ગલવાન ઘાટી, સીયાચિન, કારગીલના સૈનિકોને 10,000 બહેનો રાખડી મોકલશે

0
359
  • શાળાની વિદ્યાર્થિનીઓ, મહિલાઓના ગ્રૂપની રાખડી ધારણ કરી બોર્ડર પરથી જવાનો કોલ કરી આભાર માને છે
  • સૈનિકોએ કહ્યું, જે દિવસે રાખડી મળશે તે દિવસે રક્ષાબંધન ઉજવીશું

વડોદરા. શ્રાવણ માસની પૂર્ણિમાએ રક્ષાબંધને બહેન ભાઈને રાખડી બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. જો કે આ સબંધ હવે સગા ભાઇ પુરતો સિમીત નથી.

દેશની રક્ષામાં ખડેપગે રહેતા જવાનોનો આભાર માનવા તેમજ દેશમાં રહેતી તેમની બહેનોની રક્ષા કરવાનો મેસેજ આપવા તેમને રાખડી મોકલવાનું અભિયાન શહેરના શિક્ષક સંજય બચ્છાવે 5 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. જેમાં તેઓએ શાળાના વિદ્યાર્થીઓ પાસે રાખડી બનાવડાવી, પત્રો લખાવી કારગીલ ખાતે જવાનોને મોકલ્યાં હતી. બોર્ડર પરથી જવાનોએ આભાર પ્રગટ કરવા વિદ્યાર્થિનીઓને ફોન પણ કર્યો હતો. તેથી બીજા વર્ષે વધુ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો આ અભિયાનમાં જોડાયા હતાં.

ઓસ્ટ્રેલીયા, દુબઇ, જર્મની, યુએસએ અને કેનેડાથી પણ બહેનો ભારતના સૈનિકોને બાંધવા રાખડી મોકલે છે

આ વર્ષે શાળાઓ બંધ હોવાથી શાળાના વિદ્યાર્થીઓની રાખડી સૈનિકો સુધી પહોંચી શકશે નહીં. ગત વર્ષે 2000 રાખડી ગુજરાતની બહારથી તેમજ 6000 જેટલી રાખડી શાળાના વિદ્યાર્થીઓ પાસેથી આવી હતી. આ વર્ષે કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયા, દુબઈ જર્મની, યુ.એસ.એ અને કેનેડાથી રાખડી આવી શકશે નહીં. પરંતુ રાખડી મોકલવા ઇચ્છતા લોકો મને ઓનલાઇન પેમેન્ટ કરે છે અને અહીંયાથી રાખડી ખરીદવાનું કહે છે.

મહિલાઓના ગ્રૂપ અને રાખડીના વેપારી પણ જોડાયાં

આ વર્ષે સંસ્થાઓ, મહિલાઓ અને રાખડીના હોલસેલર પણ અભિયાનમાં જોડાઇ છે અને સૈનિકો માટે રાખડી આપી રહ્યાં છે. આ વર્ષે કારગીલ, સીયાચિન અને ગલવાન ઘાટી ખાતે જ્યાં સૈનિકો શહીદ થયા ત્યાં પણ રાખડી મોકલાશે. 10 હજાર જેટલી રાખડી આ વર્ષે ભેગી થાય તેવું અનુમાન છે. બોર્ડર પર રાખડી પહોંચતા સમય લાગે તેથી ત્યાંના સૈનિકોએ જણાવ્યું હતું કે, જે દિવસે તમારી રાખડી આવશે એ જ દિવસે અમે રક્ષાબંધનનું ઉજવીશું. બરોડા હાઇ સ્કૂલ બગીખાના ખાતે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી 14 જુલાઈ સુધી સૈનિકો માટેની રાખડીનું કલેક્શન થશે.

12 દેશો અને ભારતના 25 શહેરોમાંથી રાખડી જાય છે

શિક્ષક સંજય બચ્છાવે જણાવ્યું હતું કે, દર વર્ષે વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય છે. બોર્ડર પરથી સૈનિકો નો ફોન અને પત્ર આવ્યો. સૈનિકોએ બાંધેલી રાખડીના ફોટા પણ સીડીમાં આવ્યા. સૈનિકોનો ફોનથી લોકોમાં રાખડી મોકલવાનો ઉત્સાહ વધ્યો અને 12 દેશ તથા ભારતના 5 રાજ્યોના 25 શહેરોમાંથી સૈનિકો માટે રાખડી મોકલાવા લાગી.

75 રાખડીથી 14000ની સફર

  • રાખડી 2015માં કારગીલ મોકલી: 75
  • રાખડી 2016માં કારગીલ મોકલાવી હતી: 2200
  • રાખડી 2017માં કારગીલ મોકલી હતી: 5000
  • રાખડી 2018માં સિયાચીન, કારગીલ ખાતે મોકલી: 10,000
  • રાખડી 2019માં સિયાચીન અને કારગીલ મોકલી: 14000