રાજકોટ મહાપાલિકા કચેરીમાં આજે સવારે ખુલતી કચેરીએ દિવાળી પૂર્વે જ દિવાળી જેવો ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ મહાપાલિકાની વિવિધ ૪૦ શાખા કચેરીઓના ૯૫ જુનિયર ક્લાર્કને ખાતાકીય પરીક્ષાના અંતે સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવા ગત મોડી સાંજે હુકમ કરાયો છે.
મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હવે સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને સાતમા પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ-૪ મુજબ રૂ.૨૫,૫૦૦થી રૂ.૮૧,૧૦૦નું પગાર ધોરણ (હુકમમાં નિર્દિષ્ટ શરતોને આધિન) મળશે. અલબત્ત અનેક ક્લાર્કની બઢતી સાથે બદલી પણ કરાઇ છે. સેક્રેટરી શાખામાં લાંબા સમયથી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ દૂધરેજીયાની સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન સાથે હવે વેસ્ટ ઝોનમાં ડેપ્યુટી કમિશનરની કચેરી હેઠળના સામાન્ય વહીવટી વિભાગમાં બદલી કરાઇ છે.