મહિલાને પુરૂષનો નહીં પણ મહિલાનો જ ડર લાગે આ કેવી સ્થિતિ

0
318

(અમદાવાદ): 1990માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે આવ્યા પછી તેમની સામે આવેલા વિવિધ પ્રશ્નો પૈકી એક પ્રશ્ન મહિલાઓની સલામતીનો મુદ્દો પણ હતો, મહિલાઓ પોતાના ઘરમાં અને ઘરની બહાર નિકળે ત્યારે તેની સલામતી રહે તે જરૂરી હતું,પણ તેનો પેટા પ્રશ્ન એવો હતો કે મહિલા ઉપર પોતાના ઘરમાં ઘરેલુ હિંસા થાય અને બહાર નિકળે ત્યારે તેની સાથે કોઈ દુરવ્યવહાર કરે તો મહિલા ફરિયાદ કયાં કરે ? આમ તો પ્રશ્ન સાંભળતા જ તરત કોઈ પણ જવાબ આપે કે મહિલાએ પોલીસ સ્ટેશન જવુ જોઈએ, પણ હું 1990ના દસકની વાત કરૂ છુ, જો કે કાયદાઓ બદલાયા હોવા છતા ત્રીસ વર્ષ બાદ પણ મહિલાઓના પ્રશ્ન સમજવા માટેની સંવેદનશીલતાનો અભાવ યથાવત રહ્યો છે.

ચીમનભાઈ પટેલે પણ ત્યારે તેવુ જ કહ્યુ કે જો કોઈ મહિલાનું અપમાન-દુરવ્યવહાર અને તેની સાથે હિંસા થાય તો તેમણે તરત પોલીસ સ્ટેશન જવુ જોઈએ, મહિલાઓના પ્રશ્નની રજુઆત કરવા આવેલી મહિલા આગેવાનોએ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ સામે વાસ્તવીક સ્થિતિ રજુ કરતા જણાવ્યુ કે પોલીસ સ્ટેશનમાં 99 ટકા સ્ટાફ પુરૂષ પોલીસ જવાનો અને અધિકારીઓનો હોય છે.(1990માં મહિલાઓ પોલીસમાં ભરતી થવાનું પણ પસંદ કરતી ન્હોતી) સૌથી પહેલા કોઈ પણ પીડીત મહિલાને પોલીસ સ્ટેશન જતાં ડર અને સંકોચ થાય છે કારણ તે પોતાની સમસ્યા કોઈ પુરૂષ અધિકારીને કઈ રીતે કહે,ખાસ કરી જયારે બળાત્કાર જેવા કિસ્સામાં બારીક વિગતો ફરિયાદમાં નોંધવાની જરૂર હોય ત્યારે પીડીતાને પુરૂષ અધિકારી સામે ઘટનાનું વર્ણન કરે

ચીમનભાઈ પટેલ આખી વાત ક્ષણમાં સમજી ગયા,તેમણે ગૃહ સચિવને બોલાવી આદેશ આપ્યો કે તત્કાલ મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવે તેમાં પોલીસ ઈન્સપેકટરથી લઈ તમામ સ્ટાફ મહિલા પોલીસનો હોવો જોઈએ,, ઈરાદો નેક હતો, અમદાવાદના કારંજમાં પહેલુ મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યુ તેના પ્રથમ મહિલા ઈન્સપેકટર તરીકે ઈન્સપેકટર કદમ મુકાયા,જેના કારણે હવે મહિલાઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવવા લાગી,પણ બહુ જલદી ફરિયાદ કરનાર મહિલાઓને સમજાયુ કે આપણી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કરવાને બદલે પુરૂષ ઈન્સપેકટર હોય તેવા પોલીસ સ્ટેશનમાં જવુ કારણ મહિલા પોલીસ અધિકારી કરતા પુરૂષ અધિકારી તેમની સાથે વધુ સૌજન્યથી વાત કરે છે અને પ્રશ્ન સમજે છે.

આ એવો સમય હતો કે પોલીસ ખાતામાં ભ્રષ્ટ અધિકારી તરીકે જેમની ગણના થતી તેવા પોલીસ અધિકારીઓ કહેતા કે કયારે હત્યા,સ્ત્રી સંબંધી કેસ અને મુંગાઢોરની હત્યા કરતા કસાઈના પૈસા લેવાય નહીં,પણ મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત પછી બધી જ ધારણા ખોટી પડી,પહેલા તો મહિલા પોલીસ અધિકારીઓ જ પીડીતા સાથે ખરાબ વ્યવહાર કરવા લાગ્યા અને ન્યાય માંગવા આવેલી મહિલાને ન્યાય મળે તેના બદલે મહિલાને અન્યાય કરનાર આરોપી પુરૂષને મદદ કરવી અને તે પેટે લાખો રૂપિયા પડાવી લેવા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના પ્રથમ મહિલા ઈન્સપેકટર કદમ પણ પોલીસ સ્ટેશન શરૂ થવાના એક વર્ષમાં દહેજના કેસમાં આરોપીઓ પાસે લાંચ લેતા એસીબીએ પકડયા હતા

આ ઘટનાને ત્રીસ વર્ષ થઈ ગયા પણ કઈ જ બદલાયુ નથી, હવે તો પોલીસમાં ત્રીસ ટકા મહિલાઓને સ્થાન મળ્યુ છે પણ મહિલા પોલીસનો અભિગમ તેવો જ રહ્યો છે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા સબઈન્સપેકટર શ્વેતા જાડેજા સામે દુષ્કર્મ કેસમાં આરોપી પાસેથી વીસ લાખ પડાવવાનો આરોપ છે,ખરેખર તો મહિલા પોલીસ અધિકારી તરીકે મહિલાઓના પ્રશ્ન સમજવામાં સંવેદનશીલતા હોવી જોઈએ તેનો સંદતર અભાવ છે, હું મારા એક પરિચતને મહિલા પોલીસ સ્ટેશન લઈ ગયો હતો,તેમની દિકરીને તેનો પતિ ફટકારતો હતો,મારા પરિચીતે પોતાની દિકરીની વ્યથા કહી તો સામે બેઠેલા મહિલા અધિકારીએ કહ્યુ અરે આટલી નાની વાતમાં પતિ સામે ફરિયાદ શુ કરવાની કયારેક મારો પતિ પણ મારી ઉપર હાથ ઉપાડે છે

આવી જ રીતે મહિલા પોલીસને મહિલાઓ અંગેના ગુનાઓ કરતા ખાસ કરી દેહ વ્યાપાર કરતી મહિલાઓને નિશાન બનાવી તેમને ખંખેરવામાં પુરૂષ અધિકારીઓ કરતા વધુ રસ હોય તેમ જોયુ છે,દુષ્કર્મના કેસમાં આવેલી પીડીતાને પુરૂષ અધિકારી પણ પુછે નહીં તેવા વિચીત્ર અને વાહીયત સવાલ પુછતી મહિલા અધિકારીઓને મેં જોઈ છે.જો કે તમામ મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ માટે આ માપદંડ પણ યોગ્ય નથી,સારા મહિલા અધિકારીઓની સંખ્યા પણ આપણે ત્યાં છે પણ એક પીડીત મહિલાને પોતાની ફરિયાદ કરવા જતા મહિલા પોલીસ સ્ટેશનમાં ડર લાગે અથવા તો ન્યાય મળશે કે નહીં તેવી શંકા ઉત્પન્ન થાય છે તે કરૂણ વાસ્વીકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here