સુરતના 186 યુવાનો સ્વયંસેવક બની કોરોના પેશન્ટનું મનોબળ મજબુત કરશે

0
332
Khabarchhe.com

કોરોનાના કટોકટીના સમયમાં લોકોમાં જાગૃતતા ફેલાય તથા કોરોના પેશન્ટોમાં મજબુત મનોબળ જળવાઈ રહે તે સુરત મહાનગર પાલિકા દ્વારા ‘વોલ્યુન્ટીયર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ’ની એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. કોરોના મહામારીના આ વાતાવરણમાં લોકો ક્યારેક સચોટ માહિતીના અભાવને કારણે પેનિક એટલે કે, ભયભીત થઇ રહ્યા છે. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અવળી અસર થઇ શકે છે.

જે અંતર્ગત આજરોજ શહેરના સાયન્સ સેન્ટર ખાતે વોલ્યુન્ટીયર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 186 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલા ‘આઈ ગોટ (I got)’ પ્લેટફોર્મ દ્વારા તેમને ઓનલાઈન ટ્રેનીંગ આપવામાં આવશે જેમાં તેમને ઇન્ફેકશન કંટ્રોલ તથા સોફ્ટ સ્કીલ્સ વગેરે બાબતોનું માર્ગદર્શન કરવામાં આવશે. જે દ્વારા યુવાનોને કોવિડના પેશન્ટને પોતાની સુરક્ષા સાથે કેવી રીતે મળવાનું અને તેમની કેવી રીતે મદદ કરવાની તથા જે લોકો ખુબ જ ગભરાયેલા હોય તેમને કેવી રીતે સાહસ આપવાનુ વગેરે બાબતો શીખવવામાં આવશે. સ્વયંસેવકોને ટ્રેનીંગ પૂર્ણ કાર્ય બાદ સર્ટીફીકેટ પ્રદાન કરવામાં આવશે.

યુવાનોને માર્ગદર્શન આપતા આરોગ્ય અગ્ર સચિવ ડો. જ્યંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં આ પ્રકારની કામગીરી પ્રથમ વખત સુરતમાં કરવામાં આવી રહી છે. કોવિડ પોઝીટીવ પેશન્ટ પાસે પ્રોટેક્શન સાથે જઈએ તો આપણને ચેપ લાગતો નથી. કોવિડ વિશેની તમામ માહિતી આ સુરતના સ્વયંસેવકો દ્વારા લોકો સુધી પહોચાડશે. લોકોને કેવી રીતે હાથ ધોવા માટેનો મંત્ર ‘સુમનકે’ તેની જાણકારી આપતા સચિવે જણાવ્યું હતું કે, સુમન એટલે કે S સીધા, U ઉલ્ટા, M મુઠ્ઠી, A અંગુઠા, N નખ, K કાંડા. આ મંત્ર સાથે યુવાનોને ઘરે ઘર સુધી પહોંચીને સંદેશો આપવાનો અનુરોધ કર્યો હતો. માનવતાના આ કાર્યમાં સહભાગી થનારા તમામ સુરતના યુવાનોનું કાર્ય ખુબ સરાહનીય છે જેમ જણાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.