જીતુ સોનીને ભગાડનાર ભૂપતે ફાઇનાન્સરનું દોઢ કરોડનું મકાન 85 લાખમાં પચાવી પાડ્યું

0
264
  • ભૂપતે જ વ્યાજે નાણાં અપાવ્યા બાદ ફાઇનાન્સરના બંગલા પર નજર નાખી
  • ચાર લેણદારોને નાણાં ચૂકવી દેવાની ખાતરી આપ્યા બાદ પૈસા નહીં ચૂકવી ફાઇનાન્સર સાથે 1 કરોડની છેતરપિંડી આચર્યાનો ફરિયાદમાં આક્ષેપ

ભૂમાફિયા ભૂપત બાબુતર સામે બે ગુના નોંધાયા બાદ તેનો ભોગ બનનારાઓ પોલીસ સુધી પહોંચી રહ્યા છે. 30 કરોડના દેણામાં આવી ગયેલા ફાઇનાન્સરનો બંગલો ભૂપતે રૂ.1.85 કરોડમાં ખરીદ કર્યા બાદ રૂ.85 લાખ ચૂકવ્યા હતા અને બાકીની રકમ લેણદારોને ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી, પરંતુ ભૂપતે લેણદારોને રકમ આપવાને બદલે ફાઇનાન્સર સાથે રૂ.1 કરોડની છેતરપિંડી આચરી હતી.

મોરબી રહેતા રમેશભાઇ ભગવાનજીભાઇ વિરસોડિયાએ ક્રાઇમ બ્રાંચમાં આપેલી અરજીમાં આરોપી તરીકે ભૂપત વિરમ બાબુતરનું નામ આપ્યું હતું. રમેશભાઇએ અરજીમાં જણાવ્યું હતું કે, પોતે અગાઉ રાજકોટના અલ્કાપાર્કમાં રહેતા અને આશ્રમ રોડ પર ગુરુદેવ એન્ટરપ્રાઇઝ નામે ફાઇનાન્સનો વ્યવસાય કરતા હતા. તે સમયે ભૂપત બાબુતર સાથે પરિચય થયો હતો, વર્ષ 2012માં જમીનના ધંધામાં ખોટ જતાં રમેશભાઇ પર રૂ.30 કરોડનું દેણું થઇ ગયું હતું. દેણું થતાં ભૂપત ભરવાડે દાનુભાઇ પાસેથી રૂ.80 લાખ બે ટકા વ્યાજે આપ્યા હતા, અને રમેશભાઇએ ત્રણ વર્ષ વ્યાજ ચૂકવ્યું હતું. દાનુભાની રકમ ચૂકવવા માટે રમેશભાઇએ 150 ફૂટ રિંગ રોડ પરની તેની માલિકીના પાંચ પ્લોટ દાનુભાને દસ્તાવેજ કરીને આપી દીધા હતા.

2015માં વધુ નાણાંની જરૂરિયાત ઊભી થતાં રમેશભાઇએ અલ્કાપાર્ક વાળુ પોતાનું 150 વારનું મકાન કે જે રૂ.1.50 કરોડની કિંમતનું હતું તે વેચવા કાઢ્યું હતું, આ અંગેની જાણ થતાં ભૂપતે રમેશભાઇને બોલાવી એ મકાન રૂ.1.85 કરોડમાં ખરીદ કર્યું હતું, અને સૂથી પેટે રૂ.3 લાખ આપ્યા બાદ કટકે કટકે પૈસા આપી કુલ રૂ.85 લાખ આપ્યા હતા અને બાકીની રકમ રમેશભાઇના લેણદારો યુવરાજસિંહ, રમેશભાઇ ઠુમ્મર, કનુભાઇ સુદાણી અને શૈલેષ પાબારીને ચૂકવી દેવાની ભૂપતે ખાતરી આપી હતી પરંતુ લેણદારોને નાણાં ચૂકવ્યા ન હોવાથી તેણે રમેશભાઇ પાસે રકમની ઉઘરાણી કરતા તેમને ભૂપતે પોતાની સાથે રૂ.1 કરોડની છેતરપિંડી આચરી હોવાનો ખ્યાલ આવ્યો હતો, અંતે આ અંગે રમેશભાઇએ ફરિયાદ આપતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.

ભૂપતનો STS ટેસ્ટ કરાવવા પોલીસની કાર્યવાહી
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપી ભૂપત બાબુતરે અગાઉ કરેલા આર્થિક ગુનાના પુરાવા મેળવવા માટે ભૂપતનો એસ.ડી.એસ. ટેસ્ટ કરાવવામાં આવશે તેમજ આરોપી દ્વારા કેટલો ઇન્કમટેક્સ ભરવામાં આવ્યો, આરોપીના નામે કેટલી મિલકત છે, ભાગતા ફરતા અન્ય આરોપીના પાસપોર્ટ છે કે કેમ સહિતની માહિતી મેળવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here