રેકો કંપનીએ ટિકિટના ભાવ અંગે ફેર વિચારણા કરી ભાવ ઘટાડવા જોઇએ- સ્થાનિકો

ઉષા બ્રેકો કંપનીએ ટિકિટના ભાવ અંગે ફેર વિચારણા કરી ભાવ ઘટાડવા જોઇએ- સ્થાનિકો

પાવાગઢ કરતાં 6 ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે
ઉષા બ્રેકો કંપનીએ ટિકિટના ભાવ અંગે ફેર વિચારણા કરી ભાવ ઘટાડવા જોઇએ તેવી લોકો ભારે રોષ સાથે માંગ કરી રહ્યાં છે. બીજી તરફ આ જ કંપની પાવાગઢમાં રોપવેનું સંચાલન કરે છે. પાવાગઢમાં રોપવેની લંબાઇ 736 મીટર છે અને હાલ એનું ભાડું 141.60 રૂપિયા છે, જેની સામે ગિરનાર રોપવેની લંબાઇ ત્રણ ગણી 2320 મીટર છે, પરંતુ ટિકિટના દર 826 રૂપિયા છે. પાવાગઢ કરતાં 6 ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

જુનાગઢના લોકોને 1 વર્ષ માટે ટિકિટના ભાવમાં રાહત આપવી જોઇએ

જુનાગઢના લોકોને 1 વર્ષ માટે ટિકિટના ભાવમાં રાહત આપવી જોઇએ

પાવાગઢની લંબાઇ મુજબ 447 ભાવ હોવો જોઈએ
ગિરનાર રોપવે અને પાવાગઢ રોપવેની સરખામણી કરીએ તો ગિરનાર રોપવેની લંબાઇ વધારે છે, જે પાવાગઢ રોપવેના ટિકિટના ભાવ છે. એ હિસાબે ગિરનાર રોપવેની ટિકિટના ભાવ 447 રૂપિયા હોવા જોઇએ. હાલ 706 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. 14 નવેમ્બર પછી સામાન્ય ટિકિટના 826 રૂપિયા વસૂલવામાં આવશે. જોકે પાવાગઢ રોપવે શરૂ થયો ત્યારે માત્ર 9 રૂપિયા ટિકિટ હતી. એ હિસાબે પણ જુનાગઢની ટિકિટના ભાવ વધારે છે.

સરકારે વિચારીને ટિકિટના ભાવ નક્કી કરવા જોઈએ- સ્થાનિકો

સરકારે વિચારીને ટિકિટના ભાવ નક્કી કરવા જોઈએ- સ્થાનિકો

વિકલાંગો અને સિનિયર સિટિઝન્સ માટે રાહત આપવા માંગ
ગિરનાર ટેમ્પલ રોપવેમાં 110 સેન્ટિમીટરથી વધુ ઉંચાઈ ધરાવનાર લોકો માટે 700 રૂપિયા અને 110 સેન્ટિમીટરથી ઓછી ઉંચાઈ ધરાવનાર લોકો માટે 350 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. 700 રૂપિયા ટિકિટ જુનાગઢવાસીઓ માટે મોંઘી ગણાય તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે. સિનિયર સિટીઝનો માટે તો સરકાર અન્ય સેવામાં પણ ફ્રી મુસાફરી કરી આપે છે તો રોપવેમાં પણ તે લોકોને ફ્રીમાં બેસવા દેવા જોઈએ તેવો સૂર ઉઠ્યો છે. તેમજ વિકલાંગો માટે પણ ટિકિટમાં રાહત કરી આપવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે.

જુનાગઢમાં સ્થાનિકોની માંગ છે કે તેમને એક વર્ષ માટે રાહત આપવામા આવે
ટિકિટના ભાવ મામલે લોકોમાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે, લોકોની માંગ છે કે જુનાગઢના લોકોને 1 વર્ષ માટે ટિકિટના ભાવમાં રાહત આપવી જોઇએ. આ ઉપરાંત સિનિયર સિટિઝનોને પણ રાહત આપવી જોઇએ, કારણ કે રોપવે માત્ર પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ પર તૈયાર નથી થયો, ઇમોશનલ બેકગ્રાઉન્ડ પર તૈયાર થયો છે. ઉષા બ્રેકો કંપનીએ જુનાગઢવાસીઓ માટે, સિનિયર સિટિઝનો માટે તેમજ દિવ્યાંગો માટે 150 રૂપિયા ટિકિટ રાખવી જોઇએ. જો ટેક્સ સાથે 826 રૂપિયા ટિકિટ થાય તો મહેમાનોને તો ઠીક પરિવારના સભ્યોને પણ રોપવેમાં લઇ જવું સામાન્ય લોકો માટે અશક્ય બનશે. હાઇવે પરના ટોલનાકામાં આજુબાજુનાં ગામોને ટોલમાંથી મુક્તિ હોય છે. ત્યારે ફ્રી નહીં, પરંતુ વ્યાજબી ભાવ રાખે એ જરૂરી છે.

દરરોજ હજારો પ્રવાસી આવવાના છે ત્યાં પ્રાથમિક સુવિધાને નામે મીંડું
ઉષા બ્રેકો કંપની દ્વારા ટિકિટના તોતિંગ ભાવ રખાયા છે તેની સામે યાત્રિકો માટેની પ્રાથમિક સુવિધાને નામે મસમોટું મીંડું જોવા મળી રહ્યું છે. કંપનીનું લક્ષ્ય માત્ર કમાણી કરવાનું જ હોય તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હાલ રોપવેની સાઇટ પર જરૂરી પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સૌ પ્રથમ તો હજારોની સંખ્યામાં આવનાર પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે કોઇ સુવિધા ઉભી કરાઇ નથી. પરિણામે વાહન પાર્ક કરવું ક્યાં? તે સવાલ ઉભો થયો છે. આ ઉપરાંત બહાર પાર્કિંગ થયેલા વાહનની સલામતી કેટલી? ચોરાઇ જાય તો શું ? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીની પણ કોઇ યોગ્ય સુવિધા ઉભી કરવામાં આવી નથી. એ જ રીતે લોકોના આરોગ્ય માટે પણ કોઇ વ્યવસ્થા કરવાનું કંપનીએ મુનાસિબ ન માન્યું! જોવાની ખૂબી એ છે કે ટિકિટના ભાવ જેટલા ઉંચા રાખવામાં આવ્યા છે તેની સામે યાત્રિકોની પ્રાથમિક સુવિધાને સાવ નજર અંદાજ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here