વેરા સમાધાન યોજનાની મુદતમાં વધારો: વ્યાજમાં રાહત ન આપતા વેપારી કરદાતાઓમાં નારાજગી

0
89

વેરા સમાધાન યોજનાની મુદત માં કોરોના ના લીધે વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકાર દ્વારા વ્યાજમાં રાહત ન અપાતા વેપારી કરદાતાઓમાં ભારે રોષ ફેલાયો છે.હવે 31.01.2021 સુધી 1.5% વ્યાજ સાથે ભરી શકાશે આ રકમ. ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ હેઠળ વેરા સમાધાન યોજના 2019 ની મૂળ યોજના મુજબ વેપારીએ કુલ ભરવાપાત્ર રકમના 10% રકમ 15.03.2020 સુધીમાં ભરવાની થતી હતી. ત્યારબાદ બાકીની રકમ એપ્રિલ 2020થી 11 સરખા હપ્તે ભરવાની થતી હતી. કોરોના મહામારીના કારણે વેપારીઓને પડેલી તકલીફ જોતાં અગાઉ જાહેરનામા દ્વારા આ મૂદ્તોમાં વધારો કરી પ્રથમ 10% ની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં અને બાકીની રકમ જુલાઇ થી 11 હપ્તામાં ભરવા જોગવાઈ કરવામાં આવેલ હતી. હજુ અમુક ભાગોમાં કોરોનાની અસર ચાલુ હોય અને ધંધાને થયેલ નુકસાન ધ્યાને લેતા વેપારીઓના હિતમાં ફરી રાહતો આપવા અંગેનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ 31.07.2020 સુધી ભરવાની થતી 10% રકમ જો કોઈ વેપારી ભરતા ચૂકી ગયો હોય તો તેમને આ રકમ 31.01.2021 સુધીમાં 1.5% વ્યાજ સાથે ભરી આપવાની રહેશે. આ વ્યાજની રકમ મહિનો કે તેના ભાગ માટે ગણાશે. ત્યારબાદના હપ્તા જે જુલાઇથી ભરવાના થતાં હતા તે હપ્તા પણ 31.01.2020 સુધીમાં જે તે મહિનાની 20 તારીખ સુધીમાં ભરવાના રહેશે. આ હપ્તા મોડા ભરવામાં આવે તો તેના ઉપર 1.5% વ્યાજ ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વેરા સમાધાન યોજના અન્વયે અરજી કરવા માટે કોઈ નવી તક આપવામાં આવી નથી. માત્ર જે વેપારીઓએ નિયત સમયમાં અરજી કરેલ હતી તેઓને વેરાની ચુકવણી માટે સમય આપવામાં આવ્યો છે. મૂળભૂત રીતે વેલ્યૂ એડેડ ટેક્સ કાયદામાં વ્યાજ એ બાકી દિવસો ઉપર લગાડવામાં આવતું હતું. પરંતુ આ ઠરાવ ના શબ્દો જોતાં આ વ્યાજ મહિના કે તેના ભાગ ઉપર લાગશે. આનો એક અર્થ એ પણ થઈ શકે કે મહિનો પૂર્ણ થાય એટ્લે 1 દિવસ પણ વધુ થાય તો પૂરા મહિનાનું વ્યાજ ચડી જાય. આ અંગે યોગ્ય ખુલાસો કરવામાં આવે તે ઇચ્છનીય છે તેમ ટેક્સ એડવોકેટ ભવ્ય પોપટ અને કરવેરા સલાહકારો એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here