એરલાઈન્સને અનલોક ના ફળ્યુ: પાઈલટ્સના પગારમાં 45 ટકા સુધીનો કાપ

0
530

મુંબઈ: કોવિડ-19ને કારણે નીચી માંગ અને ઘટી રહેલા માર્જિનની મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી એરલાઇન્સે જુલાઈમાં ફરી પગાર ઘટાડ્યો છે. સૂત્રના જણાવ્યા અનુસાર ઇન્ડિગોએ કેટલાક પાઇલટ્સના પગારમાં 45 ટકાનો કાપ મૂક્યો છે. કર્મચારીઓને લખેલા પત્રમાં એક સિનિયર એક્ઝિક્યુટિવે ‘લીવ વિધાઉટ પે’ની સંખ્યામાં વધારો કરવાની માહિતી આપી હતી.

વિસ્તારાએ40 ટકા સ્ટાફના પગારમાં 5-20 ટકાની રેન્જમાં ઘટાડો કર્યો છે. એરલાઇનના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. એરએશિયા ઇન્ડિયા પણ જુલાઈમાં પાઇલટનો પગાર 40 ટકા ઘટાડશે. જ્યારે ગોએરે 90 ટકા સ્ટાફ માટે અત્યારે ચાલી રહેલી ‘લીવ વિધાઉટ પે’ની સ્કીમ અમલી બનાવી છે. ઇન્ડિગોના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (ફ્લાઇટ ઓપરેશન્સ) અશિમ મિત્રાએ પાઇલટ્સને લખેલા પત્રમાં ‘લીવ વિધાઉટ પે’ની માહિતી આપી હતી. તેમણે અંડર-ટ્રેનિંગ ટ્રાન્ઝિશન કેપ્ટન્સ અને ટ્રાન્ઝિશન ફર્સ્ટ ઓફિસર્સના પગારમાં ફેરફારની માહિતી પણ આપી હતી.

વિસ્તારાના CEO લેઝલી થેંગે ડિસેમ્બર સુધી માસિક ધોરણે 20 ટકા પગારકાપ લેવાની જાહેરાત કરી હતી. એરલાઇનના બાકીના સિનિયર મેનેજમેન્ટના પગારમાં પણ 15 ટકા ઘટાડો કરાશે. ડિસેમ્બર સુધીમાં મિડ અને જુનિયર લેવલ સ્ટાફના પગારમાં 10 ટકા કાપ મુકાશે. ઉલ્લેખનીય છે કે, મર્યાદિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ધરાવતી ભારતીય એરલાઇન્સ હજુ સુધી કોઈ નાણાકીય સહાય વગર ટકી શકી છે, પણ સ્થિતિ સારી નથી.

કોરોનાને પગલે સરકારે 25 માર્ચથી બે મહિના માટે ફ્લાઇટ્સ બંધ કરી હતી. 25 મેથી તબક્કાવાર ધોરણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. જોકે, નીચી માંગ અને રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનના નિયમોમાં ફેરફારથી રોજ સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડે છે. એક અંદાજ પ્રમાણે ટિકિટ્સ વેચાઈ ચૂકી હોય એવી રોજની 10-25 ટકા ફ્લાઇટ્સ રદ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here