જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના 6 વ્હાઈટ કોલર સાગરીતોને રાજકોટ કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો, બે સાગરીતના 12 દિવસના રિમાન્ડ મંજૂર

0
167
  • પાંચ સાગરીતોને 12 દિવસ અને ત્રણ સાગરીતોને 9 દિવસના રિમાન્ડ પર લીધા હતા

જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલના નેટવર્કને નાબુદ કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશન હેઠળ 6 વ્હાઈટ કોલર સાગરીતોના રિમાન્ડ ગુરૂવારે પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં આ સાગરીતોને રજુ કરવામાં આવ્યા છે અને વધુ રિમાન્ડ માગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે તમામને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેલ હવાલે કરવામાં આવેલા 6 સાગરીતોમાં નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, અતુલ ભંડેરી, અનિલ પરમાર, વશરામ આહીર અને પ્રવીણ ચોવટિયાનો સમાવેશ થાય છે. જ્યારે બે સાગરીત જશપાલસિંહ જાડેજા અને યશપાલસિંહના 12 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર કરવામાં આવ્યા છે. જયેશ પટેલ અને સાગરીતો કૌભાંડ કરવા લાયક જમીન પર નજર કેન્દ્રીત કરી ત્યારબાદ સુવ્યવસ્થિત રીતે ફાયરિંગ કરી કે ખંડણી ઉઘરાવી ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.

અગાઉ રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં આઠ આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા
જયેશના રાઇટ હેન્ડ તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર સાગરીત એવા જામ્યુકોના ભાજપના નગર સેવક અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી, પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વશરામ ગોવિંદભાઇ મિયાત્રા, જામનગરના બિલ્ડર નિલેશ મનસુખભાઇ ટોલીયા, બિલ્ડર મુકેશ વલ્લભભાઇ અભંગી, જયેશ પટેલના કથિત અખબારના સંચાલક પ્રવિણ પરષોત્તમભાઇ ચોવટીયા, જીગર ઉર્ફે જીમી પ્રવિણચંદ્ર આડતિયા, અનીલ મનજીભાઇ પરમાર અને પ્રફુલભાઇ જયંતિભાઇ પોપટ નામના આઠ શખ્સો સામે હિંસા ફેલાવી અથવા હિંસાનો ભય બતાવી, ગુનાહિત ધાક-ધમકી આપી, બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલકતો પડાવી લેવા સહિતની જુદી-જુદી 6થી 7 કલમો મુજબ આ આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે રાજકોટની સ્પેશીયલ કોર્ટમાં આઠ આરોપીઓને રજુ કર્યા હતા.

પાંચ સાગરીતોને 12 દિવસ અને ત્રણ સાગરીતોને 9 દિવસના રિમાન્ડ પર લીધા હતા
ધરપકડ કરાયેલા બિલ્ડર નીલેશ ટોલિયા, પૂર્વ પોલીસ કોન્સટેબલ વશરામભાઈ આહીર, ભાજપના નગર સવેક અતુલ ભંડેરી, જયેશ પટેલના કથિત અખબારના સંચાલક પ્રવીણ ચોવટિયા, અનિલ મનજી પરમાર નામના પાંચ સાગરીતોને બાર દિવસ અને અન્ય ત્રણને નવ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ રિમાન્ડ દરમિયાન શહેરના અમુક વ્હાઈટ કોલર શખ્સોની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જામનગર પોલીસે કોર્ટમાં તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં રાખવા અરજી કરવામાં આવી હતી. તમામ આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી જેલમાં પણ સંગઠિત ન થાય તે હેતુથી પોલીસ દ્વારા અરજી કરવામાં આવી છે.

આઠ પૈકી 5 આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા હોય કોર્ટમાં રજુ કરાયા
આ ઉપરાંત અન્ય ફરાર શખ્સો સુધી પણ પોલીસ પહોચી ગઈ હોવાની ઠેંસ વિગતો સામે આવી છે. 8 પૈકીના 3 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે બેને જેલમાં ધકેલી અન્ય આરોપી મુકેશ અભંગીને ત્રણ દિવસના ફરીથી રિમાન્ડ પર લીધો છે. જ્યારે આજે અન્ય પાંચ આરોપીઓના પણ રિમાન્ડ પુરા થવાના હોય આજે ફરી રાજકોટ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. આ પાંચેય આરોપી પૈકીના આરોપીઓના ફરીથી રિમાન્ડ મંગાશે એવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

10 વર્ષમાં જયેશ પટેલે માલેતુજારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા
સુવ્યવસ્થિત રીતે ફાયરિંગ કરી કે ખંડણી ઉઘરાવી જયેશ પટેલે છેલ્લા એક દસકામાં જામનગરમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ધીરે ધીરે પોતાના સામ્રાજ્યને વિકાસાવવા માટે માલેતુજારો પાસેથી કરોડો રૂયિપા ઉઘરાવી લીધા હોવાની પણ વાત જામનગરના માર્કેટમાં ચર્ચાઇ રહી છે. એવા સમયે રાજયસભાના સાંસદ અને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી દ્વારા પોલીસ અને જયેશ પટેલની સાંઠગાંઠ પર કરેલી ટીકા પૂર્વે જ સરકારે કમાન્ડ સંભાળી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP દિપન ભદ્રનની એસ.પી. તરીકે નિયુકતી કરી જયેશ પટેલના સામ્રાજ્યને જળમુળથી ઉખેડી નાખવા સત્તા આપી હતી. જેને લઇને એસ.પી.એ પોતાની જાબાઝ ટીમમાં IPS નીતેશ પાંડે, PI. કે.જી.ચૌધરી, PI. એસ.એસ.નિનામા, PSI દેવ મુરારીની જામનગરમાં નિમણૂંક કરાવી સ્પેશ્યલ ઓપરેશન હાથ ધર્યુ હતું.

જયેશ પટેલ સહિત 14 સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી હાથ ધરાઈ
છેલ્લા પખવાડીયાથી હાથ ધરાયેલા ઓપરેશન વચ્ચે જામનગરમાં એક જ ચર્ચા ચાલતી હતી કે આજે કોનો વારો? દરમિયાન પોલીસે પણ પોતાની કાર્યપ્રણાલી મુજબ એક પછી એક જયેશ પટેલના સગરીતોને દબોચી લેવાની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પખવાડીયાના ગાળા દરમિયાન રાજ્યની ATSની મદદથી જામનગર SOG, LCB અને પેરોલ ફર્લો સ્કોડે સમયાંતરે સાત સાગરીતોને ઉઠાવી લીધા છે. દરરોજ દર્શાવવામાં આવતી ભીતી વચ્ચે પોલીસ દ્વારા જયેશ પટેલ સહિત તેના 14 સાગરીતો સામે જામનગરના ઇતિહાસમાં કહી શકાય તેવો ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ અધિનિયમ) મુજબ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here