ખાનગી શાળા સંચાલકોની માફક સરકારે પણ RTEમાં વિદ્યાર્થી દીઠ અપાતી ગ્રાન્ટમાં 25% કાપીને શાળાઓને આપી

0
95
  • ખાનગી શાળા સંચાલકો પાસેથી ફી ઘટાડવામાં શિક્ષણ વિભાગની ઢીલી નીતિ, ગરીબ વિદ્યાર્થીઓ માટે અપાતી ગ્રાન્ટ સીધેસીધી કાપી લીધી

ગુજરાતની ખાનગી સ્કૂલમાં ફી ઘટાડાના મામલે સરકારને પરસેવો વળી ગયો હતો અને છેવટે કોર્ટ સુધી મામલો પહોંચ્યા બાદ ખાનગી શાળા સંચાલકો માન્યા હતા, તો બીજી બાજુ રાજ્ય સરકારે પણ રાઈટ ટુ એજ્યુકેશન(RTE)માં સંચાલકો આપવામાં આવતી વિદ્યાર્થી દીઠ ફીમાં 25%નો ઘટાડો કરી દીધો છે, આરટીઇમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ વતી સ્વનિર્ભર શાળાઓને ચૂકવવાની થતી રકમમાં 25 ટકા કાપ મૂકીને 10,000ના બદલે 7500 ચૂકવવાનો આદેશ નાણા વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે શાળાઓની ફીમાં 25 ટકા ઘટાડો કરવાની સુચના આપી છે
કોરોના, લોકડાઉન જેવી પરિસ્થિતિના કારણે ભાંગી ગયેલા સમાજના વિવિધ ક્ષેત્રને નવેસરથી ઉભા કરવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ આપવામાં આવે છે. પરંતુ કોઈ પેકેજનો લાભ ખુદ સરકાર પણ લેવા લાગી છે, ગુજરાતમાં શાળાઓની ફીના મામલે લાંબા કાનૂની યુદ્ધ પછી રાજ્ય સરકારે હાઇકોર્ટની સુચના મુજબ શાળાઓની ફી માં 25 ટકા ઘટાડો કરવાની સુચના આપી છે. સરકારની આ સૂચનાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને તો લાભ થશે જ પરંતુ સરકારે પણ શરમ સંકોચ નેવે મૂકીને પોતે કરેલા આદેશ મુજબ ફીમાં 25 ટકા ઘટાડાનો લાભ પોતે પણ મેળવી લઈ દલા તરવાડીવાળી કરી છે.

સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થી દીઠ 42 હજાર આસપાસનો ખર્ચ
રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અંતર્ગત સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ મેળવનાર સમાજના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓની ફી સરકાર ભરતી હોય છે. ગુજરાત વિધાનસભામાં જાહેર કરાયેલી આંકડાકીય માહિતી મુજબ, સરકારી સ્કૂલોમાં પ્રત્યેક વિદ્યાર્થી દીઠ સરેરાશ 42 હજાર આસપાસનો ખર્ચ થાય છે. પરંતુ આરટીઇમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના ખર્ચ પેટે સરકાર સ્વનિર્ભર શાળાઓને 10,000 આપે છે. 25% ઘટાડાના લાભમાં પણ સરકારે શરમ નેવે મૂકીને હવે આરટીઇમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ વતી સ્વનિર્ભર શાળાઓને ચૂકવવાની થતી રકમમાં 25 ટકા કાપ મૂક્યો છે.
ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, 42000 ના બદલે સરકાર 10000 ચૂકવે છે અને તેમાં પણ 25 ટકાનો કાપ મૂકીને હવે 7500 રૂપિયા ચૂકવવાનું નક્કી કરાયું છે.

ચાલુ વર્ષે 25 ટકાની ફીમાં રાહત આપવા માટે અમે તૈયાર: સંચાલકો
સ્વનિર્ભર શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે વર્ષ 2019-20 મુજબ ફી લેવાનું નક્કી કર્યું છે ગત વર્ષની ફીમાં કોઈ પણ પ્રકારનો વધારો ન કરવા અને ચાલુ વર્ષે 25 ટકાની રાહત આપવા માટે પણ અમે તૈયાર થયા છીએ. શિક્ષણ જગત માટે સરકારે કોઈ પ્રકારનું પેકેજ જાહેર કર્યું નથી પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટેના પેકેજમાં પણ લાભ લેવાની બાબતનો અમે વિરોધ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here