આજથી ઓનલાઈન શિક્ષણમાં પણ દિવાળી વેકેશન, વિધાર્થીઓ અને શિક્ષકોને 21 દિવસ સુધી રજા

0
87
  • કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી
  • ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની રાજ્ય સરકારની વિચારણા

રાજ્યની પ્રાથમીક-માધ્યમિક શાળાઓમાં આવતી કાલ તા.29ને ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હોવાથી વેકેશનના આ સમયગાળામાં વિદ્યાર્થીઓને અપાતું ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે. જેથી વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાંથી છુટકારો મળશે.

હવે શાળાઓ દિવાળી બાદ 19 નવેમ્બરથી ખુલશે
જૂન મહિનાથી કોરોના વાયરસની મહામારીના ફુંફાડાના પગલે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ઘેર-બેઠા ઓનલાઈન શિક્ષણ પુરું પાડવામાં આવી રહ્યું છે. શિક્ષણ બોર્ડના એકેડેમીક કેલેન્ડર મુજબ આ દિવાળી વેકેશન જાહેર કરાયેલ છે. જેથી સરકારી ગ્રાન્ટેડ સહિતની શાળાઓના શિક્ષકોને કાલથી 21 દિવસની રજા રહેશે. હવે શાળાઓ દિવાળી બાદ 19 નવેમ્બરથી ખુલશે.

દિવાળી પછી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની સરકારની વિચારણા
કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા-કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી, પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે દિવાળી પછી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે, મુખ્યમંત્રીના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ અંગેની ચર્ચા શરૂ થઇ ગઇ છે, જેમાં પ્રાથમિક શાળાઓ અંગે હાલ કોઈ જ ચર્ચા-વિચારણા પણ સરકાર કરવા તૈયાર નથી. ગુજરાત સરકારે જ કોરોનાને કારણે નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકીને પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો તહેવારોની ઉજવણી જ બંધ રાખવામાં આવી છે તો શાળા-કોલેજ શરૂ કરવાનો કોઈ પ્રયાસ સરકાર કરવા માગતી નથી, તેથી દિવાળી બાદ જ એ શરૂ થઈ શકે છે.

માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા
કેન્દ્ર સરકારે અનલોક-5માં તબક્કાવાર સ્કૂલ-કોલેજો શરૂ કરવાની છૂટ આપી છે. જોકે આ મામલે આખરી નિર્ણય લેવાની સત્તા રાજ્યોને જ આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં દિવાળી વેકેશન પછી જ માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા છે. આ મામલે વિવિધ પાસાઓની વિચારણા તથા તજજ્ઞો સાથે બેઠકો કરાયા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે અને એને આધારે ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here