સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છાનેખૂણે પાંચ વિદ્યાર્થીની Ph.Dની ફરી પરીક્ષા લીધી, એક વિદ્યાર્થી પાસ

0
110
  • પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પરીક્ષામાં પાસ થયાનું પરિણામ ફરતું થયું છતાં કો-ઓર્ડિનેટર કહે છે પરીક્ષા લીધી નથી, સિનિયર સિન્ડિકેટ સભ્ય પરીક્ષા લેવાયાની વાતને સમર્થન આપે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં અનેક છબરડાં અને ગેરરીતિ બહાર આવ્યા બાદ પણ હજુ અનેક નવા પ્રકરણ બહાર આવી રહ્યા છે અને તેમાં ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કરનારા પાંચ વિદ્યાર્થીની નવેસરથી પરીક્ષા લેવાયાની વધુ એક ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

જેમાં પૂર્વ કોર્પોરેટરનો પુત્ર પાસ થતા અનેક સવાલો ઊઠી રહ્યા છે, જ્યારે બીજીબાજુ કો-ઓર્ડિનેટર ડો.ગિરીશ ભીમાણી પરીક્ષા લેવાઇ જ નથીનું કહી રહ્યા છે ત્યારે સવાલ એ ઊઠે છે કે કાર્તિક વિજય ચૌહાણનું પીએચ.ડી.ની પરીક્ષામાં 100માંથી 62 માર્કસ મળ્યાનું પરિણામ વહેતું કેવી રીતે થયું? આ બાબત ઊંડી તપાસ માગી લેતી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં લાગતા વળગતાને પાસ કરી દેવાયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ હવે નવું પ્રકરણ બહાર આવ્યું છે જેમાં ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કરનારા પાંચ વિદ્યાર્થીની ફરી પ્રવેશ પરીક્ષા લેવાયાની અને તેમાં પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણનો પુત્ર પાસ થઇ ગયાનું બહાર આવ્યું છે.

આ મુદ્દે સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીને પૂછતા તેમણે ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કરનારા પાંચ વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાયાની બાબતને સમર્થન આપ્યું હતું. જ્યારે કો-ઓર્ડિનેટર ડો.ગિરીશ ભીમાણીએ આ બાબતે નનૈયો ભણી દઇ ગ્રીવન્સ સેલમાં ફરિયાદ કરનારાને ના પાડી દઇ તેની ભૂલો ક્યાં હતી તેની જાણકારી જ આપ્યાનો બચાવ કર્યો હતો. ત્યારે હવે સવાલ એ ઉઠ્યો છે કે, સત્તાધીશો પોતાની એક ભૂલ છાવરવા બીજી કરી રહ્યા છે અને બીજી ભૂલ છાવરવા ત્રીજી કરી રહ્યા છે આવી વારંવાર ભુલ દોહરાવતા હોય ત્યારે એવો કોઇ નિયમ છે ખરો કે એક વખત પરીક્ષા લે‌વાઇ ગયા બાદ પીએચ.ડી.ની પરીક્ષા બીજી વખત લઇ શકાય. તેવી જો‌ગવાઇ ક્યાં નિયમમાં છે.

છ સિન્ડિકેટ સભ્યે કુલપતિને પત્ર લખ્યો
પીએચ.ડી.ની ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિ થયાની આશંકા ઊભી થતાં છ સિન્ડિકેટ સભ્યે કુલપતિને પત્ર લખ્યા છે જેમાં એવી સ્પષ્ટ તાકીદ કરી છે કે, ડીઆરસીનું પરિણામ જાહેર કરવું નહીં. જે વિદ્યાર્થી ડીઆરસીમાં પાસ થઇ જાય તેની સિન્ડિકેટ સમક્ષ ફરી ડીઆરસી યોજાશે અને તેમાં યોગ્ય હશે તે ઉમેદવારને જ પાસ કરાશે. સિન્ડિકેટને કોઇ ઉમેદવાર યોગ્ય નહીં જણાય તો તેની પસંદગી રદ કરવામાં આવશે. – ડો.મેહુલ રૂપાણી, સિન્ડિકેટ સભ્ય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here