90 વર્ષના વૃદ્ધાને હૃદયરોગ સહિત પાંચ બીમારીઓ છતાં કોરોનાને હરાવી દીધો

0
79
  • બે વખત હૃદયરોગનો હુમલો, પેરેલિસિસનો હુમલો
  • ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઈરોઈડ છતાં 14 દિવસમાં જીત મેળવી

કોરોના વૃદ્ધો તેમજ બીમારી ધરાવતા લોકો માટે ખૂબ જ જોખમી છે પણ રાજકોટના એક વૃદ્ધાએ 90 વર્ષની ઉંમરે 5 બીમારીઓ હોવા છતાં માત્ર 14 દિવસમાં કોરોનાને મહાત આપી છે.

નિર્મળાબેન નામના 90 વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વૃદ્ધાને બે વખત હુમલો આવી ગયો હતો, એક વખત પેરેલિસિસનો એટેક આવ્યો આ ઉપરાંત ડાયાબિટીસ તેમજ થાઈરોઇડ જેવી બીમારીઓ હતી. આ કારણે તેઓ ગંભીર દર્દીઓની શ્રેણીમા આવતા હતા. તબીબોએ 10 દિવસ સુધી ઓક્સિજન પર રાખ્યા અને તબિયત સુધારા પર આવતા 14મા દિવસે તો ડિસ્ચાર્જ કરાયા હતા. નિર્મળાબેન જણાવે છે કે ‘મેં મારું મનોબળ નબળું પડવા નથી દીધું કોરોના થયો છે તેવી જાણ થતાં જ નક્કી કરી લીધું હતું કે મારે કોરોનામુક્ત થવું છે. 10 દિવસ સુધી મને ઓક્સિજન પર રાખી હતી અને આ દરમિયાન પણ તબીબોએ ખાસ ધ્યાન આપ્યું હતું. મારી ઉંમરના જે પણ વડીલો છે તેમને એક જ વસ્તુ કહીશ કે મન મક્ક્મ રાખીને તમામ પ્રકારની પરેજી રાખશો તો કોરોના સંક્રમણથી બચી શકશો.’

મજબૂત મનોબળના માજી
મેડિકલ જગતના તજજ્ઞોનું પણ માનવું છે કે, કોરોના પોઝિટિવ આવે તો ડરના માર્યા થરથરી ઊઠે છે. પરંતુ, મનોબળ મજબૂત હોય તો ગંભીર બીમારીને પણ હરાવી શકાય છે.

રાજકોટમાં આઠ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
રાજકોટ| રાજકોટ મનપાએ કોવિડ-19ની કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઘર જે વિસ્તારમાં છે તે પારસ સોસાયટી સહિત અન્ય આઠ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા હવે માત્ર 33 સોસાયટી જ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ રાખવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ પારસ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડ, કાલાવડ રોડ આલાપ સેન્ચુરી, અમીન માર્ગ ગોવર્ધન સોસાયટી, માયાણીનગર બેકબોન શોપિંગ સેન્ટર પાસે, 2 રણછોડનગર, સંતકબીર રોડ ગોકુલનગર, રૈયારોડ શિવમ પાર્ક 1 રૈયા રોડને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

શહેરની કોવિડ હોસ્પિટલમાં 2557માંથી 2093 બેડ ખાલી
રાજકોટ જિલ્લામાં કોરોના માટે 2557 બેડની વ્યવસ્થા કરાઈ છે જેમાંથી 2093 બેડ ખાલી છે. રાજકોટમાં છેલ્લા 15 દિવસથી ક્રમશ: કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તેવામાં મંગળવારે હોસ્પિટલાઈઝ દર્દીઓની સંખ્યા પહેલા કરતા ઘણી ઘટી ગઈ છે. સૌથી વધારે દર્દીઓ ધરાવતી સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સામે માત્ર 90 એટલે કે 100 કરતા પણ ઓછા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ કારણે સ્ટાફ પર પણ ભારણ ઘટ્યું છે. સમરસ હોસ્ટેલમાં પણ દર્દીઓની સંખ્યા ઘટીને 30 થઈ છે આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ 1000ની ક્ષમતા સામે 300 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે સાબિત કરે છે હાલ કોરોનામાંથી રાજકોટ ધીરે ધીરે બહાર આવી રહ્યું છે.

રાજકોટમાં કોરોનાના 94 નવા પોઝિટિવ, કુલ કેસ 12211
રાજકોટમાં કોરોનાના નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 12211 થઈ છે. મંગળવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 4નાં મોત નીપજ્યા છે. સોમવારે આ આંક 2 હતો. હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા મૃત્યુના આંક પણ ઘટી રહ્યા છે. બીજી તરફ તંત્રને સિવિલ હોસ્પિટલમાં સારવારની બાબતની કોઇ ફરિયાદ, ખાનગી હોસ્પિટલમાં સારવારને લગતી ફરિયાદ તેમજ કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે સહિત કુલ 3 હેલ્પલાઈન શરૂ કરી હતી. શરૂઆતમાં કોલ્સની સંખ્યા વધારે હતી જે પાછળથી દૈનિક 5 થઈ હતી. મંગળવારે પ્રથમ વખત ત્રણેય હેલ્પલાઈનમાં એકપણ ફોન આવ્યો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here