પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીને દયાભાભીની યાદ આવી, રિયાલિટી શોમાં વખાણ કર્યા

0
104

ડાન્સ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સેટ પર હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ મેમ્બર્સે 3000 એપિસોડ પૂરા થવાની ઉજવણી કરી હતી. શૂટિંગ દરમિયાન સ્પર્ધક રુતુજા ઝુન્નારકર તથા કોરિયોગ્રાફર આશીષ પાટિલે ‘બેબી ડોલ’ ગીત પર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ જોઈને તમામને દયાબેન એટલે કે દિશા વાકાણીની ખોટ વર્તાઈ હતી. રુતુજાએ દયાબેનનો ગેટઅપ લીધો હતો અને તેને આ અંદાજમાં જોઈને તમામને દયાભાભીની યાદ આવી હતી.

રુતુજા ઝુન્નારકરે જ્યારે દયાભાભી બનીને પર્ફોર્મ કર્યું તો તેનું પર્ફોર્મન્સ જોઈને તમામ લોકોને નવાઈ લાગી હતી. જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ કહ્યું હતું, ‘એક સેકન્ડ માટે તો મને એવું લાગ્યું કે દિશાજી (દયાબેન) આ ડાન્સ કરે છે. જે રીતે રુતુજા સ્ટેજ પર આવી અને ડાન્સ કર્યો તો એવું જ લાગ્યું કે દિશા વાકાણી જ આવું કરે છે. તેણે આઉટફિટ તથા નાના-નાની વાતનું ધ્યાન રાખ્યું હતું અને એવું જ લાગ્યું કે દિશાજી અહીંયા પર્ફોર્મ કરે છે.’

અસિત કુમાર મોદી પણ પર્ફોર્મન્સથી ઘણાં જ પ્રભાવિત થયા હતા અને તેમણે કહ્યું હતું, ‘શું એક્સપ્રેશન છે? જ્યારે એક્સપ્રેશન સાથે ડાન્સ કરવામાં આવે તો ઘણી જ મજા આવે છે. ગરબાની સાથે વચ્ચે તમે જે અલગ-અલગ સ્ટેપ્સ કર્યા છે, તે અમારા દયાભાભી કરતા હતા. તે ગરબા રમતા રમતા અલગ જ જગ્યાએ જતા રહેતા હતા. હું અહીંયા સ્ટેજ પરથી એક વસ્તુ લઈ જવા માગું છું, તમે આ દયાભાભી (રુતુજા)ને અમારા શોમાં આપી દો. અમારી દિશા વાકાણીએ આ પાત્ર માટે બહુ જ મહેનત કરી હતી અને આજે પણ અમને શોમાં તેમની ખોટ વર્તાય છે. હું તમને (રુતુજા) એક વિનંતી કરીશ, શું લાગે છે જેઠાભાઈ?’ આના પર દિલીપ જોષીએ તરત જ કહ્યું હતું, ‘એક ઓડિશન લઈ જ લો…મૌકા ભી હૈ દસ્તૂર ભી…’

ગીતા કપૂરે કહ્યું હતું, ‘આ એક્ટ બાદ હું આશીષને પૂછવાની હતી કે તે રુતુજાને સ્ટેજ પર કેમ ના લાવ્યો, કારણ કે મને માત્ર દયાભાભી જ ડાન્સ કરતી હોય તેમ લાગ્યું. દયાનું પાત્ર બહુ જ મહત્ત્વપૂર્ણ છે. દિશા વાકાણીએ આ પાત્ર ઘણી જ સારી રીતે ભજવ્યું છે. તેની બૉડી લેંગ્વેજ અને પાત્ર માટે જે પણ મહેનત કરી તે ખરેખર વખાણવા લાયક છે. તેણે દયાભાભીના પાત્રમાં જીવ રેડી દીધો છે. મને એ વાત સારી લાગી કે તે જ્યારે પિયર જતી રહી અને પાછી ના આવી તો તમે આજ સુધી તેની જગ્યા કોઈને આપી નથી. જો તમે આ રુતુજાને ઓફર કરો છો તો આ માટે હું તમારી આભારી છું. રુતુજા, તારી મહેનત રંગ લાવશે.’

વધુમાં ગીતા કપૂરે જણાવ્યું હતું, ‘જ્યારે અમે કહીએ છીએ કે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સ’ તો એનો અર્થ એવો કે એવા ડાન્સર્સ જે પોતાના માટે તો કરે છે પરંતુ તેમને કોઈ ચેલેન્જ આપે તો તે તેમાં પણ સારા સાબિત થાય છે. રુતુજા તમે એક એવા ડાન્સર છો, જે હંમેશાં દરેક ચેલેન્જને સફળતા પૂર્વક પાર પાડે છે. મને તમારી પર ગર્વ છે.’

દિલીપ જોષીએ કહ્યું હતું, ‘જેવી રીતે ગીતાજીએ કહ્યું કે દિશાજી એક શાનદાર એક્ટર છે અને તેમણે દયાના પાત્રમાં નાનામાં નાની વાત ધ્યાનમાં રાખી હતી અને ઘણી જ મહેનત કરી હતી. તેમની નકલ ઊતારવી ઘણી જ મુશ્કેલ છે, પરંતુ આજે તમે (રુતુજા) જે બારીકાઈથી પર્ફોર્મ કર્યું, તે જોઈને મારે કહેવું જ પડશે કે તમે શાનદાર છો.’

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ 2017માં સપ્ટેમ્બરમાં છ મહિના માટે મૅટરનિટી લીવ લીધી હતી. જોકે, દિશા વાકાણી છ મહિના બાદ પણ પરત ફરી નહોતી. શોમાં દિશા વાકાણી અમદાવાદ જતી રહી હોવાનું બતાવવામાં આવ્યું છે. અવાર-નવાર એવી ચર્ચા થતી રહે છે કે દિશા વાકાણી શોમાં પરત આવશે પરંતુ હજી સુધી શોમાં દિશા વાકાણી આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here