સિક્સ લેન બની ગયા પછી રાજકોટ-અમદાવાદ વચ્ચે ચાર નવાં ટોલનાકાં ઊભાં કરાશે: બામણબોર, બગોદરા ટોલ બૂથ બંધ કરાશે

0
519
  • માલવાહક વાહનનો જ ટોલ લેવાશે: માલિયાસણ, આયા, પાણશીણા અને બાવળા પાસે સરેરાશ 60 કિ.મી.ના અંતરે નવાં ટોલનાકાં

રાજકોટ-અમદાવાદ વચ્ચે બામણબોર અને બગોદરા એમ બે ટોલનાકાં છે, જે હવે દૂર કરવામાં આવશે, પણ નવાં 4 ઉમેરાશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ ચારેય રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ટોલ બૂથ હશે, તેથી માત્ર માલવાહક અને કોમર્શિયલ વાહનો પાસેથી જ ટોલ લેવામાં આવશે. કારને ટોલ ભરવો નહીં પડે.

રાજકોટ-અમદાવાદ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે એજન્સીઓને ટોલ આધારે અપાયું છે. આ હાઈવે બન્યા બાદ ટોલ બૂથ પણ કાર્યરત થશે અને હાલના ટોલનાકાં બંધ થશે. રાજકોટથી અમદાવાદ તરફ જતાં પ્રથમ ટોલનાકું માલિયાસણ ગામથી 1.5 કિલોમીટર દૂર પર બનાવવામાં આવશે. આ ટોલ બૂથથી 61 કિ.મી.એ સાયલાના આયા ગામ પાસે ત્યાંથી 62 કિ.મી.એ પાણશીણા ગામ અને ત્યાંથી 50 કિ.મી.એ બાવળા પહેલાં એમ ચાર ટોલનાકાં ચાલુ થશે.

નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત આવે છે, પણ 6 લેન કરવાની કામગીરી રાજ્ય સરકાર જ કરી રહી છે, તેથી ટોલ બૂથ પર રાજ્ય સરકારના જ નિયમો લાગુ પડશે, તેથી માત્ર માલવાહક અને કોમર્શિયલ વાહનો પાસેથી ટોલ લેવામાં આવશે. કાર અને એસ.ટી. બસ પાસેથી ટોલ લેવામાં આવશે નહીં. જુલાઈ 2021માં હાઈવેનો પ્રોજેક્ટ પૂરો થવાનો છે.

માલિયાસણના સ્થાનિક ટ્રાન્સપોર્ટરને અમુક રાહત મળવાની શક્યતા
ટોલ અંગેના નિયમ મુજબ, ટોલ પ્લાઝા પાસે જે સ્થાનિકો છે તેમને ટોલમાંથી અમુક રાહત આપવામાં આવે છે. માલિયાસણની આસપાસ અનેક ટ્રાન્સપોર્ટરની ઓફિસ આવેલી છે, તેથી આ ધંધાર્થીઓને ટોલમાંથી અમુક અંશે રાહત મળે એવી શક્યતા છે. આ રીતે ચારેય ટોલ બૂથ પર વિચારણા ચાલી રહી છે. જોકે અંતિમ નિર્ણય સરકારના પ્રતિનિધિ ટૂંક સમયમાં લેશે.

માલિયાસણ ટોલ પ્લાઝાનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ
માલિયાસણ ગામે ટોલ પ્લાઝા માટે માર્કિંગ ચાલી રહ્યું છે. આ કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જે લોકોની જમીન સંપાદન કરવાની છે તે ખેડૂતોએ જમીનનો અવૉર્ડ લેવાનો ઈનકાર કર્યો છે. તેમની સાથે અલગ અલગ ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન પણ જોડાયાં છે અને રજૂઆત કરી છે કે માલિયાસણ બામણબોરથી નજીક હોવાથી ટોલ પ્લાઝા નિયમ વિરુદ્ધ છે. જોકે બામણબોર ટોલ બંધ થતું હોવાથી ટોલ પ્લાઝાના ન્યૂનતમ અંતરની મર્યાદા નહીં રહે.

ચારેય ટોલ બૂથ વચ્ચેનું અંતર
માલિયાસણથી આયા – 60 કિ.મી.
આયાથી પાણશીણા – 62 કિ.મી.
પાણશીણાથી બાવળા – 50 કિ.મી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here