આ તસવીર જ જણાવી દે છે કે ગુજરાતમાં ભાજપનો પાયો નાખવામાં ભાજપમાં કેશુબાપાનું કદ કેટલું મોટું હતું.
ગુજરાત ભાજપના ભિષ્મ પિતામહ કેશુભાઈ પટેલ, એટલે કે કેશુબાપાનું 92 વર્ષની વયે નિધન થયું છે. 17 વર્ષની ઉંમરથી આરએસએસ અને પછી ભાજપના પ્રખર કાર્યકરથી લઇને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ સાથેની નારાજગી બાદ પક્ષથી અલગ થઇને નવો પક્ષ રચવા સુધીમાં કેશુભાઈએ અનેક ઉતાર-ચડાવ જોયા છે. આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 1995થી રાજ કરી રહી છે. એની પાછળ કેશુભાઈ પટેલની અથાગ મહેનત પણ છે. આજે જ્યારે બાપાએ આ વિશ્વને કાયમ માટે અલવિદા કહી દીધી છે ત્યારે અમે અહીં તેમની કેટલીક એવી તસવીરો રજૂ કરી રહ્યા છીએ, જે તેઓ તેમના રાજકીય ક્ષેત્રે કેટલા ઉચ્ચ પદે હતા એ દર્શાવે છે.

મુખ્યમંત્રી બન્યા બદલ કેશુભાઈ પટેલને વાજપેયીજીએ મીઠાઈ ખવડાવી હતી.

1995માં ગુજરાતમાં જ્યારે ભાજપનો વિજય થયો ત્યારે વિધાનસભાની બહાર કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીએ વિજયી મુદ્રામાં તસવીર ખેંચાવી હતી.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયા બાદ નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મળવા પહોંચ્યા હતા અને મીઠાઇ ખવડાવી હતી.

અડાલજસ્થિત અન્નપૂર્ણાધામના લોકાર્પણ સમારોહ દરમિયાન નરેન્દ્ર મોદી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પગે લાગ્યા હતા અને બાપાને ભેટી પડ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટની એક બેઠક દરમિયાન કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા.

આરએસએસની શાખા દરમિયાન નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આઝાદીની સુવર્ણ જયંતી પર્વની ઉજવણી અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મશતાબ્દીની ઉજવણીમાં કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા.

2017ની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી કેશુબાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

વિજય રૂપાણીના શપથ સમારોહની આ તસવીર કાયમી યાદી બની જાય એવી છે. ગુજરાતના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપને મજબૂત બનાવવામાં સાથે રહેનાર એકસાથે આનંદિત મુદ્રામાં જોવા મળ્યા હતા.

મચ્છુ હોનારત બાદ બાબુભાઈ જશાભાઈ પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ મોરબી પહોંચ્યા હતા.