રશ્મિન પટેલ શિનોર ભાજપમાં હોદ્દાઓ પર રહી ચૂક્યો છે, મોટા નેતાના ઇશારે ષડયંત્ર રચ્યુ હોવાની આશંકા

0
185

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાનુ ષડયંત્ર કરનાર રશ્મિન પટેલ

  • ભાજપ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને એ પણ ખબર નથી કે, તે તેમના પક્ષમાં છે કે નહીં
  • રશ્મિન પટેલ 2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચૂક્યો છે

ગુજરાત વિધાનસભાની કરજણ બેઠકનો પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કરજણ બેઠક કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરાકાષ્ઠાએ પહોંચી રહેલા પ્રચાર વચ્ચે સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કરજણના કુરાલી ગામમાં ચપ્પલનો ઘા કરવાની બનેલી ઘટનાએ રાજકીય મોરચે ખળભળાટ મચાવી મૂક્યો છે. પોલીસે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જિલ્લા પોલીસની પ્રાથમિક તપાસમાં ચપ્પલનો ઘા કરાવનાર સૂત્રધાર કોંગ્રેસનો કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું. જોકે, આ સુત્રધાર કોંગ્રેસનો નહીં, પરંતુ, શિનોર તાલુકા પંચાયતનો ભાજપાનો પૂર્વ કારોબારી ચેરમેન હતો.

રશ્મિન પટેલ પહેલા ભાજપનો કાર્યકર હતો. હાલ છે કે નહીં, તેની મને ખબર નથી
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાએ રશ્મીન પટેલ અંગે જણાવ્યું હતું કે, રશ્મિન પટેલ પહેલા ભાજપાનો કાર્યકર હતો. હાલમાં છે કે નહીં, તેની મને ખબર નથી. તાલુકા ભાજપ પ્રમુખને પૂછો.

રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં, તેની મને ખબર નથી
વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્ણભટ્ટે(કોકો) ચપ્પલ ઘટના અંગે જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાની બનેલી ઘટનાને કોંગ્રેસ વખોડી કાઢે છે. અમે આવા તત્વોને સમર્થન આપતા નથી. ચપ્પલ ફેંકવાના આરોપમાં ઝડપાયેલ રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે કે નહીં, તેની મને ખબર નથી, પરંતુ, તે પહેલા ભાજપાનો સક્રિય કાર્યકર હતો, તે નક્કી છે.

પોલીસ કહે છે કે, જૂતુ ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર ચપ્પલનો ઘા થતાં વડોદરા જિલ્લા પોલીસ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ હતી અને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વીડિયો ફૂટેજ, બાતમીદારો અને ટેક્નિકલ સ્ટાફની મદદ લઇને ગણતરીના કલાકોમાં નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલનો ઘા કરાવવા માટેની મુખ્ય ભૂમિકા ભજવનાર શિનોરના રહેવાસી રશ્મિન જશુભાઇ પટેલની ધરપકડ કરી હતી. આ અંગે વડોદરા જિલ્લા પોલીસ વડાએ મંગળવારે મોડી રાત્રે પત્રકાર પરિષદને માહિતી આપતા જણાવ્યું હતું કે, રશ્મિન પટેલે અમીત પંડ્યા નામના વ્યક્તિ સાથે ટેલિફોનીક વાતચિત કરીને જણાવ્યું હતું કે, આપડો જૂતા ફેંકવાનો પ્લાન સફળ થઇ ગયો છે. મારા માણસો દ્વારા જૂતુ ફેંકવામાં આવ્યું છે. આ અંગે ઉજવણી કરવાની છે. આ ટેલિફોનિક વાત પરથી લાગે છે કે, જૂતુ ફેંકાવનાર રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર છે.

વર્ષ-2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે
રશ્મિન પટેલ વર્ષ-2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છે. જ્યારે તેની પત્ની 23-1-2012થી 6-2-2014 દરમિયાન શિનોરમાં સરપંચ હતા. તે સમયે તેઓ ભાજપના સક્રિય કાર્યકર હતા. એમ પણ કહેવાય છે કે, રશ્મિન પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ(નિશાળીયા) જૂથના મનાતા હતા. રશ્મિન પટેલે નાયબ મુખ્યમંત્રી ઉપર ચપ્પલ ફેંકવાનું સફળ કાવતરૂં પૂરું પાડવાનું કામ ભાજપાના જ કોઇ મોટા માથાના ઇશારે કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, રશ્મિન પટેલ હાલ કોંગ્રેસના કાર્યકર હોવાનું જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

રશ્મિન પટેલ 2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચૂક્યો છે

રશ્મિન પટેલ 2010થી 2013 દરમિયાન શિનોર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચૂક્યો છે

પૂછપરછ દરમિયાન અન્ય વિગતો બહાર આવશે
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ જણાવ્યું હતું કે, અમને માહિતી મળી છે કે, રશ્મિન પટેલ પહેલા ભાજપામાં હતો અને છેલ્લા પાંચ વર્ષથી તે કોંગ્રેસમાં જોડાઇ ગયો છે. હાલ તે કોંગ્રેસનો કાર્યકર છે તે નક્કી છે. તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. તેને કરજણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રશ્મિન પટેલે તેના કયા સાથીદાર દ્વારા ચપ્પલ ફેંકાવ્યું તે અંગે આરોપી કંઇ જવાબ આપતો નથી. રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય વિગતો બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here