- હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનો વેટિંગ પિરિઅડ 15થી 90 દિવસ સુધીનો હોઈ શકે છે
- લિમિટ અથવા સબ લિમિટવાળો પ્લાન લેવાથી તમારો ખર્ચ વધી શકે છે
કોરોનાકાળમાં હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો કેટલો જરૂરી છે તે દરેકને સમજાઈ ગયું છે. ભવિષ્યમાં મેડિકલ ઇમર્જન્સી આવે ત્યારે આર્થિક સંકટ ઊભું ન થાય એ માટે હવે દરેક લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ લેવા લાગ્યા છે. જો કે, આ ઇન્શ્યોરન્સના ફાયદાની સાથે તે લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો પોલિસી વિશે તમામ જાણકારી ન હોય તો જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાનું આવે તો તેનું મસમોટું બિલ આપણે આપણાં ખિસ્સામાંથી ચૂકવવું પડી શકે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે વેટિંગ પિરિઅડનું ધ્યાન રાખો
પોલિસી ખરીદવાનો અર્થ એ નથી કે વીમા કંપની પોલિસી ખરીદવાના પહેલા દિવસથી જ તમને કવર કરવા લાગશે. જો તમારે ક્લેમ કરવો હોય તો થોડા દિવસ રાહ જોવી પડશે. પોલિસી ખરીદ્યા બાદથી લઇને તમે જ્યાં સુધી વીમા કંપની પાસે કોઈ ક્લેમ ન કરી શકો એ પિરિઅડને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનો વેટિંગ પિરિઅડ કહેવામાં આવે છે. આ સમયગાળો 15થી 90 દિવસ સુધીનો હોઈ શકે છે. તમારે એવી કંપની પાસેથી પોલિસી લેવી જોઇએ જેનો વેટિંગ પિરિઅડ ઓછો હોય.
લિમિટ અથવા સબ લિમિટવાળો પ્લાન ન લો
હોસ્પિટલમાં પ્રાઇવેટ રૂમના ભાડાંની લિમિટ લેવાનું ટાળો. સારવાર દરમિયાન તમારે કયા રૂમમાં રહેલું એ જરૂરી નથી. ખર્ચ માટે કંપની દ્વારા કોઈ લિમિટ અથવા સબ લિમિટ નક્કી કરવી તમારા માટે યોગ્ય નહીં રહે. પોલિસી લેતી વખતે આ વાત ધ્યાનમાં રાખો. સબ લિમિટનો હેતુ રિ-ઇમ્બર્સમેન્ટની લિમિટ નક્કી કરવાનો છે. ઉદાહરણ તરીકે, જો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો રૂમના ભાડાં પર વીમા રકમની એક ટકા સુધીની મર્યાદા હોઈ શકે છે. આ રીતે પોલિસીની વીમા રકમ ભલે ગમે તેટલી હોય લિમિટ કરતાં વધુ ખર્ચ કરવા પર હોસ્પિટલનું બીલ પોતાના ખિસ્સાંમાંથી ચૂકવવું પડી શકે છે.
જૂના રોગો ખર્ચ કરાવી શકે છે
તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પહેલેથી ચાલતા રોગોને કવર કરે છે. પરંતુ તેને પોલિસી લીધાના 48 મહિના પછી કવર કરવામાં આવે છે. કેટલાક રોગો 36 મહિના પછી કવર થાય છે. જો કે, પોલિસી ખરીદતી વખતે જ પહેલેથી ચાલતા રોગો વિશે જણાવવાનું રહે છે. આવા સમયગાળા પહેલાં, જો તમે આ રોગોને લીધે બીમાર થશો અને હોસ્પિટલમાં દાખલ થાઓ તો તેના ખર્ચ કવર થશે નહીં.
કો-પે પસંદ કરવું ખર્ચાળ બનશે
થોડા પૈસા બચાવવા અને પ્રીમિયમ ઘટાડવા માટે ઘણીવાર લોકો કો-પેની સુવિધા લે છે. કો-પેનો અર્થ એ છે કે ક્લેમની સ્થિતિમાં પોલિસીધારકે ખર્ચની થોડી ટકાવારી જાતે ચૂકવવાની રહે છે.(દાખલા તરીકે 10%). કો-પે પસંદ કરવાથી પ્રીમિયમ ડિસ્કાઉન્ટ બહુ વધારે નથી હોતું. પરંતુ જો તમે માંદા પડો તો તે તમારું ખિસ્સું ખાલી કરાવી શકે છે.
24 કલાક દાખલ રહેવું જરૂરી છે
રેગ્યુલર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં જો તમે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ થયા હશો તો જ તમારી સારવારનો ખર્ચ કવર કરવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન રોગની સારવાર માટેના તમારા બધા ખર્ચને કવર કરવામાં આવશે. પરંતુ જો તમને 24 કલાક પહેલાં રજા આપવામાં આવે તો તમારે તમારા ખિસ્સાંમાંથી હોસ્પિટલના બિલની ચૂકવણી કરવી પડશે.