સખત લૉકડાઉન, શિસ્ત, ફિઝિકલ ડિસ્ટન્સિંગવાળી સંસ્કૃતિના કારણે ઉત્તર-પૂર્વમાં કોરોના સંક્રમણ ઓછું, 90 ટકા કેસ બહારના, જે ક્વોરન્ટીન સેન્ટરમાં ટ્રેક થયા

0
285

ગુવાહાટી. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં દેશના અન્ય ભાગોની તુલનાએ કોરોના કાબૂમાં છે. તેનું કારણ છે શિસ્ત, દેખરેખ, સખત લૉકડાઉન અને પૂર્વજોના સમયથી ચાલી આવતી ફિઝિકલ ડિસ્ટન્સિંગવાળી સંસ્કૃતિ. અહીંના ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે હોમ ક્વોરન્ટીન મેનેજમેન્ટ કમિટીઓ બનાવાઇ છે. કમિટીના સભ્યો ક્વોરન્ટીન કરાયેલા લોકોનું ધ્યાન રાખે છે અને શંકાસ્પદ દર્દીઓ પર નજર પણ રાખે છે. આસામને બાદ કરતા અહીંનાં તમામ પહાડી રાજ્યોમાં 99% કેસ બહારથી આવેલા લોકોના છે. 

સમગ્ર ઉત્તર-પૂર્વમાં માત્ર ગુવાહાટીની સ્થિતિ ડરામણી છે. અહીં કોરોના સંક્રમિત 2,741 દર્દી એવા મળ્યા છે કે જેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી કે સોર્સ જાણી શકાયો નથી. 28 જૂનથી ગુવાહાટી સહિત કામરુપ મહાનગર જિલ્લામાં 14 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન છે. આસામમાં અત્યાર સુધીમાં 81,979 ટેસ્ટ કરાયા છે. સ્વાસ્થ્ય મંત્રી હેમંત સરમા કહે છે, દેશમાં કોરોના ટેસ્ટ કરવા મામલે આસામ ચોથા ક્રમે છે. અહીં દર 10 લાખ લોકો દીઠ 13,471 ટેસ્ટ થયા છે. આસામમાં અત્યાર સુધીમાં 12,552 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ 4,623 છે. 14 મોત થયાં છે.

આસામમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને નાગાલેન્ડ, અરુણાચલ અને મેઘાલય જેવાં રાજ્યોએ તેમની સરહદો સીલ કરી દીધી છે. નાગાલેન્ડમાં કોરોનાથી એકેય મોત નથી થયું. ત્યાં અત્યાર સુધીમાં 625 કેસ નોંધાયા છે, જેમાંથી 243 દર્દી સાજા થઇ ચૂક્યા છે. નાગાલેન્ડ સરકારના પ્રવક્તા નિબા ક્રોનુ કહે છે કે લોકો લૉકડાઉનના નિયમોનું પાલન કરી રહ્યા છે. સરહદો પર પણ તહેનાતી વધારી દેવાઇ છે. 

બીજી તરફ 37 લાખની વસતીવાળા મેઘાલયમાં માત્ર 70 કેસ નોંધાયા છે, જેમાંથી 43 લોકો સાજા થઇ ચૂક્યા છે ત્યાં એક જ મોત થયું છે. ઉત્તર-પૂર્વમાં આસામ બાદ સૌથી વધુ 1,558 કેસ ત્રિપુરામાં નોંધાયા છે. તેમાંથી 1,203 લોકો સાજા થઇ ચૂક્યા છે. મિઝોરમમાં 186 કેસ નોંધાયા છે, જેમાંથી 130 દર્દી સાજા થઇ ચૂક્યા છે. મણિપુરમાં 1,325 કેસ નોંધાયા છે, જેમાંથી 667 દર્દી સાજા થઇ ચૂક્યા છે. અરુણાચલમાં 252 કેસ નોંધાયા છે.

દેશના અન્ય ભાગોની જેમ ઉત્તર-પૂર્વમાં કોરોનાનો પ્રકોપ ઓછો જોવા મળે છે. તે અંગે જાણકારોનું કહેવું છે કે તેનું કારણ એ છે કે અહીંની મોટા ભાગની જનજાતિઓ મોંગોલોઇડ સ્ટોકની છે. તેમના સમાજમાં એકબીજાને ભેટવાનો કે ચૂમવાનો રિવાજ નથી. તેને ફિઝિકલ ડિસ્ટન્સિંગ કહી શકાય. જાપાન, દ.કોરિયા, તાઇવાન, હોંગકોંગ અને વિયેતનામ જેવા દેશોમાં પણ આ સંસ્કૃતિ જોવા મળે છે. ત્યાં પણ કોરોનાથી મૃત્યુનો દર નીચો છે.

ગામની બહાર લોકોએ વાંસ, કેળનાં પાનથી ક્વોરન્ટીન સેન્ટર બનાવ્યાં
આસામ-મણિપુર બોર્ડર પર સ્થિત જેમી નાગા આદિવાસી હૈંગરમ ગામ છે. આ ગામના ઘણા યુવાનો બીજા રાજ્યોમાં કામ કરે છે. પત્રકાર અનુપ વિશ્વાસ કહે છે કે અહીંના લોકોને કોરોના વિશે ખબર પડતાં જ તેઓ સતર્ક થઇ ગયા. ત્યાર બાદ પહાડ પર વસેલા આ નાનકડા સરહદી ગામના લોકોએ વાંસ અને કેળનાં પાન વડે પર્યાવરણની દ્રષ્ટિએ સાનુકૂળ ક્વોરન્ટીન હટ બનાવી છે. ગામવાસીઓનું કહેવું છે કે તેઓ મહામારીથી બચવા માગે છે. તેથી 30 લોકોને ક્વોરન્ટીન કરી શકાય તેટલી ઝૂંપડીઓ બનાવી છે. બહારથી આવતા લોકોને આ ઝૂંપડીમાં જ ક્વોરન્ટીન કરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here