રાજકોટના જનપ્રતિનિધિ: ધારાસભ્ય, કોર્પોરેટર તરીકે કેશુભાઈનું મોટું યોગદાન

0
85

જનસંઘ, ભારતીય જનતા પક્ષમાં જેટલું મહત્વનું યોગદાન કેશુભાઈ પટેલનું રહ્યું છે. તેટલું જ, બલ્કે તેનાથી વિશેષ યોગદાન રાજકોટના વિકાસમાં કેશુભાઈ પટેલનું રહ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રથમ સરકાર નિયુક્ત બોર્ડ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેમાં કેશુભાઈને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે કેશુભાઈ તો તે અગાઉ સુધરાઈના વખતથી કોર્પોરેટર તરીકેની પોતાની જવાબદારી સારી રીતે સંભાળીને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં દિવસ-રાત જોયા વગર કામ કરતા હતા. જે તે વખતના રાજકોટ-1 વિધાનસભા મત વિસ્તાર તરીકે ઓળખાતી બેઠક પરથી 1975માં કેશુભાઈ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1951માં જનસંઘની સ્થાપ્ના થઈ ત્યાર થી 1975 સુધી કેશુભાઈ પટેલ રાજકોટમાં જ રહેતા હતા અને 1975માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તે ગાંધીનગર શિફ્ટ થયા હતા.


રાજકોટ-અમદાવાદ ફોર લેન: કેશુબાપાની દેન

જ્યારે રાજકોટ અમદાવાદ વચ્ચેનો હાઈવે ટુ-લેન હતો ત્યારે સાયલા, સુદામડા અને ડોળીયા બાઉન્ડ્રી જેવા સ્થળોએ અને હાઇવે પર અનેક જગ્યાએ અકસ્માતો વારંવાર થતા હતા અને મૃત્યુ આંકનું પ્રમાણ પણ તેના કારણે વધી ગયું હતું. રાજકોટના શિલ્પી અને ભાજપ્ના દિગ્ગજ નેતા અરવિંદભાઈ મણિયારનું પણ માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું હતું. અકસ્માતોની પરંપરા રોકવા માટે તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજકોટ અમદાવાદ વચ્ચેનો રસ્તો ફોરલેન કરવાનો નિર્ણય લીધો હતો. કેશુભાઈ પટેલે તેનું ખાતમુરત કર્યું હતું અને તેના શાસનકાળમાં તે પૂરો થયો હતો. વસ્તી વિસ્તાર અને વાહનોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો હોવાથી હાલનો રાજકોટ -અમદાવાદ ફોરલેન પણ હવે ટુંકો પડી રહ્યો છે અને આ રસ્તો છ માર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

બોર યોજનાનું કામ માત્ર 62 દિવસમાં પૂરું કરી રાજકોટની પાણી સમસ્યા કેશુભાઇએ દૂર કરી હતી

જાંબુડી વીડીના 120 બોર ખોલાવવાની ઘટના હજુ પણ રાજકોટવાસીઓને યાદ છે


’આ કામ મેં કર્યું છે’તેવા પ્રચારમાં કેશુભાઈ કદી માનતા ન હતા. માર્કેટિંગમાં હંમેશા નબળા કેશુભાઈ કામગીરીમાં અને રિઝલ્ટ આપવામાં શ્રેષ્ઠ નેતા હતા. 1998 થી 2000 ના સમયગાળામાં જ્યારે રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા અત્યંત ઘેરી બની હતી ત્યારે આ સમસ્યાના નિવારણ માટે શું કરવું જોઈએ તે માટેના મનોમંથન સૌ કોઈ કરતા હતા. પરંતુ કેશુભાઈ પટેલે જાંબુડી વીડીની બોર યોજના હાથ ધરવાનો નિર્ણય લઈને માત્ર 62 દિવસમાં પાઇપ લાઇન નાંખવાની કામગીરી અને આ પ્રોજેક્ટ પૂરો કરી જળસંકટને જાકારો આપ્યો હતો. આ વાત આજે પણ રાજકોટવાસીઓને બરાબર યાદ છે. જાંબુડી વીડીના 120 બોર કેશુભાઈ પટેલે ખોલાવ્યા હતા અને ત્યાંથી પાઇપલાઇન દ્વારા રાજકોટ મહાનગર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં પાણી નાખી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભવિષ્યમાં આ પ્રકારની પાણી સમસ્યા સર્જાય તો જાંબુડીવીડી ઉપરાંતના વધારાના સોર્સ તરીકે લાલપરી, ન્યારી, મચ્છુ સહિતના ડેમમાંથી કેવી રીતે અને કેટલા પ્રમાણમાં પાણી મેળવી શકાય તેનુ પણ નક્કર આયોજન કેશુબાપાએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here