ગુજરાત સરકારની ૬૦ ટકા વેબસાઇટ ઓફલાઇન, નવો ડેટા જોવા મળતો નથી, જૂનાં આંકડા છે

0
84

સોશ્યલ સાઇટ્સ અને વેબસાઇટ અપડેટ્સ ના આગ્રહી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં ગુજરાત છોડ્યા પછી રાજ્ય સરકારની કામ કરતી ૧૭૫ પૈકી ૬૦ જેટલી વેબસાઇટ ઓફલાઇન બની ચૂકી છે. આ વેબસાઇટ ઉપર માત્ર તારીખ સિવાય નવું કોઇ અપડેટ્સ થતું નથી. સરકારે બનાવેલી ઢગલાબંધ એપ્લિકેશનોમાં પણ ઘણીવાર એરર જોવા મળી રહી છે.


રાજ્યના ઉદ્યોગ વિભાગની મુખ્ય અને તેને સંલગ્ન વેબસાઇટમાં વર્ષો જૂના ડેટા ઓનલાઇન રાખવામાં આવ્યા છે. ખાસ કરીને પબ્લિક સાથે જોડાયેલા વિભાગો જેવાં કે આરોગ્ય, ગૃહ, શહેરી વિકાસ, પંચાયત, બંદરો, વાહન વ્યવહાર, સહકાર, ઉર્જા અને વન-પર્યાવરણ જેવી વેબસાઇટ્સ ઓફલાઇન જેવી છે. અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઇટમાં પણ જૂનો ડેટા જોવા મળી રહ્યો છે.
કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજીટલ ગુજરાતની અસર દેખાતી હોય તેવી કેટલીક વેબસાઇટમાં નાણા, કૃષિ, મહેસૂલ અને શિક્ષણ વિભાગનો ક્રમ આવે છે. આ વેબસાઇટ સાથે ૩૫થી વધુ વેબસાઇટ્સ વેલ અપડેટ્સ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વેબસાઇટ ઓનલાઇન છે પણ તેમના પ્રધાનોની વેબસાઇટ ઓફલાઇન બની ચૂકી છે. વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટ પર જૂના ૨૦૧૯ના ડેટા મૂકવામાં આવેલા છે, જ્યારે વાયબ્રન્ટ ૨૦૨૧ સમિટ અંગે કોઇ માહિતી નથી.


નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સરકારી વિભાગોના વડાઓને કડક તાકીદ કરી હતી કે વિભાગની કોઇપણ નવી યોજના પળવારમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવે કે જેથી રાજ્યની જનતા તેને જોઇ શકે. સરકારની પબ્લિકને લગતી તમામ યોજનાઓ અને મળનારા લાભ ત્વરીત ગતિએ વેબસાઇટ પર મૂકવામાં આવે એવો તેમનો આગ્રહ હતો. મોદીએ સચિવાલયના વહીવટીતંત્રને ઓનલાઇન કરી દીધું હતું અને તેઓ પર્સનલી ધ્યાન રાખતા હતા.


આઇએએસ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને ઇ-મેઇલમાં જ કામગીરી કરવાનું તેમનું ફરમાન હતું, એટલું જ નહીં રાજ્યના સામાન્ય અંદાજપત્રને પણ ઓનલાઇન કરી દેવામાં આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને અપડેટ રાખીને મોદીએ સોશ્યલ માધ્યમોનો પ્રયોગ ગુજરાતમાં વધાર્યો હતો. અલગ અલગ વિભાગોની વેબસાઇટ તેમજ વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટની એપ્લિકેશન બનાવીને સરકારે પ્રજા માટે ફરતી કરી દીધી હતી. મોદીની ખુદની વેબસાઇટ અને મુખ્યપ્રધાનની સત્તાવાર વેબસાઇટ વેલઅપડેટ રહેતી હતી.


એ સમયે મોદીનો ખોફ હતો, ઓફિસરો પડ્યો બોલ ઝીલતા હતા. આજે સ્થિતિ એવી છે કે સરકારના વિભાગો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોઇ આદેશ માનતા નથી. વેબસાઇટ પર માત્ર તારીખનું અપડેટ કરીને વેબસાઇટ અપડેટ્સ હોવાના દાવા કરે છે. ખાસ કરીને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટનું તંત્ર બેદરકારી વધારે દાખવે છે. નવી દિલ્હીમાં રાજ્યોના ચૂંટણી પંચની બેઠકમાં નક્કી થયા પ્રમાણે સ્થાનિક ચૂંટણીના ઉમેદવારોની એફિડેવિટ પણ આ ચૂંટણી પંચ ઓનલાઇન કરી શક્યું નથી. મતદારોને હેલ્પલાઇનમાં રિપ્લાય મળતો નથી. ફરિયાદ કે રજૂઆત કરવા લોગઇન કરે છે તો એરર દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here