ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિ બદલો: શાળા સંચાલકો

0
81
  • સમારંભોમાં હાજરી દેખાડવા છાત્રોનો ઉપયોગ બંધ કરો: વેકેશનના દિવસો ઘટાડો, પ્રવાસ બંધ કરો સહિતની ભલામણો કરતું શાળા સંચાલક મહામંડળ: શાળાઓ શ કરવા માટે સરકારને કેટલાક સૂચનો મોકલ્યા


રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરુ કરવા અંગે સરકાર ચચર્-િવિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા છે. જેમાં આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. આ સિવાય ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા અને સરકારના કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવાનું કહ્યું છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને બે પાળી વચ્ચે સેનિટાઈઝ માટે એક કલાકનો બ્રેક રાખવાની ભલામણ કરવામાં આવી છે. શાળામાં અભ્યાસના કલાકો ઘટાડવાના લઈને ગૃહકાર્ય પર ભાર આપવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું છે.


રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. જો કે, ગાઈડલાઈન તૈયાર થાય તે પહેલા જ રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને પોતાના સૂચનો લેખિતમાં મોકલ્યા છે. કે જેથી સરકારને ગાઈડલાઈન તૈયાર કરવામાં મદદ મળશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને આ અંગે પત્ર મોકલ્યો છે.


મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ શાળાઓ શરુ થાય તે પહેલા તમામ બિલ્ડિંગને સેનિટાઈઝ કરવી પડશે. 65થી 79 વિદ્યાર્થીઓના વર્ગને વધુમાં વધુ 25-30 વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવો પડશે. આમ આગામી ત્રણથી ચાર વર્ષ માટે ફિક્સ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે.


આટલું જ નહીં વિદ્યાર્થીઓ પાણીરુમમાં ભીડ ન કરે તે માટે તેઓ ઘરેથી જ પાણી લાવે તેવું સૂચન કરવામાં આવ્યું છે. એક બેંચ પર 3થી 4 વિદ્યાર્થીના બદલે બેંચ પર બંને ખૂણે એક-એક એટલે કે બે વિદ્યાર્થીઓને બેસાડવા પડશે. આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે. વર્ગ શિક્ષણ કાર્યના કલાક ઘટતા વિદ્યાર્થીઓ પાસે ઘરે વધુ સમય મળશે. જેથી ગૃહકાર્ય પર વધુ ભાર આપવાનો રહેશે.


આગામી 3 વર્ષ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું છે. જે શાળાઓ પાસે બસની વ્યવસ્થા છે, તેમને બસમાં મર્યિદિત વિદ્યાર્થીઓને બેસાડવાનું ખાસ કહેવાયું છે. આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તહેવારોમાં શાળાના વિદ્યાર્થીઓને બાકાત રાખીને શાળાના સ્ટાફની હાજરી જરૂરી છે. આ જ રીતે વિદ્યાર્થીઓને રાજકીય મેળાવડામાંથી પણ બાકાત રાખવા, જેમ કે, વૃક્ષારોપણ, સરકાર દ્વારા આયોજીત રમતોત્સવ, સાંસ્કૃતિક મેળાવડામાંથી પણ વિદ્યાર્થીઓને બાકાત રાખવા.


રાજ્ય શાળા સંચાલક મહામંડળે કેટલાક અન્ય સૂચનો પણ આપ્યા છે. જેમ કે, ધોરણ 1થી 12માં હાલ સોમવારથી શુક્રવાર સુધી રોજના 8 અને શનિવારે 5 તાસ મળીને અઠવાડિયામાં કુલ 45 તાસ ભણાવવામાં આવે છે. તેના બદલે સોમવારથી શુક્રવાર રોજના 5 તાસ અને શનિવારે 4 તાસ મળીને અઠવાડિયાના 29 તાસ ભણાવવા જોઈએ. જેમાં ચિત્રકલા, શારીરિક શિક્ષણ, કોમ્પ્યુટરનું શિક્ષણ બાકાત રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રિશેષનો સમય ઓછો રાખવો. હાલમાં 8 તાસમાં ચાલતી શાળાઓ રોજના 5 તાસ મુજબ 2 પાળીમાં ચલાવી શકશે. જેમાં પ્રથમ પાળી 11 વાગ્યાથી 1.45 સુધી અને બીજી પાળી 2.45થી 5.30 સુધીની રહેશે. બે પાળી વચ્ચે એક કલાકનો સમય સેનિટાઈઝ માટે મળશે.


સૂચનોમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, સામાન્ય રીતે શૈક્ષણિક કાર્યની દિવસો સામાન્ય રીતે 220થી 230 હોય છે. વર્ષના 365 દિવસમાંથી 52 રવિવારની રજા અને 26 શનિવારની રજા ઉપરાંત 80 જાહેર રજા અને વેકેશનને બાદ કરતાં વર્ષમાંથી કુલ 158 દિવસો ઓછા થાય છે. એટલે કે 207 દિવસો બાકી રહેતા હોય વેકેશનના દિવસોમાં ઘટાડો કરવામાં આવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે.


ખાનગી ટ્યૂશનો, ક્લાસિસનું શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન થવું જોઈએ. અન્ય રાજ્યોમાંથી ધંધાદારી રીતે ચલાવવામાં આવતા ટ્યૂશન સંચાલકો ગુજરાતના વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલતા નથી અને તેઓ કોટા જેવા સેન્ટરોમાં અભ્યાસ કરે છે. લોકડાઉન દરમિયાન કોટાથી અનેક વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે સરકારને વ્યવસ્થા કરવી પડી હતી. ટ્યુશન ક્લાસિસનું રજિસ્ટ્રેશન થાય તો દુર્ઘટના થતી અટકશે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here