વૃધ્ધાશ્રમના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ
હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા. 20, ઓકટોબરે શહીદ થયા. સદભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધિઓ ચોરવિરાજી ગામ જઈને રૂબરૂ શ્રધ્ધાંજલિ અર્પણ કરી આવ્યા.
વીર શહીદ રઘુભાઈ બાવળિયા લેહ થી 350 કિમી દૂર બોર્ડર પર ડયુટી કરતા હતા ત્યારે માતૃભૂમી કાજ વીર મૃત્યુ પામ્યા. ત્યાંથી તેમના ઘરનો રસ્તો ત્રણ દિવસનો એટલે 23 ઓકટોબરે તેમનો અગ્નિસંસ્કાર થયો. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે એવી વિકટ શહિદી રઘુભાઈ બાવળીયાએ વ્હોરી છે. માત્ર 21 વર્ષ ની વયે રઘુભાઈ સેનામાં દાખલ થયા હતા અને દેશના જાંબાઝ કમાન્ડો પણ બન્યા અને દેશ માટે માત્ર 21 વર્ષની ઉમરે શહીદી પણ વ્હોરી લીધી. રઘુભાઈ ખેતમજુર પરીવારનું સંતાન, અને દેશપ્રેમ અને દેશદાઝથી ઠાસોઠાસ ભરેલા હતા. સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ જયારે શહીદના ઘરે રૂબરૂ ગઈ ત્યારે, આંખમાં આંસુ છલકાઈ જાય તેવી પરિસ્થિતિ શહીદના પરીવારને જોઈ. ચાર વર્ષ પહેલા ગામમાંથી વ્યાજે પૈસા લઈને ઘર બનાવ્યું અને એ આશરો ઉભો કર્યો હતો. કલર અને ફર્નીચર તો દૂરની વાત, પણ ઘરમાં હજુ પ્લાસ્ટર પણ બાકી છે. એટલા બધા નાણાં ખેત મજૂરને કોણ વ્યાજે આપે ? હા, રઘુભાઈ એ ઘાતક કમાન્ડોની ટ્રેનીંગ પતાવીને આવ્યા ત્યારે માં-બાપ ને ખાતરી આપી કે તમારે હવે લાંબો સમય વ્યાજ નહિ ભરવું પડે અને
મજૂરીએ પણ નહી જવું પડે અને દેવું પણ નહીં રહે. શહીદ રઘુભાઈએ પોતાના માતાપિતાને આપેલું વચન પુરું કરવાની નૈતિક જવાબદારી સૌ દેશવાસીઓની છે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રઘુભાઈના પરીવારને 10 લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિધી અર્પણ કરવાની મંગલ ભાવના છે. તા.20, નવેમ્બરના રોજ, શહીદ રઘુભાઈની પ્રથમ માસિક પુણ્યતિથીએ, સદભાવના વૃધ્ધાશ્રમના પ્રતિનિધીઓ કૃતજ્ઞ ભાવે, નત મસ્તકે અને પોતાના કર્તવ્યના ભાગરૂપે અત્યંત સન્માનપૂર્વક 10 લાખ રૂપીયાની નીધિ પરીવારને અત્યંત ગરીમાપૂર્ણ રીતે અર્પણ કરશે. સદભાવના વૃધ્ધાશ્રમ સમાજના સહકારથી ચાલતી સંસ્થા છે. આ 10 લાખ રૂપીયાની નિધી પણ સદભાવના વૃધ્ધાશ્રમ સમાજમાંથી જ એકત્ર કરીને આપશે. જે કોઈ સદગૃહસ્થ આ રકમમાં સહભાગી-સદભાગી થવા ઈચ્છતા હોય, પોતાનું અનુદાન અર્પણ કરવા ઈચ્છતા હોય તેઓને વિશેષ માહિતી માટે વિજય ડોબરીયા (મો.80002 88888),મનોજ કલ્યાણી (મો.999820070), ધીરૂભાઈ કાનાબાર (મો. 9825077306), રાજેશભાઈ રૂપાપરા, સુધીરભાઈ શાહનો સંપર્ક કરવા સદભાવના વૃધ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે