- યાત્રિકોની ચહલપહલથી સ્ટેશન ધમધમ્યું
લોકડાઉન બાદ છેલ્લા છ મહિનાથી બંધ રહેલું રાજકોટ રેલવે સ્ટેશન ધીમે ધીમે અનલોક થયું છે. તાજેતરમાં જ લાંબા અંતરની ટ્રેન રેલવે પ્રશાસને શરૂ કરતા યાત્રિકોનો ધસારો પણ ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. લોકડાઉન દરમિયાન બંધ રહેલી પેસેન્જર ટ્રેન પણ હવે પાટે ચડવા લાગી છે. રાજકોટથી દરરોજ બે અને સપ્તાહમાં 26 જેટલી ટ્રેન રાજકોટથી પસાર થઇ રહી છે. રાજકોટ સ્ટેશનથી રોજ એવરેજ 1000 જેટલા યાત્રિકો જુદી જુદી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. રાજકોટ રેલવે સ્ટેશન પર હવે નિયમિત રીતે યાત્રિકોની ચહલપહલ શરૂ થતા રેલવે સ્ટેશન ફરી ધમધમવા લાગ્યું છે. રાજકોટથી સોમનાથ જબલપુર અને ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટ થઇને દરરોજ સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાયની 7 જેટલી ટ્રેન સપ્તાહમાં એક કે બે વખત દોડાવવામાં આવી રહી છે. રાજકોટથી મુંબઈ, સિકંદરાબાદ, હાવડા, પુરી, દિલ્હી અને ગોરખપુર સહિતના લાંબા રૂટ પર હવે ટ્રેન નિયમિત દોડાવવામાં આવી રહી છે.
રાજકોટથી આવતી-જતી દરેક ટ્રેનમાં હાલ કોરોનાની ગાઈડલાઈનને પગલે ટ્રેનના તમામ કોચ સંપૂર્ણ આરક્ષિત રહેશે. જનરલ કોચ નહીં હોય પરંતુ જનરલ કોચમાં પણ રિઝર્વેશન રહેશે. કોરોના વૈશ્વિક મહામારીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે. મુસાફરોને ભારત સરકારના હેલ્થ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેનના નિર્ધારિત સમયથી દોઢ કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવા જણાવાયું છે જેથી તેમને કોઈ અગવડતા ન પડે. દરેક યાત્રિકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
રાજકોટથી સપ્તાહમાં આ ટ્રેન પસાર થાય છે | |
ટ્રેન | સમયપત્રક |
સોમનાથ-જબલપુર એક્સપ્રેસ: | દરરોજ |
ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ: | દરરોજ |
ઓખા-હાવડા એક્સપ્રેસ : | રવિવારે |
પોરબંદર-હાવડા એક્સપ્રેસ; | બુધવાર, ગુરુવારે |
ઓખા-પુરી એક્સપ્રેસ: | બુધવારે |
પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ: | મંગળવાર, શનિવાર |
રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ: | સોમવાર, બુધ, ગુરુવાર |
ઓખા-ગોરખપુર એક્સપ્રેસ: | રવિવારે |