- ત્રણ મહિનાની બાંયધરી આપી છતાં એનવાયરમેનટ NOC નથી લીધી
- બિલ્ડર કેવલ મહેતા સામે અનેક છેતરપીંડીની પોલીસ ફરિયાદ છે.
- લોકોએ પોતાની બચત અને લોન લઈને ઘર લીધા પરંતુ બિલ્ડર કેવલ મહેતાની બેદરકારીના કારણે લોકોના ફ્લેટને તાળાં વાગ્યા
અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં સ્થિત આશ્રય 9 અને 10 ફ્લેટ ફરી વિવાદમાં આવ્યો છે. બિલ્ડર કેવલ મહેતાએ ફ્લેટની STP એટલે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પરમિશન અને એનવાયરમેન્ટ NOC ન લીધી હોવાથી સોમવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે ફ્લેટ વપરાશમાં નથી એવા 175 જેટલા ફલેટોને સીલ મારી દેવામાં આવ્યા છે. લોકોએ પોતાની બચત અને લોન લઈ અને ઘર લીધા છે પરંતુ બિલ્ડર કેવલ મહેતાની બેદરકારીના કારણે લોકોના ફ્લેટને તાળાં વાગ્યા છે.
એસ્ટેટ વિભાગે સીલ મારીને નોટીસ ચોંટાડી
2018માં વિઝન કોર્પોરેશનના માલિક અને બિલ્ડર કેવલ મહેતાએ ન્યૂ રાણીપ ખાતે આશ્રય-9 અને આશ્રય-10ની સાત તથા દસ માળની ફ્લેટની સ્કીમ મૂકી હતી. આશ્રય 9માં મોટાભાગના લોકો રહેવા આવી ગયા છે. જ્યારે આશ્રય 10માં હજી કેટલાક લોકો રહેવા આવ્યા નથી. બિલ્ડર કેવલ મહેતાએ ફ્લેટનો કબ્જો લોકોને આપ્યો હતો. બિલ્ડરે STP પ્લાન્ટ અને એનવાયર્નમેન્ટ NOC જે લેવાની હતી તેને ત્રણ મહિનામાં પુરી કરવાની કોર્પોરેશનને બાંહેધરી આપી હતી. બાદમાં લોકડાઉન આવી ગયું હતું. અનલોક બાદ તમામ વહિવટી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. છતાં બિલ્ડર કેવલ મહેતાએ કોઈ પરમિશન ન લેતાં સોમવારે સવારે કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ ફ્લેટ પર આવી હતી અન જે ફલેટોને તાળાં હતા તે ફલેટને સીલ મારીને દરવાજા પર નોટીસ ચોંટાડી દીધી હતી.
જ્યાં સુધી STP પરમિશન નહિં મળે ત્યાં સુધી સીલ નહિં ખુલે
કોર્પોરેશન દ્વારા 220 ફ્લેટને તાળાં માર્યા હતા પરંતુ કેટલાક લોકોના ફ્લેટનો વપરાશ હતો અને તેઓ બહારગામ ગયા હતા જેથી તેઓના ફ્લેટને ખોલી દેવાયા હતા જો કે 175 ફ્લેટ વપરાશના ન હોવાથી આ ફ્લેટને સીલ મારી દીધાં છે. જ્યાં સુધી STP પરમિશન નહિ લેવાય ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા સીલ નહિ ખોલવામાં આવે.
શું લખ્યું છે નોટિસમાં
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં રાણીપ વોર્ડમાં ટી.પી. સ્ક્રીમ નં. 66/એના એફ.પી. 76/2માં ખોડીયાર માતાના મંદિરની સામે, સાનિધ્ય ફલોરાની સામે, ન્યુ રાણીપ અમદાવાદમાં આવેલા આશ્રય 9/10 નામની સ્ક્રીમમાં કેટલાંક ફલેટોમાં બાંધકામ વપરાશની પરવાનગી મેળવ્યા સિવાય બિનઅધિકૃત વપરાશ શરૂ કર્યો છે. જેથી સ્થળે ખાલી રહેલાં અન્ય ફલેટો/ મિલકતમાં વપરાશ ચાલુ ન થાય તેની તકેદારીના પગલાં રૂપે તમારા ફલેટને સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સીલ કરેલ ફલેટ/મિલ્કતનું સીલ ખોલવું, ખોલાવવું કે તોડવું નહીં. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય સીલ કરેલા ફલેટ/મિલ્કતનું સીલ ખોલવો તે કાયદાનુસાર ગુનો બને છે.