હત્યા કરનાર પુત્રવધૂને બે મહિનાનો ગર્ભ, બંધનમાં રહેવાની જૂની પ્રથાને લઈ થતો સાસુ અને વહુ વચ્ચેનો ઝગડો હત્યા સુધી પહોંચ્યો

0
185
  • મૃતક સાસુ નિકિતાને બંધનમાં રહેવા કહેતા હતા, જે નિકિતાને ગમતુ ન હતું
  • જૂની પરંપરાને લઇને સાસુ અને પુત્રવધૂમાં સતત ઝગડા થતા હતા
  • દિપકે ફોન કરતા મને બેડરૂમમાં પૂરી દીધી હોવાનું નિકિતાએ કહ્યું હતું

ગોતાના સત્યમેવ વિસ્ટા પાસે આવેલા રોયલ હોમ્સમાં પુત્રવધૂએ સાસુની હત્યા કર્યાના બનાવમાં અનેક વિગતો બહાર આવી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છેકે, હત્યા કરનાર પુત્રવધૂ નિકિતાને બે મહિનાનો ગર્ભ છે. 10 મહિનાના લગ્નગાળામાં સાસુ રેખાબેન અગ્રવાલ અને વહુ નિકિતા વચ્ચે અવાર-નવાર ઝગડા થતાં હતાં. રેખાબેનનો પરિવાર મૂળ રાજસ્થાની છે અને જૂની પંરપરા, બંધન પ્રથામાં માને છે. મૃતક સાસુ નિકિતાને બંધનમાં રહેવા કહેતા હતા અને તેને લઇને થતો ઝગડો હત્યા સુધી પહોંચી ગયો હતો.

પુત્ર મંદિરે દર્શન કરવા ગયો અને ખૂની ખેલ ખેલાયો
દિપક અગ્રવાલ ગોતામાં મહાવીર ગ્રેનાઇટ અને આર.કે. સ્ટોનના નામે વેપાર કરે છે. 24 ઓક્ટોબરે દિપકના પિતાને કોરોના થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે દિપક જમીને હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો એ સમયે ઘરમાં સાસુ રેખાબેન અને પુત્રવધૂ નિકિતા ઘરમાં એકલા જ હતા. જે દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ઘરના બંધ બારણાં વચ્ચે નિકિતાએ ખૂની ખેલ્યો હતો. લોખંડના સળિયા વડે સાસુના માથામાં ઘા મારતા ચીસો અને બૂમાબૂમ થઇ હતી. જે સાંભળીને આસપાસના ફ્લેટના લોકો પણ ભેગા થઇ ગયા હતા.

બૂમાબૂમ સંભળાતા ફ્લેટના રહિશો એકઠાં થયાં હતાં

બૂમાબૂમ સંભળાતા ફ્લેટના રહિશો એકઠાં થયાં હતાં

બારીમાંથી પ્રવેશી દિપકે ઘરમા જોયું તો રૂમ લોહીથી ખરડાયેલો હતો
બૂમાબૂમ સાંભળીને ફ્લેટના રહિશો એકઠા થયા હતા, જોકે થોડીવાર બાદ અવાજો સંભળાતા બંધ થઇ ગયા હતા. જેથી રહિશોને લાગ્યું કે બધુ શાંત થઇ ગયું છે. જે દરમિયાન કોઇ રહિશે આ બોલાચાલી અંગે દિપકને જાણ કરતા તે ઘરે આવ્યો હતો. દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇએ ખોલ્યો ન હતો. તેથી દિપકે ફોન કરતા નિકિતાએ કહ્યું હતું કે બેડરૂમમા મને પૂરી દીધી છે. જોકે દિપકને શંકા જતા તેણે પહેલો જ માળ હોવાથી સીડી વડે બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કરતા જ રૂમ લોહીથી ખરડાયેલો હતો અને અર્ધ બળેલી હાલતમાં લાશ પડી હતી.

દિપકે અંદર જઇને જોયુ તો અર્ધ બળેલી હાલતમાં લાશ પડી હતી

દિપકે અંદર જઇને જોયુ તો અર્ધ બળેલી હાલતમાં લાશ પડી હતી

પત્નીએ હત્યા કર્યાનું જાણ થતાં દિપકે પોલીસને બોલાવી
દિપકે બેડરૂમમાં જઇને જોયુ તો લોખંડનો સળિયો સાઇડમાં રાખેલો હતો અને નિકિતા વિકનેસ હોવાનું કહીને સૂઇ રહી હતી. પત્ની નિકિતાએ જ માતા રેખાબેનની હત્યા કરી હોવાની જાણ થતાં દિપકે પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પુત્રવધૂ સાસુની લાશને ઘરમાં જ સળગાવી દેવા માગતી હતી, પરંતુ લાશ બરોબર સળગી ન હતી. તેણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે એ જ સમયે દિપક આવી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here